મૂળ કચ્છ દહીંસરા અને હાલ યુકેમાં સેટલ થયેલા જશુ વેકરિયાએ એમબીએ મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલે કે, બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છી સહિત લેઉવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. વ્યવસાયે શિક્ષિકા જશુ વેકરિયા લંડનની ઉક્સન્ડન મેનોર સ્કૂલમાં આસિસ્ટ્ન્ટ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સાથે જશુ વેકરિયા દર શનિવારે સવારે કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના સ્વામીબાપા ગુજરાતી સ્કૂલની આગેવાની લઇ બાળકોમાં અભ્યાસની સાથે સંસ્કારોનું સિંચન કરે છે.
– પોતાના અનુભવ અંગે તેઓ કહે છે કે, હું બાળકોને જોઇને શીખવવાનું શરૂ કરું, એ સમયથી જ થાક અદ્રશ્ય થઇ જાય છે. આ જ જિંદગીનો ખરો આનંદ છે. આ રીતે વિદ્યાર્થી ગ્રુપને સેવા આપવા સક્ષમ બનાવવાની નોંધ યુનાઇટેડ કિંગડમની અસાધારણ લોકોની સિદ્ધિઓ અને સેવાને માન્ય કરતી યાદીમાં લેવાઇ.
– નવા વર્ષે MBE બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે તેઓને સન્માન મળ્યું. આ પ્રસંગે જશુએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, મારાં માટે આ એક સુંદર આશ્ચર્યજનક સન્માન છે.
– મારે હજુ પણ આવી સેવા પ્રવૃત્તિમાં ડૂબવું છે. 2016માં પીઅર્સન ટીચિંગ એવોર્ડ મેળવનાર જશુ વેકરિયા 10 ઉત્કૃષ્ટ શિક્ષકોમાં પણ અવ્વલ રહીને ગોલ્ડ પ્લેટો એવોર્ડ મેળવી ચૂક્યા છે.
– વિદેશમાં રહીને શિક્ષણની જ્યોતને ખરાં અર્થમાં પ્રજ્વલિત કરનાર આ કચ્છી મહિલાનો અભિગમ અન્યોને પ્રેરણા આપશે.
કોણ છે જશુ વેકરિયા
– જશુ વેકરિયા મૂળ ગુજરાતી છે અને તેઓ કચ્છના દહીંસરના છે.
– જશુના મમ્મી માંડવીના છે.
– પિતા લંડનના છે, જશુનો જન્મ લંડનમાં થયો હતો.