અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં બીજા આકર્ષણો કયા કયા છે. આ બધી વાત આજે અહીં કરવી છે.

સ્થળઃ અંબાજી

મંદિરઃ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર

સંચાલનઃ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

નિર્માણઃ ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાલનપુરથી 63 કી.મી.દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલું છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલ સામાનના વ્યાપારની તથા માર્બલ ઉદ્યોગનો મોટાપાયે વિકાસ થયેલો છે.

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે

સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલી હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવી હતી. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપ્ત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે વી.પી.મેનન, ભારત સરકારના સચિવ (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાંતાના રાજવી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું.

દાંતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટ્સ એચ.ગોપાલ સ્વામી આયગર તથા ત્યારબાદ ડો.કે.એન.કાન્જે અને બાદમાં વી.વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે પૃથ્વીરાજસિંહજી દ્વારા તા.25-5-53 ના પત્ર થકી ભારતના રાષ્ટ્રપતિને આ બાબતે સુપ્રીમકોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરી. સુપ્રીમકોર્ટે પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાતં ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

મહાત્મ્યઃ અરવલ્લીની ગિરિમાળાઓને સવિશેષ પવિત્રતા અને સુંદરતા બક્ષતું આ તીર્થસ્થાન કરોડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. એકાવન શકિતપીઠો પૈકીનું અંબાજી શકિતપીઠને સરસ્વતીના મુખસ્થાનનું સામીપ્ય પ્રાપ્ત છે.  પ્રતિદિન ભકતોથી ઉભરાતા આ મંદિરમાં દર પુનમે માનવભરી આવે છે. તો દર ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ છલકાય છે.  અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કર્યા છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભવ્ય મંદિર શક્તદ્વાર, ગબ્બર વગેરેની ભવ્યતા રમણીય છે. ભગવત પુરાણ આધારિત એક કથાનુંસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક” નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું, દક્ષે બધાજ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.

ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ધુમવા લાગ્યા. તેથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. આરાસુરમાં માતાજીના હદયનો ભાગ પડયો હોવાનું મનાય છે. આથી આરાસુરી શકિતપીઠનું શ્રધ્ધાળુઓમાં વધુ મહત્વ છે. અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. શુધ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોઇ પુજારી આંખે પાટા બાંધીને પુજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.

મહત્વના દિવસોઃ

ભાદરવી પૂનમ: વર્ષનો સૌથી મોટો મેળો ચાર દિવસ માટે ઉત્‍સવનું આયોજન.

કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્‍નકૂટ’નું આયોજન મંદિરના ટ્રસ્‍ટ દ્વારા કરાય છે.

અશ્વિની નવરાત્રી:
પોષ સુદ પૂનમ:
‘મા’ અંબાજીનો જન્‍મોત્‍સવ

ચાચરના ચોકમાં નવ દિવસીય ગરબા તેમજ આઠમે યજ્ઞનું આયોજન દાતા રાજ્યના સંચાલન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી

‘જયઅંબે મા’ ની અખંડ ધૂનનું આયોજન ઉપરાંત અંબાજી ખાતે જન્‍માષ્‍ટમી, દશેરા અને રથયાત્રા પર્વોની ઉજવણી કરવામાં આવે છે.
શ્રાવણ વદ-૧૩થી અમાસ: યજ્ઞ, હવન અને અન્‍નકૂટનું આયોજન આદિવાસી મેળાનું આયોજન

મુખ્ય આકર્ષણોઃ

અંબાજી મંદિરની આસપાસના પ્રવાસન આકર્ષણ અંગે વાત કરીએ તો બલરામ વાઇલ્ડલાફ સેન્ચ્યુરી, માંગલ્ય વન અને કૈલાશ ટેકરી, અંબાજી શહેર, પોશિના અને દાંતા. આ ઉપરાંત આબુ પ્રવાસીઓ માટેનું આકર્ષણ સ્થળ છે.

આરતીનો સમયઃ

  • સવારે આરતીઃ 7 થી 7.30 વાગ્યે
  • સવારે દર્શનઃ 7.30 થી 10.45 વાગ્યે
  • રાજભોગ આરતીઃ 12.30 થી 1 વાગ્યે
  • બપોરે દર્શનઃ 1થી 4.30 વાગ્યે
  • સાંજે આરતીઃ 7થી 7.30 વાગ્યે
  • સાંજે દર્શનઃ 7.30થી 9.15 વાગ્યે

અન્નકુટ બંધ રહેશે: તા.18-4-2018 થી તા.13-7-2018 સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહીં.

રહેવા-જમવાની સુવિધા:

  • રહેવાની સુવિધા( G.S.T. સાથેનું ભાડું)
  • 2 બેડ એ.સી.રૂમ – રૂ. 578/-
  • 3 બેડ એ.સી.રૂમ – રૂ. 578/-
  • 2 બેડ સાદારૂમ – રૂ. 295/-
  • 3 બેડ સાદારૂમ – રૂ. 354/-
  • 5 બેડ (કોમન હોલ) – રૂ. 354/-
  • 7 બેડ (કોમન હોલ) – રૂ. 413/-
  • 10 બેડ (કોમન હોલ) – રૂ. 590/-
  • 25 બેડ (કોમન હોલ) – રૂ. 1180/-

શ્રી અંબિકા વિશ્રામ ગૃહ

  • 4 બેડ એ.સી.રૂમ – રૂ. 767/-
  • 3 બેડ એ.સી.રૂમ – રૂ. 578/-
  • 3 બેડ સાદારૂમ – રૂ. 236/-
  • 7 બેડ સાદારૂમ – રૂ. 354/-
  • 10 બેડ (કોમન હોલ) – રૂ. 472/-

શ્રી દીવાળી બા ગુરૂભવન

  • 3 બેડ – રૂ. 236/-
  • 10 બેડ – રૂ. 472/-
  • 15 બેડ – રૂ. 590/-

જમવાની સુવિધા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ
અંબાજી શ્રી અંબિકા ભોજનાલય

  • ભોજનનો દર (G.S.T. સાથે)
  • પુખ્તવયના – રૂ. 16/-
  • બાળકના (10 વર્ષ સુધી) – રૂ. 11/-
  • મિસ્ટાન સાથે પુખ્તવયના – રૂ. 21/-
  • બાળકના (10 વર્ષ સુધી) – રૂ. 16/-
  • ભોજનાલય નો (સમય :-સવારે 10 થી રાત્રે 10 સુધી)

બુકિંગની સુવિધાઃ શ્રી જગત જનની પથિકાશ્રમ
ફોન :- 02749-262800

શ્રી અંબિકા વિશ્રામગૃહ, અંબાજી
ફોન :- (02749)-262143

શ્રી અંબિકા ભોજનાલય
ફોન :- 02749-262505

કેવી રીતે પહોંચવુઃ

જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતના મોટાભાગના સ્થળોએથી બસ સ્ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 165 કિ.મી.ના અંતરે આવેલું છે.

હવાઇ માર્ગઃ હવાઇ માર્ગની વાત કરીએ તો અંબાજીથી નજીકનુ એરપોર્ટ ગુજરાતમાં અમદાવાદ અને રાજસ્થાનમાં ઉદેપુર છે.

નજીકના મંદિરોઃ ગબ્બર અને 51 શક્તિપીઠો ઉપરાંત અંબાજી મંદિરની આસપાસ અન્ય કેટલાક દર્શનિય મંદિરો આવેલા છે, જેમાં વારહી માતા, અંબીકેશ્વર મહાદેવ અને ગણપતિ મંદિર, ખોડિયાર માતા, અજાયા માતા અને હનુમાન મંદિર આવેલા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

મંદિર