પિતાના મોત બાદ પણ દેશ માટે રમતી રહી આ ભારતીય ખેલાડી, ફાઈનલમાં જીત અપાવ્યા બાદ પહોંચી ઘરે

ભારતીય હોકી ટીમની 19 વર્ષીય ખેલાડી લાલરેમસિયામીએ દેશ માટે વ્યક્તિ કેટલી હદે સમર્પિત હોઈ શકે તેનો ઉત્તર નમૂનો પુરો પાડ્યો છે. મિઝોરમની આ ખેલાડીએ જાપાનના હિરોશિમામાં એફઆઇએચ મહિલા સીરિઝની ફાઇનલ રમવાનો નિર્ણય એવા સમયે લીધો જ્યારે ભારતમાં તેના પિતાનું અવસાન થઇ ગયું હતું. લાલરેમસિયામી તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઇ શકી નહતી.

દેશની આ દીકરીને દરેકે સલામ કરવી જ જોઈએ, સેમિફાઇનલ પહેલા જ ફોન આવ્યો કે ઘરે પિતાનું મૃત્યું થયું છે પણ દેશને ટ્રોફી અપાવવી હતી માટે રમતી રહી.

ભારતે પહેલા 4-2થી ચિલીને હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 3-1થી માત આપી. પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ ના થઇને લાલરેમસિયામીએ ફાઇનલ રમવાનો નિર્ણય લઇને એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. લાલરેમસિયામી મંગળવારે જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ખૂબ જ ભાવૂક હતી. લાલરેમસિયામીના પિતાનું હાર્ટ એટેકને કારણે મૃત્યું થયું હતું. આવા કપરાં સમયમાં પણ લાલરેમસિયામી ટીમ છોડીને ઘરે પરત ફરી નહતી.

ભારતીય ટીમના કેપ્ટન રાની રામપાલે મેચની જીતને લાલરેમસિયામીના પિતાને સમર્પિત કરી હતી. લાલરેમસિયામી મંગળવારે ઘરે પહોંચીને તેમની માતાને ભેટી પડી હતી. મિઝોરમ સરકારના અધિકારી અને તેમના ગામના લોકો પણ ત્યાં હાજર હતા.

લાલરેમસિયામીના રમત પ્રત્યેનો જુસ્સો જોઇને કેન્દ્રીય રમત મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટર પર તેમના પિતાના અવસાનની વાત શેર કરી હતી. તેમણે લખ્યું કે, ભારતીય મહિલા હોકી ખેલાડી લાલરેમસિયામીના પિતાનું અવસાન થયું. ત્યારે ભારતીય ટીમ, હિરોશિમામાં સેમફાઇનલ રમી રહી હતી. લાલરેમસિયામીએ તેમના કોચને જણાવ્યું કે હું ઇચ્છું કે મારા પિતા મારા પર ગર્વ અનુભવે. હું રમવા માગું છું અને ભારતને ક્વોલીફાય કરાવવા માગું છું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો