દર રવિવાર અને વાર-તહેવારે ઘરે ના ખાય અને હોટેલ-રેસ્ટોરાંની બહાર કલાક વેઈટિંગમાં ઊભો રહે એ અમદાવાદી. પરંતુ હવે તમે અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં સ્વાદના ચટાકા માણવા જાવ તો ધ્યાન રાખજો. ખાવાની વસ્તુ જોઈને તૂટી ના પડતાં. બે વાર ચમચી ફેરવીને બરાબર જોજો અને જાતે ચકાસી લેજો. નહિતર ગમેત્યારે વંદા-વંદી કે કોઈ મરેલું કે જીવતું જીવ-જંતુ પણ નિકળી શકે છે, અને તમે ગમેતેટલો હલ્લો મચાવશો પણ આ પ્રવૃત્તિ અટકશે નહીં. આનું કારણ એ છે કે, મ્યુનિ. સત્તાવાળાઓ પણ નાગરિકોના આરોગ્યને જોખમવનારા હોટેલ-રેસ્ટોરાં સંચાલકોને મામૂલી દંડ કરીને અંદરખાને વહીવટ કરી લેશે. બાકી ક્યાંય સાંભળ્યું છે કે કોઈ હોટેલમાં ખાવાની વસ્તુમાંથી જીવાત નિકળે તો મ્યુનિ.એ તેને તાળા મરાવી દીધા હોય!
મીડિયામાં અહેવાલો આવે પછી જ હેલ્થ ખાતું સક્રિય થાય
અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવામાંથી જીવજંતુઓ નીકળ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આના વિડિયો ફેસબુક કે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આવે તે પછી મ્યુનિ.નો ફૂડ વિભાગ હરકતમાં આવે છે. આવી હોટેલ-રેસ્ટોરાંની સામે આકરી કાર્યવાહી કરવા અથવા તો તેના પાટિયા પાડી દેવાને બદલે મ્યુનિ.ના અધિકારીઓ મામૂલી દંડ કરીને અંદરખાને મોટો વહીવટ કરી દે છે. દિવાળીમાં જે સેમ્પલ કલેક્ટ થાય છે તેમાં પણ આવા જ મોટા વહીવટો થાય છે.
ભાજપના નેતાઓના ચાર હાથ, અધિકારીઓ બિન્ધાસ્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આવતો ફૂડ વિભાગ સદંતર નિષ્ક્રિય રહ્યો હોવાના કારણે અમદાવાદીઓનું સ્વાસ્થ્ય જોખમમાં છે. ફૂડ વિભાગના અધિકારી ખુદ એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી. આ ફૂડ વિભાગના અધિકારી પર ભાજપના જ નેતાઓના ચાર હાથ હોવાથી અધિકારી પણ ખુદ બિન્ધાસ્ત બની ગયા છે. અમદાવાદમાં દર મહિને એક હોટલ અને રેસ્ટોરન્ટમાં બનેલા કિસ્સાઓ સાથે DivyaBhaskar આપને જણાવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનું શું નીકળ્યું અને તેની સામે કાર્યવાહી થઈ કે કેમ ? ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી અને કાર્યવાહી કરી કે કેમ ?
કિસ્સો-1
બે દિવસ પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની ઉડીપી રેસ્ટોરન્ટમાં એક યુવકે સ્પ્રિંગ ઢોસા મંગાવ્યા હતા. ઢોસાની સાથે આવેલી નાળિયેરની ચટણીમાં યુવકનું ધ્યાન ગયું તો કાળા કલરની કોઈ વસ્તુ દેખાઈ હતી. તેને બહાર કાઢીને જોતાં તે નાનો મરેલો વંદો હતો. યુવકે આ બાબતે હોટલ માલિક અને સ્ટાફને ફરિયાદ કરતાં તેમણે જાણે આવું હોટલમાં જાણે સામાન્ય બાબત હોય એમ ચટણી બદલાવી દેવાની વાત કરી હતી. જો કે યુવકે તેની હોટલમાં અધૂરો ઢોંસો મૂકી ત્યાંથી નીકળી ગયો હતો. આ મામલે પણ મ્યુનિ.ના ફૂડ વિભાગે કોઈ સખ્ત કાર્યવાહી કરી નથી.
