પર્યાવરણ પ્રેમ: જૂનાગઢનું રેસ્ટોરાં ગ્રાહકોને આપે છે સ્વાદિષ્ટ ભોજન સાથે વૃક્ષનો છોડ

જૂનાગઢ: તમે રેસ્ટોરામાં જમવા જાવ, જમ્યા પછી બિલ મળે, તે ચૂકવ્યા પછી કોઇ વૃક્ષનો નાનો છોડ આપે તો કેવી અનુભૂતિ થાય! આવી અનુભૂતિ જૂનાગઢના અનેક સ્વાદપ્રેમીઓને થઇ રહી છે. શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઉત્સવ રેસ્ટોરાંમાં જમ્યા પછી રેસ્ટોરા દ્વારા તમને ફ્રિમાં એક નાનો છોડ આપવામાં આવે છે અને તેનું વાવેતર કરી જતન કરવા જણાવવામાં આવે છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે કરવામાં આવેલ આ અનોખી પહેલને ગ્રાહકો સહર્ષ સ્વિકારી રહ્યા છે.

આ અંગે ઉત્સવ રેસ્ટોરાંના સેહુલભાઇ કિકાણીએ જણાવ્યું હતું કે હાલમાં પર્યાવરણની સમતુલા જાળવી રાખવા માટે મોટાપાયે વૃક્ષારોપણ કરવાની જરૂર છે. અનેક નર્સરીમાં આ માટે વૃક્ષોના નાના છોડનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે પરંતુ લોકોને ત્યાં જવાનો પણ સમય ન મળે અથવા આળસ થાય તેવું બની શકે છે. ત્યારે મારા પિતાના મનમાં એક નવોજ વિચાર આવ્યો કે રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકોને જો ફ્રિમાં વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવે તો વૃક્ષારોપણની પ્રવૃતિને વધુ વેગ મળે.

બસ, આ વિચાર સાથે પર્યાવરણ ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં આગામી 31 ઓગસ્ટ સુધી રેસ્ટોરાંમાં આવનાર પરિવારને વૃક્ષના એક છોડનું ફ્રિમાં વિતરણ કરવામાં આવશે. કુલ 10થી વધુ જાતના ઔષધીય વૃક્ષો અને ફૂલ છોડની વેરાઇટી રાખી લોકોની પસંદ મુજબ નાના છોડ આપવામાં આવે છે. સેહુલ ભાઇએ જણાવ્યું હતું કે મારા પિતા બી.કે. કિકાણી કૃષિ યુનિ.ના કુલપતિ હતા. આમ, અમારો પરિવાર વૃક્ષો, વનસ્પતિ સાથે સંકળાયેલ હોય તેમના વિચારને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કર્યો છે.

એક લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર