વ્હાલા વ્હાલા નહેરુચાચા,
આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયુ કે તમને થોડી વાતો કરુ કારણકે અમને સાંભળનારા બીજા કોઇ નથી. ચાચાજી, આજે બધા લોકો અમારા જેવા નાના ભુલકાઓને યાદ કરશે. ટીવીમાં પણ આખો દિવસ અમને બતાવ્યા કરશે. બહુ મોટા મોટા વિદ્વાનો અમારા જેવા બાળકો પાસે મજૂરી કરાવવી એને દેશનું કલંક કહેવાય એવી વાતો પણ કરશે. આજે અમે કારખાનામાં મજૂરી કરવા નથી જતા અને છતાય મજૂર છીએ.
અમારા મા-બાપે જ અમને મોટા મજૂર બનાવી દીધા છે. 6 થી 7 કલાકની શાળા અને એમા પણ પાછા રવિવારના દિવસે કે જાહેર રજાના દિવસે એકસ્ટ્રા લેકચર હોય. આટલાથી પુરુ ન થતુ હોય તે શાળાએથી આવીને ટ્યુશન ક્લાસમાં જવાનું અને પછી મ્યુઝીક અને ડાન્સ ક્લાસ તો ખરા જ. હવે ચાચા તમે જ કહો અમારા કરતા તો કારખાનામાં કામ કરતા બાળ મજૂર વધારે સુખી ન હોય ?
ઘરે કોઇ મહેમાન આવે તો અમે જાણે પ્રદર્શનનું સાધન હોય એમ સહેજ રમવા ગયા હોય તો ત્યાંથી બોલાવીને ‘ આ આંટીને ડાન્સ બતાવ, જો જરા પેલુ પોએમ સંભળાવ’ આમ કહીને ચાવીવાળુ રમકડુ હોય એમ નાચવા-ગાવા ધરી દે. તમારી ઇચ્છા હોય કે ના હોય તમારે તો બસ મુંગા મોઢે આદેશનું પાલન જ કરવાનું. ચાચા તમારા પપ્પા કે મમ્મી તમારી પાસે આવુ કરાવતા ?
અમને જાણે કે અમારી કોઇ ઇચ્છા જ ન હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે છે. અમે ભલે નાના રહ્યા પણ અમારી પણ કેટલીક ઇચ્છાઓ હોય ને ? હા કદાચ અમારી સમજ શક્તિના અભાવે અમે અમારુ સારુ-નરસુ ન જોઇ શકતા હોય તો અમારી સાથે બેસીને અમને પ્રેમથી અને ધિરજથી સમજાવવા ના જોઇએ ? પણ એવો સમજાવવાનો સમય જ ક્યાં હોય છે ?મમ્મીને પોતાની સીરીયલ વહાલી હોય અને પપ્પાને વોટ્સએપ પર કેટલા બધા સાથે વાતો કરવાની હોય એટલે મારા માટે તો કોઇને ટાઇમ હોય જ નહી.
ઘણીવાર દાદા ઘરે આવે તો પપ્પા શેરીમાં કેવી ધમાચકડી કરતા એની વાતો કરે ત્યારે મને થાય કે હું થોડો મોડો જન્મ્યો છું. આજે મળે છે એવી સગવડો ન મળતી હોત તો પણ ચાલત કારણકે રમવા તો મળતુ હોત અને એ પણ પેટ ભરીને ‘માત્ર 30 મીનીટમાં પાછો આવી જજે ‘એવુ બંધિયાર રમવાનું તો ન હોત. પપ્પાને એમના દાદા વાર્તાઓ પણ કરતા પણ મારા દાદા મારી પાસે નથી અને એટલે પપ્પાએ સ્ટોરીબુક અને જાતજાતની કેસેટ લાવી આપી છે. મને ખાત્રી છે કે એ મને મજા આવે એટલે નહી પણ મારુ જનરલ નોલેજ સારુ થાય અને એના લીધે પપ્પાના વખાણ થાય એટલે જ લાવી આપી હશે.
ચાચા, આ શાળાઓ પણ અમારા પર કંઇ ઓછા અત્યાચાર નથી કરતી. એક વાત કહુ ચાચા, અમારી શાળામાં રમતગમતનું મેદાન જ નથી, બોલો છે ને કમાલ ! અમે જાણે બળદીયા હોય એ રીતે લખાવ લખાવ જ કર્યા કરે કારણકે સમજાવીને શીખવાડતા આવડતુ હોય એવા શિક્ષક તો માંડ એકાદ હોય બાકીના તો પરાણે શિક્ષક બનેલા હોય. અને એમાંય શાળાના સંચાલકો કે સરકાર એને પુરતો પગાર ન આપે તો દાઝ અમારા પર ઉતારે બોલો.
શાળામાં અમારામાં છુપાયેલુ બહાર કાઢવાને બદલે બહારનું બધુ જ અમારામાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. અમને માત્ર અને માત્ર માર્કનું મશીન જ બનાવી દેવામાં આવે છે. સમજાય કે ના સમજાય ગોખાવીને પણ માર્ક વધારે આવવા જોઇએ આ એક જ પ્રયાસ હોય છે એમનો અને એ પણ બીચારા શું કરે કારણકે અમારા મમ્મી-પપ્પાને પણ અમારા માર્કમાં જ રસ છે. અમને ખબર છે કે મમ્મી-પપ્પા કે શિક્ષકો અમારા દુશ્મન નથી પણ એ લોકોને પણ સમજાવું જોઇએને કે અમે માત્ર મજૂર નથી.
ચાચાજી હજુ તો ઘણું ઘણું કહેવુ છે પણ જુવો હવે મમ્મી બરાડા પાડીને બોલાવે છે એટલે જવુ જ પડશે કારણકે અમારે ઇચ્છા જેવુ ક્યાં કંઇ હોય છે અમારે તો મમ્મી-પપ્પાની અને શિક્ષકોની ઇચ્છા એ જ અમારી ઇચ્છા.
ચાચાજી તમારી બહુ યાદ આવે છે. આઇ મીસ યુ. અને હા મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે અગેઇન.
શૈલેશભાઈ સગપરીયા