કિસ્સો-2
ગત ફેબ્રુઆરીમાં અમદાવાદના હાથીજણ વિસ્તારની હંગામા દાલબાટી નામની રેસ્ટોરાંમાં જમવામાં ઈયળ નીકળી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં જમવાની થાળીમાં ઈયળ નીકળતા ગ્રાહક ખૂબ જ ગુસ્સે થયેલો જોવા મળ્યો હતો. બાળકને તેઓ આ જમવાનું ખવડાવતા હતા ત્યારે અચાનક ઈયળ પર નજર પડી હતી. આ બનાવમાં ગ્રાહક અને હોટલ માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે કોર્પોરેશનના ફૂડ વિભાગે શું કાર્યવાહી કરી હતી કે પગલાં ભરાયા હતા તેની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.
કિસ્સો-3
ગત જાન્યુઆરી માસમાં અમદાવાદના દિલ્હી દરવાજાની સબ્જી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી નવાવાડજનો એક પરિવાર પનીર ભૂરજીનું શાક લાવ્યા હતા. પરિવારના સભ્યોએ રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા ત્યારે આ શાક ખાધું હતું. માતા-પુત્ર જમવા બેઠા હતા તે દરમિયાન પનીર ભુરજીની સબ્જીમાં કંઇક દેખાયું હતુ જે બાદ જોયું તો પહેલાં સીમલા મિર્ચ હોવાનું જણાયું હતુ. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતુ તો તે મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને માતા અને પુત્ર ગભરાઇ ગયા હતા. ગભરામણ થઇ હતી જે બાદ ઉલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
ફૂડ અધિકારી કહે છે, ફરિયાદ આવે તો અમે કાર્યવાહી કરીએ
આ અંગે મ્યુનિ.ના હેલ્થ ખાતા હેઠળના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશી સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો હોટલ કે રેસ્ટોરાંમાં જમવામાંથી જીવજંતુ કે અન્ય વસ્તુ નીકળે અને એની ફરિયાદ આવે તો અમે કાર્યવાહી કરીએ છીએ. જેમાં સ્થળ પર તપાસ કરી અને જો ખાવાલાયક ન હોય તેમજ શંકાસ્પદ જણાય તો જથ્થાનો નાશ કરીએ છીએ. જો કે હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડમાંથી ખરાબ વસ્તુઓ કે જીવજંતુઓ નીકળવા અંગેની ફરિયાદો મળતી હોવાનો તેઓએ સ્વીકાર કર્યો હતો.
મ્યુનિ. ફૂડ વિભાગ રેસ્ટોરાંમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતો જ નથી
અમદાવાદમાં આશરે 5000થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. મોટાભાગની હોટલ-રેસ્ટોરાંમાં ફુડ વિભાગના અધિકારીઓ કદી સરપ્રાઈઝ ચેકિંગ કરતા જ નથી કારણ કે તેમની અને હોટલના માલિકો-સંચાલકોની ભ્રષ્ટાચારની મિલીભગત છે. માત્ર હોટલ અને રેસ્ટોરાં જ નહીં, નાની મોટી દુકાનો અને લારીઓમાં તો માત્ર વ્યવહાર જ થાય છે. નાની રકમો મેળવી ફુડ ઇન્સ્પેક્ટરો ત્યાં ચેક કરવા જ જતાં નથી.
ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરી શકે છેઃ વકીલ
જો ભોજન કે નાસ્તામાંથી જીવાત નીકળે તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકાય કે તે અંગે અમે અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ મિલિન દૂધિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ‘જો ગ્રાહક રેસ્ટોરન્ટ કે ખાવાના કોઈ સ્ટોર પર તેને આપવામાં આવેલા ભોજન કે ચીજ વસ્તુમાં કોઇ ખામી જોવા મળે તો તેને તે જ સમયે પુરાવા તરીકે ફોટો કે વીડિયો લેવો જોઈએ. જે પુરાવાના આધારે તે કોર્પોરેશન લેબોરેટરીમાં જે-તે વસ્તુની ખરાઇ માટે આપી શકે છે. આ સિવાય ખાનગી લેબોરેટરીમાં પણ સેમ્પલ પ્રોસેસિંગ માટે આપી શકાય. આ લેબોરેટરીના રિપોર્ટના આધારે કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરી શકે છે. આ એક જટિલ પ્રક્રિયા છે, પરંતુ લોકોએ જાગૃત બનવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..