આતંકની ઊધઈ દેશને કોરી રહી છે સમયાંતરે આ જ ઊધઈ સાપ બનીને ભારતને ડંખ મારતી રહે છે. પુલવામામાં આતંકે મારેલો ડંખ દેશ કદીએ ન ભૂલે તેવો છે. આપણા જવાનો શહીદ થયા તેનો ડંખ કાયમ ખટકશે પરંતુ દેશને તોડવાના આતંકી મનસૂબા ક્યારેય સફળ નહી થાય કેમકે આ દેશમાં સેના પાસે જેટલું મક્કમ મનોબળ છે તેટલું જ દેશના નાગરિકોમાં પણ છે. કોઈ સરહદ પર જઈને લશ્કરમાં જોડાવા માગે છે તો કોઈ પોતાની સંપત્તિ શહીદોની મદદમાં ખર્ચી નાખવા માગે છે. આવા જ એક મજબૂત મનના અને ઉદારદિલના વડીલ છે ભાવનગરના કે જેઓ દેશની સેનાને જ પોતાના સંતાન સમજે છે અને એટલે જ તો તેમણે પોતાના જીવતરની કમાણી શહીદોને નામ કરી છે.
- દેશના સૈનિકો એમને મન છે સંતાનો
- સૈનિકો માટે સંપત્તિ કરી અર્પણ
- ઉદારતાને ન નડ્યો ઉંમરનો બાધ
2017માં આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને 1 કરોડ 3 લાખ અર્પણ કર્યા હતા
આ વડીલ ઉંમરના હિસાબે ભલે વૃદ્ધ લાગે પરંતુ તેમની ઝિંદાદિલી અને મનની ઉદારતાને ક્યારેય ઉંમરનો બાધ નડ્યો નથી. આ વડીલનું નામ છે જનાર્દન ભટ્ટ અને તેમનું વતન છે ભાવનગર. જો સંતાનોની વાત કરવામાં આવે તો તમને માન્યામાં નહીં આવે તેટલા તેમના સંતાનો છે. તમે માનશો! દેશની સરહદ પર રક્ષા કરતો એકએક જવાન તેમના માટે સંતાન છે. હા એ વાત ચોક્કસ છે કે કુદરતે તેમને સંતાન નથી આપ્યું પરંતુ આ દેશના દરેક સૈનિકોને તેઓ પોતાના સંતાન સમજે છે અને એટલે જ તો તેમણે પોતાની તમામ સંપત્તિ દેશ સેવામાં ખાસ કરીને એજ્યુકેશન, હેલ્થ અને સૈનિકોને સહાય માટે વાપરી નાખવાનું નક્કી કરી નાખ્યુ છે.
દેશમાં નેતાઓ પર જ્યાં સરકારી નાણાંનો ગેરઉપયોગ કરવાના આરોપ લાગે છે. ત્યાં એક સામાન્ય ભૂતપૂર્વ સરકારી કર્મચારી એવા જનાર્દનભાઇ ભટ્ટે પોતાની કમાણીના 1 કરોડ રૂપિયા દેશના જવાનોના રક્ષણ માટે અર્પણ કરી દીધા છે. આ પરમાર્થના કામમાં તેમના પત્નીએ પણ સહકાર આપ્યો છે. તેમણે 2017થી જવાનોના રક્ષણની આહલેક જગાવી છે.
શહિદ થયેલા જવાનો માટે આવતીકાલ સુધીમાં 40 લાખ રૂપિયા જમા થઇ જશે
જનાર્દન દાદા તરીકે જાણીતા એવા ભાવનગરમાં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં વર્ષો સુધી નોકરી કરનારા જનાર્દનભાઇ ભટ્ટે પોતાને મળતા વેતનમાંથી બચત તો કરી પરંતુ આ બચત તેઓ પોતાના માટે નહીં પરંતુ દેશના સૈનિકો માટે વાપરી રહ્યા છે. જનાર્દન ભટ્ટે 2017ની સાલમાં દેશમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને 1 કરોડ અને 3 લાખની રકમ અર્પણ કરી હતી. ત્યારથી શરૂ થયેલો આ સિલસિલો આજે ટ્રસ્ટમાં પરિણમ્યો છે અને તાજેતરમાં પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનો માટે આ ટ્રસ્ટમાં લોકોએ ઉમળકાભેર સહાય કરી છે. તેમાં જવાનોને સહાય માટે 40 લાખ રૂપિયા જમા થઈ જશે તેવી આશા જનાર્દનભાઇ ભટ્ટ રાખી રહ્યા છે. જનાર્દનભાઈની ટહેલના કારણે આ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક શહીદના પરિવારને રૂ.50 હજારની મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ દાનની સરવાણી એટલી વહેતી થઈ કે હવે કદાચ પ્રત્યેક શહીદ પરિવારને એક લાખ રૂપિયા સુધીની મદદ કરી શકાય તેવી મજબૂત સ્થિતિ ઊભી થઈ છે.
દેશના સૈનિકો માટે પોતાની તમામ સંપત્તિ અર્પણ કરશે
ભાવનગરમાં વસતા જનાર્દનભાઈને કુદરતે ભલે શેર માટીની ખોટ રાખી હોય પરંતુ રાષ્ટ્રપ્રેમનો તેમનો જુસ્સો દેશના સૈનિકો, કે અભ્યાસ કરતા બાળકો કે બીમાર વ્યક્તિઓની સેવામાં જરા પણ ખોટ ન રહે તે માટે અણનમ છે. તેઓ પોતાની પાસે રહેલી મૂડી ગરીબ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે પણ વાપરી રહ્યા છે. જનાર્દનભાઈએ તેમના લગ્ન 50 વર્ષ પૂર્ણ થતા તેમની પોતાના પાસે રહેલી તમામ રકમ દેશના જવાનો માટે વાપરવાની તૈયારી રાખી છે. હવે તો જનાર્દનભાઈ કહે છે કે તેમની જે આ મૂડી છે તે અને તેમનું મકાન શહીદો માટેની અસ્કયામતો છે. તેઓ દેશના સૈનિકો માટે પોતાની તમામ સંપત્તિ અર્પણ કરશે.
દેશની સરહદ ઉપર રાત દિવસ જવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનો પરિવારતો તેમની ચિંતા કરે તે સ્વાભાવિક છે. પરંતુ ભાવનગરમાં રહેતા 86 વર્ષના જનાર્દનભાઈ નિવૃત્તિ પછી પ્રભુસ્મરણની સાથે સાથે દેશના જવાનોની ચિંતા કરી રહ્યાં છે તે અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે તેમ કહી શકાય.