ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા, હવે TB કાયમ માટે કેવી રીતે મટાડી શકાય તે દિશામાં કરાશે સંશોધન, આ શોધ વર્ષે 30 લાખ લોકોના જીવ બચાવશે

ટ્યુબરક્યુલોસિસ એક એવો રોગ છે જે આખી દુનિયામાં વર્ષે 90 લાખ લોકોને અસર પહોંચાડે છે. તેમાંથી 32 ટકા તો ભારતના છે. તેમના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. મુખ્ય સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને તેમને ક્યારે ઈન્ફેક્શન થાય છે તે પણ ખબર નથી હોતી. તે દાયકાઓ સુધી નિષ્ક્રિય રીતે વ્યક્તિના શરીરમાં રહે છે અને પછી અચાનક ઈન્ફેક્શન ફેલાવે છે.

આપણા શરીરના શ્વેતકણો જેમ બીજા ઈન્ફેક્શન સામે લડે છે તેમ ટીબીના બેક્ટેરિયા સામે પણ લડે છે. પરંતુ ટીબીના કેસમાં બેક્ટેરિયાને મારવાના બદલે તે તેની આસપાસ પાણીના ગોળા જેવા ગ્રેન્યુલોમાનું સર્જન કરે છે. તેને કારણે બેક્ટેરિયા નિષ્ક્રિય બની જાય છે.

જો કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે આ પાણીનો ગોળો ફૂટી જાય છે. HIV કે શરીર નબળુ પડે ત્યારે આવુ જોવા મળે છે. આ સમયે TBનું ઈન્ફેક્શન શરીરમાં ઝડપથી ફેલાય છે અને શરીરને ખતમ કરી નાંખે છે.

CSIR- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ કેમિકલ બાયોલોજી, કલકત્તાની બોઝ ઈન્સ્ટિટ્યુટ અને જાધવપુર યુનિવર્સિટીના ટીમના સંશોધકોએ ટ્યુબરક્યુલોસિસના બેક્ટેરિયા પાણીના ગોળામાંથી શરીરમાં કેવી રીતે રીલીઝ થાય છે તે અંગે સંશોધન કર્યું છે. ઘણા સંશોધકો વર્ષોથી આ દિશામાં સંશોધન કરી રહ્યા હતા પરંતુ કોઈ સફળતા મળી નહતી.

તેમણે શોધ્યું કે બેક્ટેરિયા MPT63 નામનું એક પ્રોટીન બનાવે છે જે આ ગોળો તૂટવામાં મદદ કરે છે. શરીરમાં અમુક લેવલની એસિડિટી સર્જાય ત્યારે પ્રોટીનનું સ્વરૂપ બદલાય છે અને પહેલા જે નિષ્ક્રિય હતું તે એકાએક જીવંત બની જાય છે અને આસપાસના કોષોને મારીને બેક્ટેરિયાને શરીરમાં રીલીઝ થવા દે છે.

ઈન્ડિયા સાયન્સ વાયર સાથેની વાતચીતમાં ડો ક્રિષ્ણાનંદ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું, “અમારી ટીમ હવે આ સંશોધનના આધારે તેને કેવી રીતે જડમૂળથી દૂર કરી શકાય તેવી સારવાર શોધવાનો પ્રયત્ન કરશે.” આ સંશોધનને કારણે હવે MPT63 પ્રોટીનની ઈફેક્ટ કેવી રીતે દૂર કરી શકાય, TB કાયમ માટે કેવી રીતે મટાડી શકાય તે દિશામાં સંશોધન કરાશે. આ કારણે વર્ષે લાખો લોકોના જીવ બચી જશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો