દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે.
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કારય છે. ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાંનો બલિ આપવામાં આવ્યો હતો. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતા. તબિયત બગડી હતી તે લોકોમાંથી કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનાં મોત થઇ ગયાં હતાં. બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
બનાવને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ ધસી જઇ તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના લોકો પણ દવાખાને દોડી ગયાં હતાં. આ ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી જોતરાયેલી હતી.
તબીબના પ્રાથમિક તારણ મુજબ ફૂડ પોઇઝનિંગથી જ તમામનાં મોત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર વિધિમાંથી ઘરે લઇ જવાયેલા બકરાંનું મટન ખાધા બાદ તમામને ફૂડ પોઇઝનિંગ થયું કે પછી અન્ય કારણોસર એ અંગેની તપાસ શરૂ કરાઇ છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ અને એ દરમિયાન મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળે તેમ છે.
ફર્સ્ટ પર્સનઃ વિધિમાં આવેલા 4 માણસો મરી ગયા હોવાનું જાણી મને ગભરામણ થઇ
હું મોરબી ખાતે મજૂરીકામે ગયો હતો, ત્યાંથી પરમ દિવસે જ આવ્યો હતો. આજે મારી માએ ભાજી અને રોટલો બનાવ્યો હોવાથી એ ખાઇને 11 વાગ્યાના અરસામાં વિધિમાં ગયો હતો. વિધિમાં દેવપૂજન ચાલુ હોઇ અને એ માટે છએક બકરાં કાપી એના અલગ-અલગ મટનના ભાગ પાડેલા હતા. બધા પોતાનો ભાગ લઇને જતા હોવાથી હું પણ મારો ભાગ લઇને ઘરે આવી ગયો હતો. દેવપૂજા વિધિમાં આવેલા ચારેક માણસોના મરણ થયા હોવાનું વાતવાતથી જાણવા મળતાં મને પણ ગભરામણ થવા લાગી હતી અને શરીરમાં ધ્રુજારી ચાલુ થઇ ગઇ હતી, જેથી અમારા ગામના બીજા માણસોને પણ આવું થવા લાગતાં અમારા ગામના આગેવાનોએ 108ને જાણ કરતાં મને પણ કંઇ થવા લાગતાં 108માં આવી સરકારી દવાખાને દાખલ થયો છું. હાલમાં મારી તબિયત સારી છે.
ફુડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યુ છે. જોકે સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે ત્યાર બાદ જ કંઇ કહી શકાશે. – સી.આર. પટેલ, CDHO, દાહોદ.
ફુડ પોઇઝનિંગનો ભોગ બનેલી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી દેવગઢ બારિયાના સરકારી દવાખાને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આ વ્યક્તિને વધુ સારવાર માટે આગળ ખસેડવી પડે એવી સ્થિતિ ઊભી થઇ હતી. ત્યારે દાહોદ જિલ્લામાં ઓન વ્હીલ આઇસીયુ એમ્બ્યુલન્સ જ ચાલુ હાલતમાં ન હોવાનું સામે આવ્યું હતું. તેના કારણે વેન્ટિલેટરની સુવિધાવાળી એમ્બ્યુલન્સ ગોધરાથી મગાવાઇ હતી. સમાચાર લખાયા સુધી એકને વડોદરા રિફર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી.
આ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થઇ
દીપસિંગ મોહનભાઇ પટેલ, 45,ભુલવણ,સંગાડા ફળિયું.
હીરાભાઇ પારસિંગ પરમાર, 90, ભુલવણ,નિશાળ ફળિયું.
મનુ છીતુ પસાયા,60, પસાયા ફળિયું.
પ્રવીણ જશવંત પસાયા, 32, ટાંડી ફળિયું.
અલ્પેશ સવજી રાઠવા, 30, ટાંડી ફળિયું.
પર્વત રૂપસિંહભાઈ, 38, ભુલવણ, પસાયા ફળિયું.
સુરેશભાઈ નટવરભાઈ સંગાડિયા, 25, ભુલવણ, ઉગમણા ફળિયું.
હીરાભાઈ ભવાનભાઈ, 60, ભુલવણ.
હીરાભાઈ ભાવસિંગભાઈ પસાયા, 56, ભુલવણ.
નટવરભાઈ પ્રવીણભાઈ, 26, ભુલવણ.
કેસરસિંહ ગલાભાઈ સંગાડિયા, 70, ભુલવણ.
લક્ષ્મણભાઈ બચુભાઈ બારિયા, 35, ભુલવણ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..