ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ બાદ હવે મંત્રી મંડળમાં કોને સમાવવા? તેને લઈને મંથન ચાલી રહ્યું છે. મંત્રી મંડળમાં સામેલ થવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણને પગલે આજે યોજનાર શપથવિધિ ટાળવાની નોબત આવી છે. મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની અને જૂના જોગીઓના પત્તા કપાવવાની શક્યતાને જોતા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાનું પણ મંત્રીપદ જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નવી કેબિનેટમાં કુંવરજીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થતાં કોળી સમાજ તેમના સમર્થનમાં આવી ગયો છે. આખિલ ભારતીય કોળી સમાજે કુંવરજી બાવળિયાને નવી કેબિનેટમાં મહત્વનું સ્થાન અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે.
આ પત્રમાં કોળી સમાજે લખ્યું છે કે, કોળી સમાજના હિતેચ્છુ કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મૂકવાનો નિર્ણય લેવામાં આવશે, તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે. આ મામલે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે.
વર્ષ 2018માં કુંવરજી બાવળિયા PM મોદીના કહેવાથી જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળ્યા હતા. જે બાદ તેમને કેબિનેટમાં મહત્વનું સ્થાન પણ આપવામાં આવ્યું હતું. હવે જો નવા મંત્રી મંડળમાં કુંવરજીને પડતા મૂકવામાં આવશે, તો કોળી સમાજનું અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ જશે. જેની અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં પડી શકે છે.
કુંવરજી બાવળિયાના સમર્થનમાં તેમના ભત્રીજા અજય બાવળિયાએ જસદણ બોર્ડિંગમાં કોળી સમાજની બેઠક બોલાવી હતી. જસદણ-વીંછીયા ભાજપ સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાજપને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પણ કુંવરજીના સમર્થનમાં પોસ્ટ થઈ રહી છે. જેમાં જો કોળી સમાજનું કેબિનેટ મંત્રી પદ કપાશે, તો ભાજપને પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે.
જસદણ વીંછીયામાં કુંવરજી બાવળિયાના અંગત લોકો પાસેથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. કુંવરજી બાવળિયાની કેબિનેટ મંત્રી તરીકેની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે કોળી સમાજની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
જણાવી દઈએ કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં જૂના જોગીઓના પત્તા કપાઈને નવા ચહેરાને સ્થાન આપવામાં આવી શકે છે, તેવી અટકળો થઈ રહી છે. જેને લઈને ભાજપમાં આંતરિક અસંતોષ ઉભો થયો છે. જેથી આજે યોજાનાર મંત્રી મંડળની શપથવિધિનો કાર્યક્રમ પણ આવતીકાલ સુધી મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ભાજપ આ પડકારોમાંથી કેવી રીતે પાર પડશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..