કચ્છના જંગલની રાણીઓ: વન્યજીવોથી ધ્રૂજતી નથી, શિકારીઓને ધ્રુજાવે છે

જંગલ નામ પડતા જ મનમાં ભયનું ચિત્ર ઉપસી આવે,કારણ કે કુદરતી સૌંદર્ય સાથે ત્યાં ખતરનાક વન્યજીવોનો પણ સામનો કરવો પડતો હોય છે. કચ્છના વનખાતાંમાં ફરજ બજાવતી આંગળીના વેઢે ગણાય તેટલી મહિલાઓ હાલ દેશના વિશાળ સરહદી જિલ્લાનું જંગલ સંરક્ષણ કરવા દિવસ રાત મહેનત કરી રહી છે. આજે તેમાંની કેટલીક એવી વનરક્ષકની વાત કરવી છે,જે કરવામાં કદાચ પુરુષો પણ એકચોટ ખચકાતા હશે. વર્ષ 2009માં કચ્છ વનવિભાગમાં માત્ર એક મહિલા વનરક્ષક હતી,જે હાલ 50 છે.વિવિધ નર્સરીઓનો શણગાર હોય કે લોક જાગૃતિ,બાઈકની રખડપટી કર્યા બાદનું ફિલ્ડવર્ક હોય કે શિકારીઓનો પીછો, પ્રાણી બચાવ હોય કે જંગલી જીવોની વસ્તીગણતરી, ઝાડી ઝાંખરાના જી.પી.એસ સર્વે હોય કે સ્થાનિકે આર્થિક સહાય પ્રવૃત્તિ તેઓ સદૈવ હાજર રહે છે.એક તરફ કેટલીય છોકરીઓ ઓફિસમાં નોકરી કરતા પણ ખચકાય છે, તો બીજી તરફ આ મહિલાઓ વનની રક્ષક બની ખડેપગે ઉભી રહે છે.ખરેખર આ મહિલાઓ જ કચ્છના જંગલની રાણી છે !

ઊર્મિ જાની

 

રાત્રે 12 વાગ્યે હબાયના ડુંગરોમાં ગઈ,દીપડો સામે આવ્યો : ઊર્મિ જાની

કચ્છમાં દીપડાની વસ્તી બહુજ ઓછી છે,હજારો કિલોમીટરમાં માત્ર 30 જેટલા જ દીપડા હાલ અહીં વસવાટ કરી રહ્યા છે.જેને મુક્ત ફરતો જોવો વન્યજીવ પ્રેમીઓ માટે અનન્ય લ્હાવો છે.માંડવી રેન્જની ધુણઇ બીટમાં કામ કરતી 29 વર્ષીય વનરક્ષક ઊર્મિ જાનીએ જણાવ્યું કે, ‘હું વર્ષ 2016 માં દીપડાની વસ્તી ગણતરીના બે દિવસ બાદ રાત્રે 12 વાગ્યે હબાય વિસ્તારમાં ફિલ્ડ વર્ક માટે ગઈ હતી,આ દરમ્યાન અચાનક સામે દીપડો આવી ગયો.ડરી અને ભાગવાની જગ્યાએ હું તેની વિરુદ્ધ દિશામાં જઈ પથ્થર પાછળ બેસી ગઈ હતી.મને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો શોખ છે અને કેમેરો અને ટોર્ચ સાથે હોતા દીપડાનો મને જોઇતો ફોટો ક્લિક કર્યો. ઘરે આવ્યા બાદ તેના પર કવિતા લખી હતી.આ મારી જિંદગીનો અવિસ્મરણીય બનાવ છે.’

