ગરબો દરેક ગુજરાતીના જીવનનું અભિન્ન અંગ છે. સદીઓથી આ નૃત્ય-ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. ગરબો આપણા જીવનમાં એવો વણાઈ ગયો છે કે માત્ર નવરાત્રિએ જ નહીં કોઈપણ શુભપ્રસંગે આપણે ગરબે ઘૂમીએ છીએ. ગરબા વિના જાણે કે દરેક ગુજરાતીનો કોઈપણ પ્રસંગ અધૂરો જ રહી જાય છે. ગરબામાં આટલા ઓતપ્રોત થઈ ગયા પછી પણ ‘ગરબો’ શબ્દ કેવી રીતે આવ્યો અને એનો ખરેખર અર્થ શું થાય છે એ દિશામાં ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. ચાલો આજે એ શબ્દના અર્થને પામવાનો પ્રયાસ કરીએ.
‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવું અનુમાન કરવામાં આવે છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપઃ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવા વાળા ઘડા ને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળ ક્રમે એમાંથી દીપ પદ છૂટી ગયું. અને ગર્ભમાંથી ગરબો આવ્યો.
ગરબામાં 27 છીદ્રો પાડવા પાછળનું એક અનોખું મહત્વ છે. કેમકે આપણે ત્યાં ગ્રહો અને નક્ષત્રોને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં 27 નક્ષત્ર હોવાથી માતાજીને પ્રિય એવો ગરબો પધરાવવામાં આવે છે.
નવરાત્રિની નવેય રાત્રિ જ્યાં રમણીઓ ગરબે ઘૂમતી હોય ત્યાં વચ્ચે કેન્દ્રમાં આ ગરબાનાં નામે ઓળખાતી માટલી જરૂર મૂકવામાં આવે છે. એમાં પ્રકાશિત જ્ઞાનના પ્રતીકરૃપે દીવો મૂકવામાં આવે છે. ગરબીમાં દીવાનો પ્રકાશ એટલે કે જ્ઞાન અંદરના ભાગને ઝળાંહળાં કરી દે છે. નાના-નાના કાણામાંથી એ બહાર પણ રેલાય છે. અને ગરબા ફરતે લાસ્ય નૃત્યની રમઝટ રેલાવી રહેલા નર-નારીઓને એ મળતો રહે છે.
ગરબા નૃત્ય મૂળ ઉત્તર-પૂર્વના ગઢવાલથી ગુજરાત આવ્યું હોવાનો ઉલ્લેખ પુરાણકથાઓમાં જોવા મળે છે. શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૃદ્ધને કશી ઓળખાણ વિના સપનામાં જ જોઈને એની ઉપર ઓળઘોળ થઈ જનાર રાજકુમારી ઉષા, દૈત્યરાજ બાણાસુરની પુત્રી હતી. ઉષાની બહેન ચિત્રલેખા અને નારદમુનિની મદદથી તથા શ્રીકૃષ્ણ અને અભિમન્યુની દરમિયાનગીરીથી દૈત્યરાજ બાણ સાથે યુદ્ધ અને સમાધાન પછી ઉષા સાથે અનિરૃદ્ધના લગ્ન થાય છે.
લગ્ન કરી સાસરિયે દ્વારિકા આવેલી ઉષા એના પ્રદેશનું નૃત્ય અહીં લઈ આવી હતી. એ હજારો વર્ષની પરંપરાના ચાકડે નવા-નવા ઘાટ મેળવીને આજે સંપૂર્ણ ગુજરાતી નૃત્ય ગરબો બની ગયું છે.
નવ સ્વરૂપ અને નવરાત્રિ કેમ ?
ગરબામાં શક્તિના નવ સ્વરૂપોની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે ગરબાની જનેતા શક્તિ જ છે. જ્ઞાનને ગતિ આપનાર માયા શક્તિનું જ સ્વરૂપ છે. અને પુરાણકથા મુજબ મા પાર્વતિએ શિવજીને પ્રસન્ન કરવા માટે સખીવૃંદ સાથે મળીને ગોળાકારે ઘૂમતા જે લાસ્ય નૃત્ય કર્યું હતું એ જ પરંપરા હિમાલયના દૈત્યરાજ વાણની પુત્રી ઉષા થકી ગુજરાત આવી છે. માટે ગરબો પણ લાસ્ય છે જેમાં ભક્તિની સાથે લાવણ્ય છે.
ગરબો નવરાત્રિ એટલા માટે ચાલે છે કે નવ એ પૂર્ણ નવારંભનું પ્રતીક છે. વૈદિક ગણિત પ્રમાણે દશાંશ પદ્ધતિનો દસમો પૂર્ણાંક નવ છે. એમાં સંપૂર્ણ અંકન આવી જાય છે. માટે માતાજીના નવ સ્વરૂપમાં શક્તિના બધા જ સ્વરૂપ સમાવૃત્ત કરવાની પરંપરા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..