બેંગલુરુથી 500 કિ.મી. દૂર ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના 140 સભ્ય સાથે રહે છે. તેમાં 80 પુરુષ અને 60 મહિલા છે. 18 વર્ષ સુધીની ઉંમરના 30 લોકો છે. પરિવારના સભ્ય મંજૂનાથે જણાવ્યું કે દાળ, બેસન, મેંદો અને જુવાર પીસવા માટે પરિવાર પાસે પોતાની બે ઘંટી છે. અહીં રોજ દળણું થાય છે. રોજ બધાનું જમવાનું એક સાથે બને છે. તે પણ ત્રણ વખત. એક વારમાં જુવારના ઓછામાં ઓછા 300 રોટલા બને છે. 40 ગાય છે, જે રોજ કુલ 150 લિટર દૂધ આપે છે. પરિવાર પાસે 200 એકર જમીન છે.
દર વર્ષે વિદ્યાર્થીઓ આ પરિવાર પર રિસર્ચ કરે છે
90 વર્ષના ઇશ્વરપ્પા જણાવે છે કે પરિવાર સાત પેઢી અગાઉ મહારાષ્ટ્રના હટકલ અન્ગદાથી અહીં આવ્યો હતો. ત્યારથી કોઇ વિભાજન થયું નથી. આ દરમિયાન ઘણી મુસીબતો આવી અને ગઇ પણ પરિવાર સાથે રહ્યો. 1998થી 6 વર્ષ દુષ્કાળ રહ્યો. દેવું કરવું પડ્યું, જે વધતું-વધતું હાલ 4 કરોડ રૂ. થઇ ગયું છે. અમે ભેગા મળીને તેનો રસ્તો કાઢ્યો છે. અમે 15 એકર જમીન વેચીશું. અહીં એક એકર જમીનનો ભાવ 20-25 લાખ રૂ. છે. ખેતીનું કામ જોતા દેવેન્દ્ર જણાવે છે કે રોજ 10થી વધુ ખેતરોમાં 50 મજૂર કામ કરે છે. નાના ખર્ચની ખબર નથી પડતી પણ મોટા ખર્ચ બહુ થાય છે. દર વર્ષે પરિવારમાં બે-ત્રણ લગ્નપ્રસંગ આવે. એક લગ્ન પાછળ 10 લાખ રૂ. ખર્ચ થાય છે. ભણતર પાછળ પણ બહુ ખર્ચ થાય છે. પરિવારની પુત્રવધૂ પદ્મા ગર્વથી કહે છે કે અમારા પરિવારમાં ક્યારેય કોઇનું 80 વર્ષથી ઓછી ઉંમરે મોત નથી થયું. દર વર્ષે મુંબઇ, બેંગલુરુ, હુબલીના 15થી 20 વિદ્યાર્થી આ પરિવાર પર રિસર્ચ કરે છે. ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતા ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે.
ભોજન એક જ રસોડે બનશે
વધતી જરૂરિયાતોના કારણે પરિવારના 6 ઘર છે. બધા ઘરનું જમવાનું 1975માં બનેલા સૌથી જૂના ઘરના રસોડામાં બને છે.
બધાની જવાબદારી નક્કી કરેલી છે
30 બાળકોનું ભણતર મંજૂનાથ જોવે છે, જે 20 કિ.મી. દૂર રહે છે. રસોડું 75 વર્ષનાં કસ્તૂરી સંભાળે છે. વહુઓ-દીકરીઓની મદદ કરે છે. દેવેન્દ્ર ખેતી-મશીનોનું કામ જોવે છે. મહિલા મજૂરોને પદ્મા અને પુરુષ મજૂરોને ધર્મેન્દ્ર સંભાળે છે.
બધા સાથે બેસીને મનદુ:ખ દૂર કરે છે
ફરિયાદો, મનદુ:ખનો સાથે બેસીને ઉકેલ લવાય છે. અંતિમ નિર્ણય 90 વર્ષના ઇશ્વરપ્પાનો હોય છે. વાત બધા જ માને છે.
સૌથી મોટી ખૂબી સાદગી છે
આ પરિવારની સૌથી મોટી ખૂબી સાદગી છે. સૌને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ઓછી સગવડો સાથે પણ જીવી શકાય અને દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
દશેરા પર આખો પરિવાર ભેગો થાય છે
નોકરીઓના કારણે બહાર રહેતા પરિવારના અન્ય 70 સભ્ય દશેરા પર ગામમાં અચૂક અાવે છે. બહાર રહેતો કોઇ સભ્ય આ પ્રસંગે ન આવી શક્યો હોય તેવું ક્યારેય બન્યું નથી.
બાળકો ટીવી-મોબાઇલથી દૂર
પરિવારમાં માત્ર 2 ટીવી છે. બાળકોને ક્યારેય ટીવીની જરૂરિયાત નથી જણાતી. બાળકોને મોબાઇલ-ટીવીથી દૂર રખાય છે.
આ પરિવારમાં એક અપવાદને બાદ કરતા બધાનું સરેરાશ આયુષ્ય 80 વર્ષથી વધુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..