ઈઝરાયલ દેશ કેરીનાં ઉત્પાદન મામલે દુનિયાભરમાં પ્રથમ સ્થાન પર છે. આ વાતને સમજાવવા માટે નાસિકના જનાર્દન વાધેરે પોતાના 10 એકર ખેતરમાં પ્રયોગ કર્યો. આ પ્રયોગ તેમણે કેસર કેરી પર કર્યો હતો. જનાર્દન પ્રમાણે ઈઝરાયલ દેશમાં ચાલતી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રતિ એકરમાં 3 ટન કેરીનું ઉત્પાદન થયું. જનાર્દને જણાવ્યું હતું કે, કેરીના ઉત્પાદન મામલે ભારત દેશ શા માટે ઈઝરાયલ કરતાં પાછળ છે.
ખૂબ ઓછાં રસાયણોનો ઉપયોગ
જનાર્દન વાઘેર ખેડૂત ઉપરાંત નાસિકમાં મેંગો ફાર્મના માલિક પણ છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલમાં કેરીની ખેતી માટે 6X12 નિયમ લાગુ કર્યો છે એટલે કે દરેક 6 ફૂટની અંતરે એક છોડ લગાવવામાં આવે છે અને એક લાઈનથી બીજી લાઈન વચ્ચેનું અંતર 12 ફૂટ હોય છે. તેમણે કેરીના છોડ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે 3X14 નિયમ લાગુ કર્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમણે છોડમાં રસાયણોનો ઉપયોગ ખૂબ જ ઓછો કર્યો છે. આ પરિણામે પ્રતિ એકર 3 ટન કેરીનું ઉત્પાદન થયું. આ ટેક્નોલોજી જનાર્દન મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને શીખવાડી રહ્યા છે.
આ કારણે ભારત પાછળ છે
જનાર્દને જણાવ્યું કે, ભારતમાં કેરીના ઉત્પાદનમાં 30X30નો નિયમ લાગુ છે. છોડ વચ્ચે વધારે અંતરના લીધે મોટી જગ્યા પર પણ ઓછા છોડ રોપવામાં આવે છે. આ જ કારણે આપણે ઈઝરાયલ દેશથી પાછળ છીએ. ઈઝરાયલમાં કેરીના રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો શ્રેય મેંગો પ્રોજેક્ટને જાય છે, આ પ્રોજેક્ટ ત્યાંની સરકાર હેન્ડલ કરે છે. ખેતીથી લઈને બ્રાંડિંગ સુધીની જવાબદારી મેંગો પ્રોજેક્ટનો જ એક ભાગ છે, દર વર્ષે ઈઝરાયલમાં 50 હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે, જેમાં 20 હજાર ટન કેરીની નિકાસ કરવામાં આવે છે. ઈઝરાઈલમાં કેરીની પાંચ પ્રકારની પેટન્ટ છે, જે રીતે બીજા દેશોમાં વાવી ન શકાય.
વર્ષ 1920થી કેરી વાવેતરની શરૂઆત થઈ
ઈઝરાયલમાં કેરીના ઉત્પાદન વર્ષ 1920માં શરુ થયું. આ પ્રયોગને વધારે સારો બનાવવા માટે મેંગો પ્રોજેક્ટની શરૂઆત થઇ. વર્ષોનાં રિસર્ચ બાદ તે લોકોએ લેટેસ્ટ ટેક્નોલોજી વિકસાવી. ઈઝરાયલમાં કેરીની સૌથી પ્રથમ પ્રજાતિ ‘માયા’ છે. આ ઉપરાંત શૈલી, નોઆ, ટાલી, ઓર્લી અને ટેન્ગોનું વાવેતર પણ અહીં શરુ થયું. ઈઝરાયલ પાસે આજની તારીખમાં પણ 5 પ્રજાતિઓની પેટન્ટ છે, જેને ક્યાંય બીજે વાવી શકાય નહીં.
જૂનથી ડિસેમ્બર મહિના સુધીના સમયમાં લણણી થાય છે
ઇઝરાયલમાં 90 ટકા કેરીનું વાવેતર ગિલબોઆ અને 10 ટકા સેન્ટ્રલ અરાવા અને જૉર્ડન વેલીમાં થાય છે. અહીંની કેરીમાં ઘણી વેરાયટી હોય છે. કેરીની પ્રજાતિ પ્રમાણે લણણીનો સમય પણ અલગ-અલગ હોય છે. 15 જૂનથી ડિસેમ્બર મહિના સુધી લણણી થાય છે. જૂન થી ઓગસ્ટ મહિના વચ્ચે આવતી કેરીમાં હાંદેન, ટોમી અને માયા પ્રજાતિ સામેલ છે. ઓગસ્ટમાં શૈલી, નોઆ અને સપ્ટેમ્બરમાં કેન્ટ પ્રજાતિની કેરીની લણણી થાય છે.
દર વર્ષે 50 હજાર ટન કેરીનું ઉત્પાદન
ઈઝરાયલમાં દર વર્ષે 50 હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે. તેમાં 20 હજાર ટન કેરી યુરોપ, ફ્રાન્સ અને રશિયામાં નિકાસ કરવામાં આવે છે. 30 હજાર ટન કેરી સ્થાનિક બજારોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. અહીં દર વર્ષે 100-150 હેક્ટરના નવા ભાગમાં છોડનું રોપણ કરવામાં આવે છે, જેથી ધીમે-ધીમે તેનું ઉત્પાદન વધારી શકાય. એક હેક્ટર આશરે 30-40 ટન કેરીનું ઉત્પાદન થાય છે, જ્યારે બીજા દેશોમાં 10 ટન પ્રતિ હેક્ટરનું ઉત્પાદન થાય છે.
ગ્લોબલ માર્કેટમાં કેરીની બોલબાલા
ગ્લોબર માર્કેટમાં અહીંની કેરીનું અલગ જ વર્ચસ્વ છે. યુરોપિયન માર્કેટમાં 20 ટકા ભાગ ઇઝરાયલી કેરીએ રોકેલો છે. કેરીના ઉત્પાદન મામલે ઇઝરાયલના હરીફ દેશોમાં પશ્ચિમ આફ્રિકન દેશ, બ્રાઝિલ અને મેક્સિકો સામેલ છે. સ્પેશિયલ આયોજનથી કેરીના ઉત્પાદનને લીધે સારું પરિણામ મળે છે. દુનિયામાં વધતી જતી માગને લીધે અહીં નવી પ્રજાતિને વાવવા માટેનું રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
દેશ પ્રમાણે કેરીનું ઉત્પાદન
દેશ | ઉત્પાદન(ટનમાં) |
ઇઝરાયલ | 50,000 |
ભારત | 15,026 |
ચીન | 4,321 |
થાઈલેન્ડ | 2,550 |
પાકિસ્તાન | 1,845 |