એક ગામની બહાર બે સાધુઓ એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. બંને સાધુ રોજ અલગ-અલગ જગ્યાઓએ જઈને ભિક્ષા માંગતા હતા અને સાંજે ઝૂંપડીએ પાછા ફરતા. આખો દિવસ ભગવાનનું નામ જપતા. તેમનું જીવન આ જ રીતે પસાર થઈ રહ્યું હતું. એક દિવસ બંને અલગ-અલગ ગામમાં ભિક્ષા માંગવા નીકળી પડ્યા. સાંજે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે, ગામમાં તો આંધી-વાવાજોડું આવ્યું હતું.
પહેલો સાધુ પાછો ફર્યો ત્યારે તેને જોયું કે, વાવાજોડામાં તેમની ઝૂંપડી અડધી તૂટી ગઈ છે. આ જોઇ તે ગુસ્સે થઈ ગયો અને ભગવાનને કોસવા લાગ્યો. તે બોલવા લાગ્યો કે, હું રોજ તારા નામનો જાપ કરું છું, મંદિરમાં પૂજા કરું છું, બીજાં ગામોમાં તો ચોર-લૂંટારુઓનાં ઘર પણ સહી-સલામત છે, અમારી જ ઝૂંપડી તોડી નાખી. અમે આખો દિવસ પૂજા-પાઠ કરીએ છીએ, છતાં તને અમારી ચિંતા નથી.
બીજો સાધુ જ્યારે ઝૂંપડી સુધી પહોંચ્યો તો, તેણે જોયું કે વાવાજોડામાં તેમની અડધી ઝૂંપડી તૂટી ગઈ છે. આ જોઇને તે ખૂબજ ખુશ થઈ ગયો. ભગવાનનો આભાર માનવા લાગ્યો. સાધુ બોલી રહ્યો હતો કે, ભગવાન, આજે મને વિશ્વાસ થઈ ગયો કે, તું ખરેખર અમને પ્રેમ કરે છે. અમારી ભક્તિ અને પૂજા-પાઠ વ્યર્થ નથી ગયાં. આટલા ભયંકર વાવાજોડામાં પણ તે અમારી અડધી ઝૂંપડી બચાવી લીધી. હવે અમે આ ઝૂંપડીમાં આરામ કરી શકીએ છીએ. આજથી તારા પ્રત્યેનો મારો વિશ્વાસ વધી ગયો છે.
બોધપાઠ બે એક જેવા લોકોના જીવનમાં એક જેવી જ ઘટના ઘટી, પરંતુ બંનેના વિચારોમાં ફરક હતો. એકની વિચારસરણી સકારાત્મક હતી અને બીજાની નકારાત્મક. ખરાબ સમયમાં આપણી વિચારસરણી જ આપણને સુખ કે દુ:ખ પ્રદાન કરે છે. જો આપણે ખરાબ વિચારશું તો દુ:ખી રહેશું. માટે દરેક પરિસ્થિતિમાં સારું જ વિચારવું જોઇએ. બીજા સાધુએ સારું વિચાર્યું એટલે જ ખરાબ સમયમાં તે બહુ ખુશ હતો.