અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે સાંબેલાધારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.

જો કે, રવિવારે રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં ગાંધીનગર 40.0 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38. 8 ડિગ્રીતેમજ લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં લોકોએ દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, આવતીકાલ બપોરથી વાતાવરમમાં પલટો આવ્યાં બાદ સાંજે વરસાદી ઝાપટાંની શક્યતા છે. જ્યારે રવિવારે રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી જતાં દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું.

અમદાવાદ જળબંબાકાર

મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ,ઘુમાઅને ચાંદખેડાવિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

26થી 28 જૂન અમદાવાદમાં વરસાદની શક્યતા

સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદની આગાહી

હાલમાં રાજ્યનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ગરમી પણ યથાવત્ છે. જેને કારણે સોમવારથી રાજ્યનાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રનાં લઇને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગમાં સોમવારથી ચોમાસુ બેસી જવાની પ્રબળ શક્યતા છે. તેમજ વાતાવરણમાં આવેલી અસ્થિરતાથી પવનની ગતિ 26 જૂન બાદ વધશે, તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થશે.અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ:

  • ઓઢવમાં 2.5 ઈંચ વરસાદ
  • વિરાટનગરમાં 1.5 ઈંચ વરસાદ
  • ઉસ્માનપુરમાં 1.5 ઈંચ વરસાદ
  • ચાંદખેડામાં 1 ઈંચ વરસાદ
  • રાણીપમાં સવા ઈંચ વરસાદ
  • બોડકદેવમાં 1.5 ઈંચ વરસાદ
  • ગોતામાં 1.5 ઈંચ વરસાદ
  • સરખેજમાં 1.5 ઈંચ વરસાદ
  • દુધેશ્વરમાં 1.5 ઈંચ
  • મેમ્કો વિસ્તારમાં 1.5 ઈંચ વરસાદ
  • નરોડામા 1 ઈંચ
  • કોતરપુર વિસ્તારમાં 1 ઈંચ વરસાદ
  • મણીનગરમાં પોણા બે ઈંચ વરસાદ
  • વટવામાં 2 ઈંચ વરસાદ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો