પ્રાચીન સમયમાં એક વ્યક્તિના પરિવારમાં સતત વાદ-વિવાદ થતાં રહેતાં હતાં. આ વાતથી તે ખૂબ જ દુઃખી રહેતો હતો. કંટાળીને તેણે એક દિવસ વિચાર્યું કે હવે મારે સંન્યાસ લઇ લેવો જોઇએ.
તે વ્યક્તિ ઘરમાં કોઇને જણાવ્યા વિના બધું જ છોડીને જંગલ તરફ જતો રહ્યો. જંગલમાં તેને એક આશ્રમ જોવા મળ્યો. તે આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક સંત વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરી રહ્યો હતો. દુઃખી વ્યક્તિ સંત સામે બેસી ગયો અને તેમનું ધ્યાન પૂરું થવાની રાહ જોવા લાગ્યો.
જ્યારે સંતનું ધ્યાન પૂરું થયું અને તેમણે આંખ ખોલી ત્યારે વ્યક્તિએ સંતને જણાવ્યું કે ગુરુદેવ મને તમારી શરણમાં લઇ લો. હું તમારો શિષ્ય બનવા ઇચ્છું છું. હું બધું જ છોડીને ભગવાનની ભક્તિ કરવા આવ્યો છું. સંતે તેને પૂછ્યુ કે તમે તમારા ઘરમાં કોને પ્રેમ કરો છો?
વ્યક્તિએ કહ્યું કે નહીં, હું મારા પરિવારમાં કોઇને પ્રેમ કરતો નથી. સંતે કહ્યું કે શું તમને તમારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની અને બાળકોમાંથી કોઇ સાથે લગાવ નથી.
વ્યક્તિએ સંતને જવાબ આપ્યો કે આ આખી દુનિયા સ્વાર્થી છે. હું મારા ઘર-પરિવારમાં કોઇની સાથે પણ સ્નેહ રાખતો નથી. મને કોઇની સાથે લગાવ નથી, એટલે હું બધું જ છોડીને સંન્યાસ લેવા ઇચ્છું છું.
સંતે કહ્યું કે ભાઈ તમે મને માફ કરો. હું તમને શિષ્ય બનાવી શકીશ નહીં. હું તમારા અશાંત મનને શાંત કરી શકીશ નહીં. આ સાંભળીને વ્યક્તિ આશ્ચર્ય પામ્યો હતો.
સંતે જણાવ્યું કે ભાઈ જો તમને તમારા પરિવાર સાથે થોડો પણ સ્નેહ હોત તો હું તમારી તરફ આગળ વધી શકતો હતો, જો તમે તમારા માતા-પિતા સાથે થોડો પણ પ્રેમ હોત તો હું તે પ્રેમને વધારીને ભગવાનની ભક્તિમાં લગાવી શકતો હતો, પરંતુ તમારું મન ખૂબ જ કઠોર છે. એક નાનું બીજ જ વિશાળ વૃક્ષ બને છે, પરંતુ તમારા મનમાં કોઇ ભાવ જ નથી. હું કોઇ પત્થરથી પાણીનું ઝરણું કેવી રીતે વહાવી શકું.
બોધપાઠ:- જે લોકો પોતાના પરિવારને પ્રેમ કરે છે, માતા-પિતાનુ સન્માન કરે છે, તેઓ પૂર્ણ એકાગ્રતા સાથે ભક્તિ કરી શકે છે. ભક્તિમાં એવા લોકોનું જ મન લાગે છે, જેઓ પોતાના પરિવારને નિસ્વાર્થ પ્રેમ કરે છે.