પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ નાયક સંદીપ સિંહ શહીદ થઈ ગયા છે. સંદીપ સિંહ પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સમયે પેરા કમાન્ડરમાં સામેલ હતા.

સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ જવાન શહીદ

– જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ઠાર મારવાનું સેનાનું ઓપરેશન ઓલઆઉટ છેલ્લાં ઘણાં સમયથી ચલાવવામાં આવી રહ્યું છે.

– તંગધારમાં શનિવારે આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની રેન્જર્સ પણ તેઓને કવર ફાયર આપતાં રહ્યાં હતા. જે બાદથી સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું જે સોમવારે રાત સુધી ચાલ્યું હતું.

– રવિવારે જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા. તો સોમવારે પણ વધુ ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યાં હતા.

– જો કે સોમવારે આતંકીઓ સાથેની અથડામણમાં સંદિપ સિંહ પણ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેઓને સારવાર માટે શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેઓએ શ્વાસ છોડ્યાં હતા.

– ઓપરેશનમાં આતંકીઓ માર્યાં ગયા છે તે અંગેની માહિતી મળતાં જ સ્થાનિક યુવકો ઘટનાસ્થળે પહોંચી સુરક્ષાદળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

2007માં સેનામાં સામેલ થયા હતા સંદીપ સિંહ

– ઓપરેશન દરમિયાન શહીદ થયેલાં સંદીપ સિંહ વર્ષ 2007માં સેનામાં ભરતી થયાં હતા.

– તેમની ડ્યૂટી 4 પેરા ઉધમપુરમાં હતી. તંગધારમાં ઘૂસણખોરીની સુચના બાદ તેમને ત્યાં મોકલવામાં આવ્યાં હતા. તેમના પરિવારમાં પિતા જગદેવ સિંહ, માતા કુલવિંદર કૌર, પત્ની ગુરપ્રીત કૌર અને પાંચ વર્ષનો પુત્ર છે.

– સંદીપ શહીદ થયાં હોવાની માહિતી મળતાં જ માતા કુલવિંદર કૌર બેભાન થઈ ગયા. તો પત્ની ગુરપ્રીત કૌર અને પાંચ વર્ષના પુત્રની પણ રોઈ રોઈને હાલત ખરાબ છે. જ્યારે પિતા જગદેવ સિંહ પણ પોતાને સંભાળી નથી શકતા. જ્યારે સમગ્ર ગામમાં પણ શોકની લહેર જોવા મળી રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

શ્રદ્ધાંજલી