રાજકોટ, તા. ૪ :. ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન નરેશ પટેલ ટ્રસ્ટના આંતરીક રાજકારણ અને ચોક્કસ લોકો ચોક્કસ તત્વોથી દોરવાઈ જતા હોવાની લાગણી સાથે ચેરમેન પદેથી નિવૃત થવાની લાગણી સાથે રાજીનામુ આપતા રાજ્યભરમાં પટેલ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પરંતુ આજે આ લખાય છે ત્યારે નરેશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, થોડી ગેરસમજો તથા ચોક્કસ પ્રવૃતિના કારણે ખૂબ થાક અનુભવતો હતો પરંતુ વરીષ્ઠ ટ્રસ્ટીઓના આગ્રહ અને વિનંતીથી ગેરસમજો દૂર થઈ છે અને રાજીનામુ પરત લઉ છું.
નરેશભાઈના જણાવ્યા પ્રમાણે નિવૃતિનો વિચાર કર્યો હતો પરંતુ રાજ્યભરમાંથી આગેવાનો, મિત્રો, શુભચિંતકો તથા વરીષ્ઠ ટ્રસ્ટીઓની લાગણી પણ ઉવેખી શકુ તેમ નથી અને થોડી નાની-મોટી ગેરસમજો હતી જે દૂર થઈ છે. સમાજ માટે ઘણુ કામ કરવાનુ બાકી છે પરંતુ ચોક્કસ બાબતોથી થાક અનુભવતો હતો પરંતુ હવે રાજીનામુ પરત લઉ છું.
નરેશભાઈના નજદીકી વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ચોક્કસ આગેવાનો ચોક્કસ તત્વોના કારણે અલગ દિશામાં દોરવાઈ જતા હોય નરેશભાઈ પટેલ ખૂબ જ વ્યથીત થયા હતા. પાટીદાર સમાજ માટે ખૂબ કામ કરનાર અને એક અકલ્પનીય ભગીરથ કાર્યને વિના વિઘ્ને પાર પાડનાર નરેશભાઈ થોડી આપસી મનદુઃખ તથા ગેરસમજોના કારણે ખૂબ થાક અનુભવતા હોય રાજીનામુ આપી નિવૃતિ તરફ જવાના વિચાર તરફ પ્રેરાયા હતા.
ગઈકાલે મોડી રાત્રે રાજ્યભરના આગેવાનો અને વરીષ્ઠ ટ્રસ્ટીઓએ નરેશભાઈનો સંપર્ક કરીને ચર્ચાઓ પણ કરી હતી અને અંતે ચોક્કસ ગેરસમજો દૂર થઈ છે.
ગેરસમજો દૂર થતા અને નરેશભાઈ પટેલ રાજીનામુ પરત લેવા માની જતા પાટીદાર સમાજે રાહતનો શ્વાસ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશભાઈ પટેલે છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન નાનામાં નાના કાર્યકર સાથે કામ કરીને એક પડકારજનક કાર્ય સિદ્ધ કરીને ખોડલધામ ટ્રસ્ટને અભૂતપૂર્વ ઉંચાઈએ લઈ જઈને લેઉવા પટેલ સમાજના સંગઠનમાં અભૂતપૂર્વ યોગદાન પ્રદાન કર્યુ છે.
ગઈકાલે નરેશભાઈ પટેલે નિવૃતિના માર્ગે આગળ વધવા માટે રાજીનામુ આપ્યાની વાત પ્રસરતા જ લેઉવા પટેલ સમાજમાં ખળભળાટ મચી ગયો હતો અને રાજ્યભરના પાટીદાર આગેવાનો તથા ખોડલધામના વરીષ્ઠ ટ્રસ્ટીઓએ નરેશભાઈનો સંપર્ક સાધી તેમને મનાવવાના પ્રયાસો કર્યા હતા અને તેમા તેમને સફળતા મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ચોતરફથી નરેશ પટેલને ઉતાવળે આગળ ન વધવા સલાહ પણ આપી હતી. લેઉવા પટેલ સમાજની વિદ્યાર્થી પાંખે તો જલદ કાર્યક્રમો પણ આપી લીધા હતા પરંતુ આજે સવારે સૌને સારા સમાચાર આપીને શાંતિ જાળવવા સૂચના અપાઈ હતી.
દરમ્યાન અમોએ નરેશભાઈના અંતરંગ વર્તુળો (તમામ સમાજના તેમના મિત્રો)નો સંપર્ક કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી નરેશભાઈ કાર્યબોજનો ખૂબ ભાર અનુભવતા હતા પરંતુ ગમે તેવી કામગીરીથી તેઓ થાકે એમ નથી પરંતુ આંતરીક રીતે સખળડખળ થતો હોય તેનાથી તેઓ માનસિક થાક અનુભવતા હતા.
જો કે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયુ હોવાનું અને નાની મોટી ગેરસમજો દૂર થતા સૌએ હાશકારો અનુભવ્યો છે.
નરેશભાઇની લાગણીને માન આપી પાટીદાર યુવાનોએ ‘ઉપવાસ’ કરવાનું બંધ રાખ્યું.