બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર ડિજિટલ બન્યું છે. 10 વર્ષ પહેલા ગામમાં 10 વાહનો હતા, આજે 200થી વધુનો આકડો પાર કર્યો છે. ગામનો વિકાસ આકાશને આંબી રહ્યો છે. શહેરોમાં નથી મળતી તેવી સુવિધાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. ગામમાં વીજ વાયર, ટેલિફોન વાયર, અન્ય કેબલો અન્ડરગ્રાઉન્ડ કરાયા છે, ગામમાં RCC રોડ, પેવર બ્લોક, ફ્રી વાઇફાઇ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ગામના જ વિદેશમાં વસતા NRIઓની મદદ અને ગામના યુવાનોએ 1 કરોડથી વધુના ખર્ચે બનાવી છે.
અંદાજીત 3000ની વસ્તી ધરાવતા ગામમાં સ્વચ્છતા જોવા મળે છે. પશુઓ મુખ્ય માર્ગ પરથી પસાર થતા ગંદકી ન થાય તે માટે ઘરોની લાઈનની પાછળના ભાગે સર્વિસરોડ બનાવ્યો છે. જેથી પશુઓ વાડામાંથી જ બહાર નીકળી શકે. ગામના વિકાસમાં NRIઓનો મહત્વનો ફાળો હોવાથી, ગામમાં વાર તહેવારની થતી ઉજવણીઓ વિદેશમાં બેસેલા લાઈવ જોય શકે તે માટે સ્ટ્રીટ લાઈટના પોલ પર 24 કેમેરા લગાવાયા છે. NRIઓ ગામમાં આધુનિક સુવિધા સાથે, ગરીબ કુટુંબોને દર મહિને અનાજ પણ આપે છે. ગામના 40 યુવકોની ગ્રામ કમિટી બનાવવામાં આવી છે. જે સુવિધાના કામ પહેલા ચર્ચા કરી નક્કી કરવામાં આવે છે. ગામમાં ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા પણ દાતાઓના ફંડ થકી કરાઈ છે.
ગામના 90% પાટીદારો અમેરિકામાં સ્થાયી થયા છે
ગામના 90 ટકા પાટીદારો અમેરિકામાં સ્થાયી થયા છે. હાલ આવા પરિવારના ઘરો બંધ છે. 20 વર્ષથી વિદેશમાં સ્થાયી થઈ રહ્યા હોવા છતાં ગામ સાથેનો સબંધ ચાલુ જ રાખ્યો છે. ગામને ભૂલ્યા નથી. વિદેશમાં જે સુખ તેઓ ભોગવે છે, એવું ગામમાં પણ પૂરું પાડવા માટે સતત ચિંતા કરતા હોય છે. જેથી દર વર્ષે ડિસેમ્બરમાં એક મેળાવડો રાખે છે. નાતાલની રજામાં ઇસરોલી ગામના વિદેશમાં અલગ સિટીમાં રહેતા હોવા છતાં ભેગા થાય છે અને ગામમાં સુવિધા બાબતે ચર્ચા કરી ગ્રામ કમિટીના સભ્ય સાથે વીડિયો કોન્ફરેશન થકી વાતચીત કરતા હોવાનું ગામના યુવાન ચેતન પટેલ જણાવે છે.
નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું રહે તે માટે વ્યવસ્થા કરાઈ
બાપદાદાના સમયમાં ગામમાં ધાર્મિક માહોલને પ્રાધાન્ય આપી ભજન, આરતી થતી હતી. જેથી આજના આધુનિક યુગમાં નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું રહે માટે , ગામના સ્ટ્રીટ લાઈટ પોલ પર અંદાજીત 12 સ્પીકર મુકવામાં આવ્યા છે. જેમાં સવાર સાંજ 6 વાગ્યે 20-25 મિનિટ ભજન મુકવામાં આવે છે, જેના કારણે ગામમાં ધાર્મિક માહોલ બની રહે છે. સાથે કોઈ સૂચના હોય, ત્યારે એનાઉન્સ પણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..