યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) ફાઈનલ રીઝલ્ટની શુક્રવારે કરાયેલી જાહેરાતમાં ગુજરાતના 18 ઉમેદવારો ઝળક્યા છે.ત્યારે કોઈપણ ક્લાસમાં ગયા વગર જ ઘરે બેસીને મહેનત કરી સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવીને ઝળહળતી સફળતા સર કરી છે. ત્યારે આ સફળતાનો શ્રેય પરિવારને અને ભગવાનને આપતાં કાર્તિકે જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષામાં ધીરજ ખૂબ મહત્વની છે. આ મારો બીજો પ્રયત્ન હતો જેમાં મને આ સફળતા મળી છે.મુંબઈ આઈઆઈટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં એટલે કે 2016માં મને યુપીએસસી અંગે વિચાર આવ્યો અને ત્યારથી તૈયારી શરૂ કરી હતી જેમાં હાર્ડવર્કને બદલે સ્માર્ટ વર્કથી પરીક્ષા પાસ કરી છે.
પ્રાથમિક અભ્યાસ ગુજરાતી મીડિયમમાં
મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધારના વતની નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિકનો જન્મ સુરતમાં 29 સપ્ટેમ્બર 1994માં થયો હતો. બે બહેનોથી નાના કાર્તિકે સુરતમાં એકથી આઠ ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરી આઠમાં બાદ ઈંગ્લિશ મીડિયમની શાળામાં ભણ્યો હતો. ત્યારબાદ 12 સાયન્સમાં સારા માર્કસ સાથે પાસ થઈને કાર્તિકે જેઈઈની પરીક્ષા પાસ કરીને મુંબઈ આઈઆઈટીમાંથી મિકેનિકલ ક્ષેત્રમાં કોલેજ શરૂ કરી હતી.
ઘરે બેઠા ફૂલ ટાઈમ કરી તૈયારી
કાર્તિકે જણાવ્યું હતુંકે, હું ફૂલ ટાઈમ યુપીએસસીની તૈયારી કરતો હતો. મોટા ભાગે લોકો હાર્ડવર્ક પસંદ કરતાં હોય છે ને રોજની 15થી 18 કલાક તૈયારી કરતાં હોય છે. જેની સામે મેં સ્માર્ટવર્કથી રોજની આઠેક કલાક જેટલું વાંચન કર્યું હતું. મળે એ બધુ વાંચવાની જગ્યાએ મેં એ નક્કી કર્યું હતું કે, મારા માટે આટલું કામ નથી. જે નથી ભણવાનું તેની પાછળું ટાઈમ નહોતો બગાડતો. જે કામનું લાગ્યું તેની પાછળ પુરતી મહેનત કરી હતી. અને રિવિજન પર ફોક્સ કર્યું હતું. મુખ્ય રીતે બુક્સ પર જ ફોક્સ કર્યું હતું. કંટાળો આવે ત્યારે કોમેડી મુવી જોઈ લેતો તો સાથે સારી ફેક્લટીના વીડિયો મોબાઈલમાં જોઈને તૈયારી કરી હતી.કોઈ કલાસમાં જતો નહોતો. માત્ર છેલ્લે ઈન્ટર્વ્યૂ વખતે દિલ્હીમાં ક્લાસીસ જોઈન કર્યાં હતાં.
આઈએએસને પ્રેફરન્સ આપ્યો છે
યુપીએસસીની પરીક્ષા જ એવી છે કે તમે અગાઉથી ધારણા ન બાંધી શકો એમ કહેતા કાર્તિકે કહ્યું હતું કે, આ વખતે મને લાગતું હતું કે, દેશના 200માં ક્રમ સુધી તો પહોંચી શકીશ. જો કે, મારી મહેનત અને કુદરતે સાથ આપતાં 94મો ક્રમ મળ્યો છે. અને મેં અગાઉથી આઈએએસને પ્રેફરન્સ આપ્યું હોવાથી આઈએએસ બનીશ.
ઈન્ટર્વ્યૂમાં પુછાયા ગુજરાત અને સુરતના સવાલો
યુપીએસસીની પરીક્ષામાં રાજ્યના 43 ઉમેદવારો ઈન્ટર્વ્યૂ સુધી પહોંચ્યા હતા જેમાંથી પાસ 18 થયા. કાર્તિકે ઈન્ટર્વ્યૂના સવાલો અંગે જણાવ્યું હતું કે, મને ગુજરાત, મારી આઈઆઈટી કોલેજ અને સુરતની ડાયમંડ ઈડસ્ટ્રીઝ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે પર સવાલો પુછવામાં આવ્યાં હતાં.