ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા વિના મહેશ પટેલ સાબરડેરીના ચેરમેન

રાત્રે 2 વાગ્યે શામળભાઈએ જેઠા પટેલ સામે ફોર્મ ભર્યું
એક પછી એક સોગઠી ગોઠવાતી રહી છતાં જેઠાભાઇને ગંધ સુદ્ધા ન આવી
મહેશભાઈ પટેલે “બાપ કરતાં બેટો સવાયો’ની ઉક્તિ સાર્થક કરી

હિંમતનગર: સાબરડેરીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નિયામક મંડળની ચૂંટણી ન લડનાર ડિરેક્ટર ડેરીના ચેરમેન બનવાની ઐતિહાસિક ઘટના બની છે. સાબરકાંઠા બેન્કના ચેરમેન અને બેંકના પ્રતિનિધિ તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એન્ટ્રી મેળવનાર મહેશભાઈ અમીચંદભાઈ પટેલ તા 18 માર્ચના રોજ જેઠાભાઈ પટેલ અને શામળભાઇ પટેલે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચેરમેન તરીકે બિનહરીફ સત્તારૂઢ થઈ જતા સહકારી રાજકારણમાં પલકવારમાં શમણા ચૂર-ચૂર થઈ જતા હોવાની વધુ એક ઘટના બની હતી. અને બંને જિલ્લાના સહકારી રાજકારણમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.મેઘરજના જયંતીભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે બિનહરિફ વરણી કરાઈ હતી.

ડિરેક્ટર્સની હાજરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા બાદ તા. 18 માર્ચે ચેરમેનની ચૂંટણીમાં પણ સહકારી રાજકારણમાં ખેલાતા દાવપેચની ચરમસીમા જોવા મળી હતી સવારે 10:30 કલાકે ચૂંટણી અધિકારી અને હિંમતનગર પ્રાંત અધિકારી વાય એસ ચૌધરીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા જેઠાભાઇ પ્રભુદાસ પટેલ અને શામળભાઈ બાલાભાઈ પટેલે ચેરમેન પદ માટે ફોર્મ ભર્યા બાદ સાબરકાંઠા બેન્કના ચેરમેન અને ડેરીના નિયામક મંડળમાં ચૂંટાયેલા સહકારી પ્રતિનિધિ તરીકેના સભ્ય મહેશભાઈ અમીચંદભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું.
ચૂંટણી લડ્યા વગર ચેરમેન: ડેરીમાં ચાર ચાર વખત ચેરમેનપદ પર રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ માટે આ બાબત આંચકાજનક બની રહી હતી જેઠાભાઈ પટેલની પેનલમાં રહીને બિનહરીફ બનેલા ડિરેક્ટરો શામળભાઇ પટેલ બાજુ સરકી ગયા હતા

જેઠાભાઇની તરફેણમાં 16 પૈકી માત્ર 3 ડિરેક્ટર હતા સોગઠા ગોઠવાઈ ચુક્યા હતા અને જેઠાભાઇને ચેરમેન પદના સોનેરી શમણા જોતા જોતા બાજી બગડી ગઈ હોવાની ગંધ સુદ્ધા આવી ન હતી સમાધાન પ્રક્રિયા દરમિયાન શામળભાઈ બાલાભાઈ પટેલે જેઠાભાઈ પટેલ ચેરમેન ન બને અને મહેશભાઈ પટેલ ચેરમેન બનતા હોય તો દાવેદારી પાછી ખેંચવા સહમતી બતાવતા જેઠાભાઈ પટેલ ને ફોર્મ પાછું ખેંચવું પડ્યું હતું અને મહેશભાઈ અમીચંદભાઈ પટેલ નિયામક મંડળની ચૂંટણી લડ્યા વગર ડેરીના ચેરમેન બનવાની ઐતિહાસિક ઘટનાના શિલ્પકાર બન્યા હતા સહકારી રાજકારણના ભીષ્મપિતામહ ગણાતા અમીચંદભાઈ પટેલ કરતા પણ મહેશભાઇ પટેલે સવાયુ કરી બતાવ્યું હતું. વાઇસ ચેરમેનની ચૂંટણીમાં કાંતિભાઈ સોમાભાઈએ ફોર્મ પરત ખેંચતા મેઘરજના જયંતીભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી.

ગોવિંદભાઈ પટેલ સામે રાત્રે 2 વાગ્યે શામળભાઈ તૈયાર થયા હતા તેનું પુનરાવર્તન થયું: વર્ષ 2007ની ડેરીની ચૂંટણીમાં ગોવિંદભાઈ પટેલ ચેરમેન થવાના નક્કી હતા અને ચૂંટણીની પૂર્વ રાત્રિએ જેઠાભાઇ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોએ શામળભાઈ સાથે મિટીંગ કરી તેમને તૈયાર કર્યા હતા જશુભાઇ પટેલ ને મજરા રોડ પર સવારે 4 વાગ્યે મોર્નિંગ વોકના બહાને બહાર બોલાવી વાઇસ ચેરમેન પદની ઓફર કરાઈ હતી ચૂંટણીના દિવસે ગોવિંદભાઈ પટેલે ફોર્મ ભર્યા બાદ શામળભાઇ પટેલે ફોર્મ ભરતા ગોવિંદભાઈની લાઈનમાં બેઠેલા ડિરેક્ટરો ઊભા થઈને શામળભાઈની લાઈનમાં બેસી ગયા હતા આ ઘટનાનું 12 વર્ષ બાદ જેઠાભાઇ સાથે જ પુનરાવર્તન થયું હતું.

જેઠાભાઈની સામે આ રીતે સોગઠીઓ ગોઠવાઈ: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયા બાદ 12 ડિરેક્ટર્સ બિનહરીફ થયા હતા અને 4 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઇ હતી ડિરેક્ટર્સ બિન હરીફ થવાથી માંડી ચૂંટણી લડનાર તમામ ચાર ડિરેક્ટર્સને કોનો સાથ સહકાર હતો તે જાણતા હોવા છતાં જેઠાભાઇ પટેલને ગંધ સુદ્ધા આવી ન હતી જેને પગલે બિનહરીફ ચેરમેન તરીકે વરણી થવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો