મૂળ જામનગરના નીરજ નામના 27 વર્ષના યુવાનનું સુરત અકસ્માતમાં બ્રેઇન ડેડ થયું હતું. ગ્રીન કોરિડોર થકી જામનગર એરપોર્ટથી પ્લેનમાં અમદાવાદમાં હૃદયને પહોંચાડીને સિમ્સ હોસ્પિટલમાં એક વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર જોતરાયું
હૃદય, કિડની, લિવર અને આંખના દાનનો પરિવારે પ્રેરણાદાયી નિર્ણય કરતા જામનગરમાં ગુરુવારે રાત્રે પ્રથમ ગ્રીન કોરિડોર થયો હતો. હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ એટલે કે ગ્રીન કોરિડોરને પગલે જિલ્લા વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું હતું.
ટ્રાવેલર્સના પુત્રને અકસ્માત થયો હતો
મૂળ જામનગરના વતની હાલ સુરત રહેતા ટ્રાવેર્લ્સના વ્યવસાયી વિનોદભાઇ ફલિયાનો પુત્ર નિરજ (ઉ.વ.27)ને ગત તા.31મી ડિસેમ્બરની રાત્રે કાર અકસ્માત નડ્યો હતો. જેમાં તેને માથાના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચતા તાકીદે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબી સારવાર દરમિયાન તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વતન લાવી ખાનગી બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
પરિવારજનો નિરજને લઇને ગુરુવારે વહેલી સવારે જામનગર આવ્યા હતા અને પ્રથમ નીરજને શહેરની ક્રિટિકલ કેર ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ નીરજનું બ્રેઇન ડેડ થયું હોવાથી પરિવારજનોએ નિરજના હૃદય, લિવર ઉપરાંત બે કિડની અને બે આંખ સહિતના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો રૂટ
ગ્રીન કોરિડોરને પગલે પોલીસ દ્વારા હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલથી ગુરુદ્વારા, સાતરસ્તા, ખોડિયાર કોલોની, સમર્પણ હોસ્પિટલથી એરપોર્ટનો રૂટ હતો. ગ્રીન કોરિડોરના રૂટ પર ચૂસ્ત સિક્યુરિટી, એમ્બ્યુલન્સની આગળ અને પાછળ પાયલોટિંગ, તમામ પોઇન્ટ પર પોલીસ હાજર રહી હતી. સુરક્ષામાં 25થી વધુ પોલીસ અધિકારી, 150થી વધુ હોમગાર્ડઝ, 150 પોલીસ કર્મી, ટ્રાફીક પોલીસ ખડેપગે રહ્યા હતા.
તમામ સર્જરી પૂર્ણ થતાં 3 કલાક લાગી
જી.જી.હોસ્પિટલ સર્જરી વિભાગના ડો.સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, રાત્રિના 1.30 થી 2 વાગ્યાની આસપાસ અમદાવાદથી તબીબોની ટીમ આવી પહોંચી હતી. ત્યારબાદ 1 કલાક અપોરેશનની તૈયારી સહિતની પ્રક્રિયા ચાલી હતી. એક કલાક સુધી પ્રથમ હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરોની ટીમ હૃદય લઇ અમદાવાદ રવાના થઇ હતી. ડોક્ટરોની બીજી ટીમ કીડની અને લીવરનું ઓપરેશન કર્યું હતું. તમામ અંગોના ઓપરેશનમાં કુલ 3 કલાક થયા હતા અને આજે સવારે 6 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું હતું.