આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ધો.10નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે રાજકોટના બે વિદ્યાર્થીઓ આદિત્ય પોપટ અને મિલન રાઠોડ મને મળવા માટે આવેલા. બંને મિત્રો સીબીએસસી બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. ભણવામાં એટલા તેજસ્વી કે બંનેને બોર્ડમાં 10 CGPA હતા.( બીજા શબ્દોમાં કહીએ તો બોર્ડ ફર્સ્ટ )
મેં પૂછ્યું કે તમને શુ ઈચ્છા છે ? મને કહે ‘અમારું એક જ લક્ષ્ય છે કે અમારે યુપીએસસી પાસ કરીને આઈએએસ ઓફિસર થવું છે. બંને સાથે ઘણી વાતો કરી. કોઈ પાસેથી વાતો સાંભળીને કે માતા-પિતાના દબાણથી નહીં પણ ખરેખર દિલથી બંને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા એમની કારકિર્દી ઘડવા માંગતા હતા. એમના જીવનનું એકમાત્ર લક્ષ્ય યુપીએસસી જ હતું એટલે મેં એને સલાહ આપી કે તમે ભલે બોર્ડ ફર્સ્ટ હોવ પણ જો તમારે યુપીએસસી જ કરવું હોય તો સાયન્સમાં જવાની કોઈ જ જરૂર નથી તમે કોમર્સ અથવા આર્ટ્સ રાખો જેથી વધુમાં વધુ સમય વાંચનમાં આપી શકો.
બંને મિત્રોએ આર્ટ્સ રાખવાનું નક્કી કર્યું. એમના માતા-પિતાએ પણ સંતાનોના નિર્ણયને વધાવીને એમને પ્રોત્સાહન આપ્યું. જે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાં લિવિંગ સર્ટી લેવા ગયા તો એમને કહેવામાં આવ્યું કે તમે મૂર્ખ છો. આટલા સારા ટકા આવ્યા અને તમે આર્ટ્સ રાખો છો. પેલા છોકરાઓએ દલીલ કરી કે અમારે ડોક્ટર કે એન્જિનિયર બનવું જ નથી. શાળા કોઈ રીતે લિવિંગ સર્ટિ ના આપે. છેવટે ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે સર્ટી આપ્યું. ( બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનો એક ખાસ સન્માન સમારંભનું શાળાએ આયોજન કર્યું હતું. સ્વાભાવિક છે કે બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બંને વિદ્યાર્થીઓના નામ સન્માન પ્રાપ્ત કરનારાની યાદીમાં હોય જ પણ બંનેએ આર્ટ્સ રાખ્યું એટલે શાળાએ સન્માન યાદીમાંથી બંનેના નામનો છેદ પણ ઉડાડી દીધો )
બંને પોતાના નિર્ણયમાં મક્કમ હતા. અંગ્રેજી માધ્યમમાં આર્ટ્સ કરવા માટે જામનગરની કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન લીધું. અર્થશાસ્ત્રને મુખ્ય વિષય તરીકે રાખીને આ વર્ષે ધો.12ની બોર્ડની પરીક્ષા આપી અને બંનેને 94% માર્ક્સ આવ્યા. 2 વર્ષ બાદ બંન્ને વિદ્યાર્થીઓ ફરીથી મળવા માટે આવ્યા. માત્ર 2 વર્ષમાં જ આર્ટ્સના કારણે વધુ સમય મળવાથી વધુ વાંચનને લીધે બંનેની પરિપક્વતા અને જ્ઞાન આપણને આશ્વર્ય પમાડે એવું હતું.
હવે આ બંને મિત્રો અર્થશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે રાખીને અમદાવાદમાં આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવશે અને સાથે સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી જશે.
આ વાત સૌ સાથે શેર કરવાનો આશય માત્ર એટલો જ છે કે માત્ર સાયન્સ દ્વારા જ કારકિર્દી બનાવી શકાય એવી ભ્રમણામાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર આવે. સાયન્સનું એક આગવું મહત્વ છે અને હંમેશા રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ વિજ્ઞાનપ્રવાહ સિવાયના પ્રવાહનું પણ વિદ્યાર્થીના રસ અને રુચિ પ્રમાણે એક આગવું મહત્વ છે એ વાત પણ સ્વીકારીએ.
થોડા સમય પહેલા હરિયાણાના સોનિપતમાં આવેલી ઓ.પી. જીંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જવાનું થયેલું. સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે લગભગ બધા જ અભ્યાસક્રમો વિજ્ઞાનપ્રવાહ સિવાયના પ્રવાહ સાથે સંકળાયેલા છે અને એ અભ્યાસક્રમોમાંથી પસાર થયા પછી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના પગારની નોકરી પણ મળે છે.
બાળકોને કોઈ ચોક્કસ દીશામાં ઢસડી જવાના બદલે એની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની તક આપીશું તો એમની પ્રતિભા ખીલી ઉઠશે.
– શૈલેશભાઇ સગપરિયા