આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા તો ચાલો જોઈએ આ અદભુત શોભાયાત્રા ની આછેરી ઝલક…
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો પાઠવ્યો હતો કે, આ મંદિર ગુજરાતમાંનું એક શ્રેષ્ઠ તિર્થધામ બનશે. મા ખોડલ અને અન્ય બિરાજમાન દેવીઓના આશીર્વાદથી ગુજરાતની સુખ સમૃધ્ધિ વધશે. તેમજ આયોજન બદલ ખોડલધામના નરેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે આટલા વિક્રમ સર્જાયા હતા
1) ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ
20 હજારથી વધુ બાઇક, 11000થી વધુ કાર, 500થી વધુ મોટા વાહનો, 100 ફ્લોટ્સ.
2) ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ
દોઢ વર્ષમાં 435 તાલુકાના 3521 ગામોમાં ખોડલરથનું સવાલાખ કિ.મી.નું પરિભ્રમણ.
3) ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસ
1008 યજ્ઞ કુંડ જેમાં એક સમાજના લોકો યજ્ઞમાં બેસશે.
4) ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ
તા.21ના રોજ એક સાથે 3.50 લાખ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરશે.
કેશુભાઇ અને નરેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં રાત્રીથી જ લેઉવા પટેલ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે ખોડલધામના નરેશ પટેલ અને કેશુભાઇ પટેલે દીપ પ્રાગટ્ય કરી મા ખોડલની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારૂ સ્વપ્ન આજે પૂરુ થયું હોવાથી ખૂબ જ ખુશ છું. દરેક સમાજના લોકોનો હું આભાર માનુ છું. શોભાયાત્રાના પ્રસ્થાન સમયે કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખોડિયાર માતાજીના આશિર્વાદ લેવા આવ્યો છું. લોકો ધાર્મિક બને તે સારૂ છે. આ કોઇ રાજકીય મંચ નથી પરંતુ ધાર્મિક ઉત્સવ છે.
‘જય ખોડલ’ના નાદ સાથે શોભાયાત્રા ગુંજી ઉઠી
રાજકોટથી શોભાયાત્રાની શરૂઆત થઇ ત્યારે મોટી સંખ્યામાં લેઉવા પટેલના લોકો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાના આખા રૂટ પર ‘જય મા ખોડલ’નો નાદ સતત સંભળાયો હતો. બાઇક અને કારમાં સવાર યુવાનોએ સાફા પહેર્યા હતા અને હાથમાં મા ખોડલ લખેલી ધજા હતી.
હાઇવે પર જ યુવતીઓએ લીધા હતા ગરબા
શોભાયાત્રામાં યુવતીઓએ ડીજેના તાલે હાઇવ પર જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. રાજકોટથી નીકળેલી શોભાયાત્રાનું પહેલું વાહન ગોંડલથી આગળ હતું ત્યારે છેલ્લું વાહન રાજકોટમાં હતું. રાજકોટથી ગોંડલ 40 કિલોમીટર જેટલું અંતર છે
શોભાયાત્રાનો રૂટ
સવારે 7 વાગે રેસકોર્ષ મેદાન ખાતેથી શોભાયત્રાનું પ્રસ્થાન થયું હતું. જે મહિલા કોલેજ અંડરબ્રિજ, કેકેવી ચોક, 150 ફૂટ રિંગરોડ થઇને ગોંડલ ચોકડી, નેશનલ હાઇવે, ગોંડલ, વીરપુર થઇને કાગવડથી ખોડલધામ પહોંચી હતી.
રાજકોટથી જેતપુર વન-વે
રાજકોટના રેસકોર્સથી કિસાનપરા, મહિલા કોલેજ અન્ડરબ્રિજથી કેકેવી ચોક થઈ ગોંડલ રોડ ચોકડી સુધીનો ડાબી બાજુનો રોડ શોભાયાત્રા માટે રખાયો હતો. જ્યારે જમણી બાજુના રોડ પર બન્ને બાજુથી વાહનોની અવર-જવર થઈ શકતી હતી. તેવી જ રીતે ગોંડલ રોડ ચોકડીથી છેક જેતપુર સુધી ડાબી બાજુનો હાઈ-વે શોભાયાત્રા માટે વન-વે જાહેર કરાયો હતો.
ભવ્યતા અને દિવ્યતાના સુભગ સમન્વય સમા ખોડલધામ મંદિરમાં પ્રથમ દિવસે જ છ લાખ ભાવિકો ઊમટી પડ્યા હતા. દિવસ આખો મંદિર પરિસર જય ખોડિયારના પવિત્ર ગગનભેદી નાદથી ગાજતું રહ્યું હતું. આછા ગુલાબી પથ્થર દ્વારા નિર્માણ પામેલ ખોડલધામ મંદિરના શિલ્પ અને સ્થાપત્યને નિહાળી ભાવિકો મંત્રમુગ્ધ બની ગયા હતા. લેઉવા પટેલ સમાજના હજારો સમર્પિત કાર્યકરોએ બજાવેલી સેવા તેમજ અભુતપૂર્વ માઇક્રો મેનેજમેન્ટને કારણે આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હોવા છતાં એકપણ પ્રકારની અવ્યવસ્થા ન હોતી સર્જાઇ.
આ શોભાયાત્રા માં વિશ્વની સૌથી મોટી શોભાયાત્રા તરીકેનો ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ થયો હતો.