પગ વિનાના પાટીદારનો સંઘર્ષ, ટ્રેક્ટર સહિતના વાહનો ચલાવી કરે છે ખેતી કામ

નાની વાતથી ગભરાઇને નાસીપાસ થઇ જતાં કે જીવન ટુંકાવી દેતાં લોકો માટે પ્રેરણારૂપ બને એવી જીવતી કહાનીઓ આપણી આસપાસ જ હોય છે. મુશ્કેલીથી ડર્યા વગર, હામ ગુમાવ્યા વગર મક્કમ મનોબળથી લડીને ખરાં અર્થમાં પગભર થનારી એક એવી જ જીવતી જાગતી કહાની એટલે સાણંદના લાલજીભાઈ પટેલ. પાંચ વર્ષ પહેલાં માંદગીના કારણે એમણે હાથ-પગની ચેતના ગુમાવી દીધી હતી. આ વ્યક્તિ બચશે નહિ અને બચશે તો પણ આજીવન તેણે અન્યની સહાયતા પર નિર્ભર રહેવું પડશે એવાં તબીબોના તારણને ય ખોટું પાડીને લાલજીભાઈ આજે એવી જિંદાદિલીથી જીવે છે કે તેમની સામે તમામ રીતે સક્ષમ લોકો પણ સલામ કરી ઊઠે.

પુરુષાર્થની જીવતી મિસાલ

લાલજીભાઈના બંને પગ અને બંને હાથના આંગળા નથી અને તેમ છતાં તેઓ ખેતીવાડીનું તમામ કામ સંભાળે છે. ટ્રેક્ટર સહિતના તમામ વાહનો પણ ચલાવી જાણે છે. લાલજીભાઈ કહે છેઃ હોંસલો સે ઊડાન હોતી હૈ. માંદગીને કારણે બંને પગ અને હાથના વેઢા કપાવવા પડ્યા છતાં હિંમત ન હારેલા લાલજીભાઈ પુરુષાર્થની જીવતી મિસાલ છે.

ભયાનક પંગુતાથી કોઈપણ વ્યક્તિની હામ ભાંગી પડે. પરંતુ લાલજીભાઈએ જાણે પંગુતાને હરાવવાનું નક્કી જ કર્યું હતું

સામાન્ય વ્યક્તિ કરી શકે એવા તમામ કામ કરે છે કુશળતાથી

સામાન્ય વ્યક્તિ કરી શકે એવા દરેક કામ તેઓ એટલી જ કુશળતાથી કરે છે. સમજો કે, કુદરતે કરેલાં અન્યાયને કોઈ ફરિયાદ વગર રોજેરોજ તેઓ હંફાવી રહ્યા છે.સાણંદ ખાતે જીઇબી પાસેની સોસાયટીમાં રહેતાં લોકોને પૂછીએ તો તેઓ તરત કહેશે કે લાલજીભાઈ તો તદ્દન નોર્મલ છે. શારીરિક પંગુતા એ કોઈ તકલીફ હોય જ નહિં એટલી મક્કમતાથી તેમણે જિંદગીને જીવાડી છે અને જીતાડી પણ છે.

બ્લડ પ્રેશર થઈ ગયું 35 અને હાથ પગ પડી ગયા કાળા

લાલજીભાઈના પત્ની પણ તેમના આ પુરુષાર્થમાં મક્કમપણે સહભાગી બને છે. તેઓ કહે છે, ‘પાંચ વર્ષ પહેલાં મારા પતિને પેશાબની સમસ્યા થઇ અને અમે તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ધીમે ધીમે તેમની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી. તેમના હાથ પગ કાળા પડી ગયા હતા. એક સમયે તેમનું બ્લડ પ્રેશર ઘટીને ફક્ત 35 થઇ ગયું હતું. ડૉક્ટર્સે કહી દીધું હતું કે તેમનુ બચવું મુશકેલ છે અને બચશે તો તેઓ આખી જિંદગી વ્હિલ ચેર પર અન્યની સહાયતા વગર હરી-ફરી શકશે નહિં.

બન્ને હાથના વેઢા અને બન્ને પગ કાપી નાંખ્યા

આ બધાની વચ્ચે પણ મારા પતિ ભાનમાં હતા અને અમને કહેતા હતા કે હું ફરી સાજો થઇ જઇશ.
ડૉક્ટર્સે ફરીથી ટ્રીટમેન્ટ શરુ કરી. આ વખતે તેમના બન્ને પગ કાપી નાખવા પડ્યા હતા. હાથના વેઢા પણ કાપી નાખવા પડ્યા હતા. થોડા દિવસ બાદ તેઓને ઘરે લાવવામાં આવ્યા. આવી ભયાનક પંગુતાથી કોઈપણ વ્યક્તિની હામ ભાંગી પડે. પરંતુ લાલજીભાઈએ જાણે પંગુતાને હરાવવાનું નક્કી જ કર્યું હતું. તેઓ કહે છે કે, ‘એક દિવસ છાપામાં મેં જોયું કે પગ વગરનો વ્યક્તિ પણ પહાડ ચઢી ગયો હતો.

ફરીથી એ જ જિંદગી જીવવાની જિજીવિષા

જેથી મેં પણ નક્કી કર્યુ કે હવે હું પણ મારા પગ પર ઉભો થઇશ અને ફરીથી પહેલાંની જેમ જીવન જીવીશ.એ પછી હું અમદાવાદના સીજી રોડ પર આવેલી નકલી પગ બનાવનારી કંપનીના કાઉન્સિલર પાસે ગયો. તેમણે કહ્યું કે અમે તમને આર્ટીફીશિયલ પગ લગાવી આપીશું પરંતુ તેનાંથી તમે માત્ર ચાલી શકશો. પરંતુ એથી વિશેષ કોઈ શ્રમ નહિ કરી શકો. એમની વાતોથી મને વધુ હતાશા થઈ આવી. કારણ કે મારે તો કાર ડ્રાઈવ કરવી હતી. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું હતું. ફરીથી એ જ જિંદગી જીવવી હતી.

ટ્રેક્ટરની ક્લચ પ્રેસ ન થતા બદલી બેસવાની પદ્ધતિ

મેં વિચાર્યું કે, કાઉન્સિલર તો અગાઉના લોકોના અનુભવે આવું કહેતાં હોય. હું જો બીજા કરતાં અલગ છું તો મારે હવે એ સાબિત કરવું રહ્યું. આર્ટિફિશિયલ લિમ્બ લગાવ્યાના બે મહિના પછી મેં ઘરના આંગણે એક્ટિવા ચલાવવાનો પ્રયાસ કર્યો. આઠ-દસ વાર પડ્યો તો પણ હિંમત હાર્યા વગર પ્રયાસ જારી રાખ્યો. એક્ટિવા પૂરપાટ ચલાવતો થઈ ગયો પછી એ જ રીતે પ્રયાસ કરીને કાર પણ ચલાવવા લાગ્યો. એમાં આત્મવિશ્વાસ આવ્યો એટલે પહોંચ્યો હું મારે ખેતર. ખેતીકામ માટે ટ્રેક્ટર પર બેઠો. ક્લચ પ્રેસ કરવા માટે હું કમરમાંથી ગમે તેટલું જોર કરું તો પણ મારા નકલી પગ એ જોર સહી શકતાં ન હતાં. આથી મેં અનેક પ્રયાસો પછી બેસવાની પદ્ધતિ બદલી અને આખા શરીરનો ભાર પગ પર અને એ રીતે છેવટે ક્લચ, બ્રેક પર આવે એવી ટ્રિક કરી.

લાચારીથી બેસી રહેવા કરતા ઓછી થતી શારીરિક તકલીફ

આમ કરવામાં મને જોકે પારાવાર તકલીફ થતી હતી. પરંતુ કશું ન કરી શકવાની લાચાર બેબસીથી થતી તકલીફની સરખામણીએ આ શારીરિક તકલીફ ઓછી લાગતી હતી. આખરે મારા એકધારા પ્રયાસોએ રંગ લાવ્યો અને હવે હું ખેતરમાં એક જ સીધા ચાસમાં આરામથી ટ્રેક્ટર ચલાવી શકું છું. ખેતીનું કે રોજિંદી જિંદગીનું એવું એકપણ કામ નથી કે જે સામાન્ય માણસ કરી શકતો હોય અને મારાથી ન થાય.

માં અંબામાં અગાધ શ્રદ્ધાને કારણે કરી શકે છે 10 કિ.મીની પગપાળા યાત્રા

અંબાજીમાં અગાધ શ્રદ્ધા ધરાવતા લાલજીભાઈ પગપાળા યાત્રાળુ સંઘ સાથે જોડાઈને ૧૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. કોઈ ગુમાન વગર પોતાના પુરુષાર્થનું શ્રેય માતાજીને આપતાં તેઓ કહે છે, ‘માતાજીનો સાથ હોય તો કશું ય અશક્ય નથી.
આપણાં શાસ્ત્રો કહે છે, ‘પંગુમ્ લંઘયતે ગિરિમ્… યત્કૃપા તમહમ્ વંદે પરમાનંદ માધવમ્…’ ઈશ્વરની કૃપા અને વ્યક્તિનો પુરુષાર્થ ભળે ત્યારે પગ વગર પણ પહાડ ઓળંગી શકાય છે. લાલજીભાઈ બસ, આ જ પંક્તિને જીવી રહ્યા છે. સાર્થક કરી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી