મૂળ ગુજરાતી અને હાલ નોર્થ લંડનમાં વસતા જૈમિન પટેલ આ વર્ષે તેના 14 મહિનાના દીકરા સાથે ફાધર્સ ડેને જોરશોરથી સેલિબ્રેટ કરવા ઇચ્છે છે. કારણ કે, જૈમિનને ડર છે કે, આ ફાધર્સ ડે કદાચ તેના જીવનનો આખરી ફાધર્સ ડે હશે. હકીકતમાં, જૈમિન પટેલને માત્ર 30 વર્ષની ઉંમરે આતંરડાનું કેન્સર થયું હોવાની જાણ થઇ, ઇલાજના ત્રણ વર્ષ બાદ તેને જાણ થઇ કે આ કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું છે અને હવે તેનો ઇલાજ શક્ય નથી. કેશલ નામના દીકરાના પિતા જૈમિનને ખ્યાલ છે કે, તે તેના દીકરા સાથે આજીવન નહીં રહી શકે.
શું છે આંતરડાનું કેન્સર?
– આંતરડાનું કેન્સર (Bowel cancer) એ દુનિયાની બીજી સૌથી ખતરનાક બીમારી છે. જો તેને શરૂઆતના સમયમાં જ ઓળખી લેવામાં આવે તો તેમાંથી બચી શકાય છે.
– પહેલાં સ્ટેજમાં જ તમને કેન્સર વિશે ખ્યાલ આવી જાય તો 97 ટકા ચાન્સ એવા રહે છે જેમાં દર્દી પાંચ વર્ષ કે તેનાથી વધુ સમય સુધી જીવિત રહી શકે.
– જો આ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું તો દર્દીને જીવવાના ચાન્સ માત્ર 7 ટકા જેટલાં જ રહે છે.
– લંડનમાં No Time 2 Lose કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જેથી લોકોને આ પ્રકારના જીવલેણ કેન્સર વિશે વહેલા ખ્યાલ આવી જાય. જૈમિનના કેસમાં છેલ્લી ઘડીએ જાણ થાય તેવા કેસોમાં ઘટાડો થાય.
– આ કેમ્પેઇન દરમિયાન જૈમિને કહ્યું કે, આ ફાધર્સ ડે હું બોવેલ કેન્સર વિશે અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લઇ રહ્યો છું.
શરૂઆતની તકલીફ જોતાં પહોંચ્યા ડોક્ટર પાસે
– 35 વર્ષીય જૈમિન પટેલ નોર્થ લંડનના મિલ હિલમાં પ્રોપર્ટી ડેવલપર છે. અહીં તે તેની 32 વર્ષીય પત્ની રોમા અને પુત્ર કેશલ સાથે રહે છે.
– વર્ષ 2013માં તેને સ્ટૂલમાં બ્લડ આવતા ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયા. જૈમિન કહે છે કે, મેં શરૂઆતમાં આ વિશે બિલકુલ ધ્યાન આપ્યું નહતું. હું ડોક્ટર પાસે ગયો અને તેઓએ થોડાંઘણાં ટેસ્ટ કર્યા.
– થોડાં દિવસોમાં જ સ્ટૂલમાં બ્લડ આવતું બંધ થઇ ગયું અને મેં મારાં ટેસ્ટ રિઝલ્ટ લેવા જવાનું પણ ટાળ્યું. જો કે, વર્ષના અંતે મારી ફેમિલીના કહેવાથી હું ફરીથી ચેકઅપ માટે ગયો.
– તે સમયે ડોક્ટરે મને કહ્યું કે, મારી કોલોનોસ્કોપીમાં કંઇક ગરબડ છે. ડોક્ટરની વાતચીત પરથી પણ મને કંઇ સીરિયસ ના લાગ્યું. થોડીવાર બાદ ડોક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું કે, તમારી સાથે કોઇ આવ્યું છે?
– તે સમયે મારાં અંકલ હોસ્પિટલમાંથી મને લેવા માટે આવ્યા હતા, મેં તેઓને અંદર બોલાવ્યા અને અમે બંને ડોક્ટરની પાસે બેઠાં.
– ડોક્ટરે મારાં અંકલ સામે જોઇને વાત કરવાનું શરૂ કર્યુ કે, મારે બહુ પહેલાં આ પ્રકારે ટેસ્ટ કરાવી લેવાની જરૂર હતી. કારણ કે મને શંકા છે કે તમને આંતરડાનું કેન્સર છે.
જીવલેણ બીમારી બાદ હવે લોકોમાં ફેલાવે છે જાગૃતિ
– હાલ જૈમિનને આ બીમારી સાથે લડતાં-લડતાં 4 વર્ષનો સમય થઇ ગયો છે. તે લોકોમાં આંતરડાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લઇ રહ્યો છે.
– જૈમિન કહે છે કે, જૂલાઇ 2014માં મારે ઓપરેશન કરાવવું પડ્યું હતું. મારાં પાસે આના સિવાય અન્ય કોઇ ઓપ્શન નહતો. મારી કફોડી હાલત એ સમયે થઇ જ્યારે ઓપરેશનના એક દિવસ પહેલાં જ મારી માતાનું અચાનક જ બ્રેઇન હેમરેજના કારણે મોત થયું.
– સર્જરી બાદ મારે નવ મહિના સુધી કિમોથેરાપી લેવી પડી જે ફેબ્રુઆરી 2015માં પતી. ત્યારબાદ મારી તબિયત સુધારા પર હતી. પરંતુ 2016 સુધી કેન્સરના સેલ્સ મારાં લિવર અને આંતરડામાં વધુ ફેલાયા અને હવે મારું કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું છે.
2017માં થયો કેશલનો જન્મ
– જૈમિન કહે છે કે, મારું કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હોવાના કારણે મારે કિમોથેરાપી લેવાની જરૂર રહી નથી. વર્ષ 2017માં કેશલનો જન્મ થયો, ત્યારબાદ હું સતત ખુશ રહેવાના જ પ્રયત્નોમાં લાગી ગયો છું.
– હાલ હું મારાં દીકરાનો ખુશીથી ઉછેર કરી રહ્યો છું અને મારી પત્ની રોમા સાથે ફેમિલી લાઇફના સારાં દિવસો પસાર કરી રહ્યો છું.
– થેરાપી અને દવાઓ વચ્ચે મારી હાલત કફોડી બનતી જાય છે, તેથી જ હું આ ફાધર્સ ડે મારાં દીકરા સાથે ધામધૂમથી પસાર કરવા ઇચ્છું છું. કદાચ આ મારો પહેલો અને અંતિમ ફાધર્સ ડે હશે.