આજની કહાની છે દિલ્હીના રહેવાસી હાઉસવાઈફ જિનિષા જૈનની. જિનિષા ભોજન બનાવવાનાં શોખીન છે. તેમણે પોતાના આ શોખને એક પડોશણના કહેવાથી બિઝનેસમાં બદલ્યો. આજે આખા દિલ્હી-એનસીઆરમાં તેમના કિચનની ‘જાયકા ટિફિન સર્વિસ’ પ્રસિદ્ધ છે. દરરોજ 100થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. 3 લાખ રૂપિયા દર મહિને તેમને નફો થઈ રહ્યો છે.
એની સાથે જ જિનિષા કેટરિંગનું પણ કામ કરી રહ્યાં છે. શહેરની બહાર ટિફિન સર્વિસની ડિલિવરી માટે ઝોમેટો સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જાયકા ટિફિન સર્વિસની સફર 2018માં માત્ર એક ટિફિનથી શરૂ થઈ હતી. આ સફરને શરૂ કરવાનું કારણ જણાવતાં જિનિષા કહે છે, એક દિવસ મારી પડોશણને કોઈ કામથી બહાર જવાનું હતું, પરંતુ તેને તેના પતિ માટે એક એવી ટિફિન સર્વિસ જોઈતી હતી કે જે ઘરનું બનેલું સ્વાસ્થ્યપ્રદ ભોજન આપી શકે. આ મામલે તેણે મારી સાથે વાત કરી અને પૂછ્યું કે કોઈ ટિફિન સર્વિસ આપનારને ઓળખો છો? મેં પડોશણ હોવાના નાતે કહ્યું, હું ભોજન બનાવીને મોકલી આપીશ અને પછી મેં તેમના ઘરે ટિફિન મોકલવાનું શરૂ કરી દીધું.
જિનિષા કહે છે, મેં જે ભોજન પડોશણને ત્યાં મોકલ્યું હતું એ સૌને ખૂબ પસંદ આવ્યું અને તેમણે મને ટિફિન સર્વિસ શરૂ કરવાની સલાહ આપી. એ સમયે મેં બિઝનેસ અંગે વિચાર્યું નહોતું, પણ તેમની સલાહ પછી મેં પોતાના ઘરમાં વાત કરી અને પછી શરૂ થયો ટિફિન સર્વિસનો ધંધો.
તેઓ કહે છે, ‘મેં આ કારોબાર પૈસા કરતાં વધુ પેશન માટે શરૂ કર્યો છે.’ ધીરે ધીરે કોમ્પ્લેક્સમાં અન્ય લોકોને પણ જાણ થઈ. થોડા મહિના પછી બીજા કોમ્પ્લેક્સમાંથી પણ ડિમાન્ડ આવવા લાગી. તેઓ કહે છે, ‘જ્યાં પણ હું ભોજન બનાવીને મોકલું ત્યાંથી સારો રિસ્પોન્સ મળતો હતો.’
જિનિષાના પરિવારમાં પતિ તેમજ બે બાળકો છે. તેઓ કહે છે કે ટિફિન સર્વિસને શરૂ કર્યાના પ્રથમ છ મહિના સુધી બધું હું પોતે જ કરતી હતી. એ પછી જેમ જેમ ઓર્ડર વધવા લાગ્યા તો ભોજન બનાવવામાં પતિ અને બાળકોએ હેલ્પ કરવાનું શરૂ કર્યું. જિનિષાએ ડિલિવરી માટે બે માણસ પણ હાયર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ‘જાયકા ટિફિન સર્વિસ’ એક પ્લેટની કિંમત 130 રૂપિયા છે. એમાં દાળ, ભાત, બે શાક, રોટલી, રાયતું, સ્વીટ્સ/હલવો, સલાડ અને ચટણી હોય છે, સાથે બ્રેકફાસ્ટ ટિફિન 50-70 રૂપિયાનું હોય છે. તેઓ કહે છે, રોજ ખાવાનું મેનું શું હશે એ હું મારા હિસાબે નક્કી કરું છું. જોકે ક્યારેક ગ્રાહકો તરફથી ખાસ ડિમાન્ડ રહે છે ત્યારે તેમના હિસાબે ભોજન બને છે.
જિનિષા આગળ કહે છે, તેઓ જાયકા ટિફિન સર્વિસનું માર્કેટિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરે છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ બનાવ્યાં છે. ત્યાંથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હું ભોજનની ક્વોલિટી પર ખાસ ધ્યાન આપું છું. જેટલા પ્રેમથી હું મારા પરિવારજનો માટે ભોજન બનાવું છું એ જ રીતે હું અન્યો માટે પણ ભોજન બનાવું છું.
જ્યારે જે ઓર્ડર આવે છે તેમને ફ્રેશ ભોજન બનાવીને આપું છું. આ જ કારણ છે કે દિવસે ને દિવસે ડિમાન્ડ વધી જ રહી છે. એટલું જ નહીં, હું દરેક ગ્રાહક પાસેથી ફિડબેક લેતી રહું છું. એનાથી વધુ સારું કરવાની તક મળે છે.
જિનિષા કહે છે, કોઈપણ કામ નાનું કે મોટું હોતું નથી. આજે આ જ કામે મને ઓળખ અપાવી છે. અનેકવાર આપણે યોગ્ય સમયની રાહ જોતા રહી જઈએ છીએ અને સમય નીકળી જાય છે. આ સાથે જ કોઈપણ કામ શરૂ કર્યા પછી એને સમય આપવો જોઈએ.
તેઓ આગળ જણાવે છે, ટિફિન સર્વિસના ધંધામાં નફો અનેકવાર કારોબાર શરૂ કરવાના બીજા મહિનાથી થવા લાગે છે તો ઘણીવાર છ મહિના સુધી કોઈ નફો થતો નથી, એવામાં હિંમત ન હારવી જોઈએ. તેઓ કહે છે, મેં જ્યારે જાયકા ટિફિનનું કામ શરૂ કર્યું હતું, ત્યારે મને વધુ નફો થતો ન હતો. લગભગ છ મહિના પછી નફો શરૂ થયો હતો.
જિનિષા કહે છે, આ કાર્યને શરૂ કરવા માટે કોઈ પ્રકારના સર્ટિફિકેટની જરૂર નથી, કેમ કે તેને તમે તમારા ઘરના કિચનથી શરૂ કરી શકો છો. ટિફિન સર્વિસનો ધંધો શરૂ કરવા માટે માત્ર 8-10 હજારનો ખર્ચ કરવો પડશે અને થોડા મહિના પછી તમને નફો થવા લાગશે. તેઓ કહે છે, જો તમારા ભોજનની ક્વોલિટી સારી હશે અને કસ્ટમરના ટેસ્ટનું હશે તો ઝડપથી તમે મહિનાના 5-7 લાખ રૂપિયા કમાઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..