કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. પરંતુ, દાદાના દર્શને આવતા આ લોકો દાદાની મૂર્તિ વિશે સાવ અજાણ છે. આ જ કારણે હનુમાન જયંતી જેવા વિશેષ દિને દાદાની મૂર્તિ વિશે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને પાર્ષદ નીલકંઠ ભગત સ્વામી માહિતી આપી હતી. સ્વામીએ આપેલી માહિતી મુજબ, આ મૂર્તિ લાખો વર્ષ જૂના ધૂડિયા પત્થરમાંથી બનાવાઈ છે. સ્વામીએ મૂર્તિની સાથે દાદાના શણગાર, ગદા અને પ્રસાદીની લાકડી તથા કૂવા વિશે પણ રસપ્રદ માહિતી આપી છે.
170 વર્ષ પહેલાં બનાવાઈ શ્રીકષ્ટભંજન દેવની મૂર્તિ
કષ્ટભંજન દેવની મૂર્તિ 6 ફૂટ ઊંચી અને 4 ફૂટ પહોળી છે. જ્યારે ગદાની લંબાઈ-17 ઇંચ અને પહોળાઈ-10 ઇંચ છે. ચરણાવિદની લંબાઇ-6 ઇંચ અને પહોળાઇ-4 ઇંચ છે. આ મૂર્તિ અંદાજે 170 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામીએ ડિઝાઇન કરાવી સ્થાપિત કરાવેલી. જેને કાનજી કડીયા નામના મિસ્ત્રીએ લાખો વર્ષ જૂનાં ધુડીયા પત્થરમાંથી બોટાદ જિલ્લામાં બનાવી હતી.
કષ્ટભંજન દેવ પહેરે છે 250 તોલા સોનાનો હાર
સાળંગપુર કષ્ટભંજન દેવને અંદાજે 250 તોલા સોનાનો 4.5 ફૂટ લાંબો હીરાજડિત હારનો શણગાર કરાયો છે. આ સાથે જ ભારતીય અને અમેરિકન હીરાજડિત મુગટ હનુમાનજીની સુંદરતા વધારે છે.
હનુમાનજીના ચરણોમાં સ્ત્રીરૂપમાં છે શનિદેવ
લોક વાયકા મુજબ પૌરાણિકકાળમાં શનિદેવનો પ્રકોપ વધી ગયલો ત્યારે હનુમાનજી શનિને દંડ આપવાં દોડેલાં ત્યારે શનિદેવે બચવાં માટે સ્ત્રીરૂપ લઈ લીધું. બજરંગબલી સ્ત્રીઓ પર પ્રહાર કરતાં ન હતાં એટલે હનુમાનજીએ તેમને મારવાને બદલે પગ નીચે રાખીને દમન કર્યું. અહીં સ્ત્રીરૂપ શનિની 20 ઇંચ લાંબી અને 7 ઇંચ પહોળી મૂર્તિ છે.
ભૂત ભગાડતી લાકડી
5.5 ફૂટ લાંબી અને 1.5 ઇંચ જાડી લાકડી 200 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામી પોતાની પાસે રાખતાં જે 170 વર્ષથી અહીં છે, જેની આજે પણ પૂજા થાય છે.
પ્રસાદી કૂવાનું માહત્મ્ય
એક સમયે ભગવાન સ્વામીનારાયણ સ્નાન કરતા હતા તે પ્રસાદી કૂવાનું પાણી હાલ લાકડી, હનુમાનજીના અભિષેક અને અન્ય કામ માટે વપરાય છે.