કોમલ સોરઠીયા

ગુરનારની હત્યાની તપાસ કપરું ટાસ્ક : કોમલ સોરઠીયા

પૂર્વ કચ્છની અંજાર રેન્જમાં વનરક્ષક હોવા છતાંય અત્યારે 7 વિવિધ બીટનો વનપાલનો ચાર્જ સાંભળી રહેલી 25 વર્ષીય કોમલ સોરઠીયાએ જણાવ્યું કે, બે મહિના પહેલા જ અંજાર તાલુકાના મથડા ગામે ખેતમજૂરે ગુરનાર(રેટલ)ની હત્યા કરી હતી,શિડ્યુલ-1 ના પ્રાણીની હત્યાનું પગેરું શોધવું અત્યંત મહત્વનું હતું. બીજા દિવસે જ સ્થાનિક આર.એફ.ઓ અને ટીમ સાથે જઈ શોધખોળ કરી આરોપીને સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટોના આધારે ચપ્પલથી શોધી કાઢ્યો હતો. જો કે ત્યારબાદ ઘટનાસ્થળે પોસ્ટમોર્ટમ કરવું અને પ્રક્રિયામાં જોડાવવું એક સ્ત્રી તરીકે અત્યંત કપરું હોય છે. જે મારા માટે રોમાંચક રહ્યું. ‘25 વર્ષીય કોમલની દોઢ વર્ષની દીકરી છે,તેણી એ કહ્યું કે પ્રકૃતિ સાથે પરિવારનું સંતુલન જાળવી જવાબદારી નિભાવી રહી છું.

દક્ષા વરસાણી

લાકડાના ચોરે બોલેરો ચડાવી, અંતે પકડી લીધો

સામત્રાની 25 વર્ષીય દક્ષા વરસાણીએ પોતાનો રોમાંચક અનુભવ વર્ણવતા કહ્યું કે, ‘દહીંસરા રખાલમાં પૈયા બાજુના લાકડાચોરો આવ્યા હતા. કોલસો બનાવવા માટે તેઓ તસ્કરી કરી રહ્યાં હતા. આ દરમ્યાન મારુ ધ્યાન જતા હું અને ચોકીદાર ત્યાં ગયા અને બંને બોલેરોની ચાવી કાઢી લીધી. જો કે તેમના એક ચોરે પાણી ગાડીમાં હોતા પીવા કરગરતા હું ગાડી નજીક સાથે ગઈ,તેણે યેનકેન ડાયરેક્ટ કરી ગાડી શરુ કરી લીધી અને ત્યારબાદ ફિલ્મી દ્રશ્ય માફક પરત વળી મારા પર બોલેરો ચડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે હું દૂર ખસી જતા બચી ગઈ. અંતે મેં સ્ટાફને આગળ જાણ કરી રસ્તો રોકાવ્યો અને પીછો કરી લાકડા ચોરોને પકડી લીધા હતા.’ યુવાવયમાં આટલું સાહસ અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતી દક્ષાએ છેલ્લા પાંચ વર્ષ કચ્છમાં ન જોવા મળેલ કેરેકલ એટલે હૅણોત્રો નામનું પ્રાણી પણ નજીકથી જોયું છે.

ડો બિંદુ પટેલ

સિંહને રેસ્ક્યુ કર્યા,હવે કચ્છમાં ઘોરાડ બચાવીશ

જાન્યુઆરીમાં કચ્છ વનવિભાગને ઉચ્ચ હોદાના મહિલા અધિકારી મળ્યા છે. સામાજિક વનીકરણના સહાયક વન સંરક્ષક તરીકે નિમણુંક પામેલા માસ્ટર ઓફ વેટરનરી સાયન્સનો અભ્યાસ કરેલા ડો.બિંદુ પટેલએ જણાવ્યું કે, ‘હું પાટણ પશુપાલન ખાતામાં વેટરનરી ઓફિસર તરીકે 2.5 વર્ષ સુધી કાર્યરત હતી. GPSC પરીક્ષા પાસ કરી બાદમાં વનવિભાગની એ.સી.એફની પરીક્ષા પાસ કરી અને કચ્છમાં આવી. સાસણમાં સિંહના રેસ્ક્યુ ઓપરેશનમાં કામ કર્યું છે. કચ્છમાં ઘોરાડ બચાવવાની મારી ઈચ્છા છે.’

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી