15 વર્ષમાં આ કચ્છી નારીએ દિલ્હી-મુંબઈ સહિત દેહ વ્યાપારમાંથી 6 હજાર મહિલાઓને બહાર કાઢી અને સ્વનિર્ભર બનાવી

મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોના કુખ્યાત રેડ લાઇટ એરિયામાં અનેક અસભ્યકામો થતાં હોય છે. પોલીસ અને સામાજિક સંસ્થાઓના અનેક પ્રયત્નો છતાં દેહવિક્રય સહિતની બદી ત્યાં યથાવત છે. તેવામાં આ રેડ લાઇટ એરિયામાં રેડ કરીને છેલ્લાં દોઢ દાયકામાં છ હજારથી વધારે મહિલાઓને આ દેહવેપારમાંથી બહાર કાઢવાનું યશ કચ્છી સન્નારી ત્રિવેણીબેન આચાર્યને જાય છે. તેમના આ કાર્યને લીધે દેશ-વિદેશમાં તેમને સંખ્યાબંધ એવોર્ડ પ્રાપ્ત થયાં છે.

ગરીબ અને બેરોજગાર મહિલાઓ દેહવેપારમાં ધકેલાય છે

મૂળ રાપર તાલુકાના માખેલ ગામના કરશન ભકત (મઢવી)ના પુત્રી ત્રિવેણીબેન આચાર્યએ પોતાનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગામની શાળામાં જ કર્યો હતો. હાલમાં મુંબઇમાં રહેતા તેઓએ પોતાના કાર્યવિશે જાણકારી આપી હતી. મુંબઇ અને દિલ્હીના રેડ લાઇટ વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે પોલીસને સાથે લઇ ત્રિવેણી બહેન મહિલાઓને દેહવેપારમાંથી છોડવે છે. આ બદનામ ગલીઓમાં ભારતની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશોની પણ મહિલાઓ ફસાયેલી હોય છે. ગરીબીથી કંટાળી રોજગારીની શોધમાં આવતી આ મહિલાઓ અહીં ફસાઇ જતી હોય છે. દલાલો દ્વારા આવી મહિલાઓને ખોટા સપના બતાવી ફસાવી દેવાતી હોય છે. ત્રિવેણીબહેને વર્ષ 1993માં રેસ્ક્યુ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુની અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા રામકથામાં એનજીઓ માટે છ કરોડનું દાન એકત્ર થયું હતું. જેમાંથી રૂા.51 લાખનું દાન આ રેસ્ક્યું ફાઉન્ડેશનને અર્પણ કરાયું હતું.

રેસ્ક્યુ ફાઉન્ડેશન હેઠળ 600 દિકરીઓની જવાબદારી સંભાળે છે

દોઢ દાયકામાં છ હજાર સેક્સ વર્કરને બચાવવાનો ઉમદા કાર્ય કરીને અટકી જવાને બદલે આ દિકરીઓને પગભર કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુંબઇ, બોઇસર, પૂના અને દિલ્હીમાં આવી મહિલાઓ માટે પુન:વસન સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં હાલ 600 જેટલી દિકરીઓની જવાબદારી રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થા નિભાવી રહી છે. આવા દલદલમાંથી છુટવા માંગતી દિકરી પોતાના ઘરે જવા માંગતી હોય તો તેમને ઘર સુધી મુકવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરિવાર દિકરીને લેવાની ના કહે તો સંસ્થા તેની સંભાળે છે. આમાંથી અનેક મહિલાઓના લગ્ન કરવામાં આવ્યા તો કેટલીક મહિલાઓ પગભર થઇને સ્વનિર્ભર રીતે જીવન જીવી રહી છે.

ત્રિવેનણીબહેનને અનેક એવોર્ડ મળ્યા

ત્રિવેણીબહેન આચાર્ય વિદેશમાં સ્ટોપ સ્લેવરી હીરો એવોર્ડ મેળવ્યો છે. તો અમેરિકામાં રિબોક વુમન રાઇટ તથા વર્લ્ડ ઓફ ચિલ્ડ્રન એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં. તો નેઘરલેન્ડમાં ફી ગર્લ એવોર્ડ, ભારતમાં રાષ્ટ્રપતિ એવોર્ડ, માનવ સેવા એવોર્ડ, સ્ત્રી શક્તિ એવોર્ડ, પ્રાઇડ ઓફ ઇન્ડિયા સહિતના બહુમાનથી તેઓ નવાજવામાં આવ્યા છે.

જ્ઞાતિમાં પણ પ્રમુખ : સમાજ માટે ગૌરવ

કચ્છી પરજીયા રાજગોર બ્રાહ્મણ ચાર ચોવીસી સમાજનામાં હાલમાં પ્રથમ વખત પ્રમુખ તરીકે મહિલા ત્રિવેણીબેન બન્યાં છે. જે સમાજ માટે ગૌરવ લેખાવાઇ રહ્યું છે. તેમના દિયર કે.એમ.આચાર્ય કચ્છમાં એસીએફની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

અનેક વખત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી

બદનામ ગલીઓમાંથી મહિલાઓને બચાવતા હોવાતી ત્રિવેણીબહેન કુખ્યાત શખ્સોની આંખમાં ખટકતા રહે છે. જેના પગલે ત્રિવેણીબહેનને કુખ્યાત શખ્સોની અનેક વખત ધમકીઓ મળતી હતી. છતાં આ કચ્છી મહિલા જાણનની પરવા કર્યા વગર પોતાની કામગીરી સતત ચાલુ રાખી છે.

પત્રકારત્વથી કારકિર્દીની કરી હતી શરૂઆત

ત્રિવેણીબહેને 15 વર્ષ મુંબઇમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કર્યું છે. માસ્ટર ઓફ જર્નાલિઝમની ડીગ્રી હાંસલ કરી પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

24 કલાક રહે છે પોલીસ રક્ષણ

ત્રિવેણીબહેના પતિ બાલ કૃષ્ણ આચાર્ય સેનામાં હતાં. ત્યારબાદ તેઓ આ બદનામ ગલીઓમાં ફસાયેલી મહિલાનોને છોડાવવાના કાર્યમાં લાગી ગયાં હતાં. પરંતુ વર્ષ 2005માં એક કાર અકસ્માતમાં તેઓનું શંકાસ્પદ અવસાન થઇ ગયું હતું. જેના પગલે હવે ત્રિવેણીબહેનને કડક 24 કલાક પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. તથા પોતે સ્વબચાવમાં રિવોલ્વર પણ ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો