જુઓ ભારતીય વાયુસેનાની મહિલા પાઇલટની દિલેરી, 17 હજાર ફૂટની ઊંચાઈએ દિલધડક રેસ્ક્યુ કરીને બચાવ્યા જીવ

જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં દરિયાની સપાટીથી 17 હજાર ફૂટ ઊંચે બરફથી છવાયેલા વિસ્તારમાં કરાયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સામે આવતાં જ દેશવાસીઓ જાંબાઝ મહિલા પાઈલટની બહાદુરીના વખાણ કર્યા હતા. ભારતીય વાયુસેનાની જાંબાઝ પાઈલટ સુરભી સક્સેનાએ વિષમ વાતાવરણમાં પણ ઉડાન ભરીને બે અધિકારીઓના જીવ બચાવ્યા હતા. આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો.

મળતી વિગતો મુજબ 18 જુલાઈએ ​​​​લદ્દાખની સ્ટોક કાંગડીની ટેકરીઓ પર જબરદસ્ત બરફવર્ષાના કારણે ત્યાં ગયેલા અનેક પર્વતારોહી ફસાઈ ગયા. જ્યારે આ પર્વતારોહકો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમાંથી 6 પર્વતારોહકો લપસી પડ્યા હતા. જો કે, સદનસીબે નીચેની તરફ ગબડેલા આ પર્વતારોહકોને એક ચટ્ટાનનો ટેકો મળી જતાં તેઓ વધુ નીચે નહોતા ધસી ગયા.

આ અકસ્માત બાદ ત્યાં બેઝ કેમ્પમાંથી પણ કેટલાક લોકો ગાઈડને લઈને રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા પણ ભારે બરફવર્ષાના લીધે તેઓ તેમાં સફળ નહોતા થયા. પરિસ્થિતી એટલી વિષમ બની ગઈ હતી કે પર્વતારોહકો માટે હવે ત્યાંથી નીકળવું એક ચેલેન્જ બની ગયું હતું. લશ્કરના કેપ્ટન અંકિત સિરોહી અને નૌકા દળના સુભીરકુમાર સિંઘ પણ આ ફસાયેલા લોકોમાં સામેલ હતા.

ઘટનાની ગંભીરતા જોઈને તત્કાળ જ લેહ પ્રશાસનને ઈમરજન્સી મેસેજ મોકલીને મદદ માગવામાં આવી હતી. જે બાદ આખા રેસ્ક્યુ મિશનની જવાબદારી વાયુસેનાનાં મહિલા પાઈલટ સુરભિ સક્સેનાને સોંપીને તેમને ચિતલ હેલિકોપ્ટર સાથે ઘટનાસ્થળે જવા રવાના કરાયાં હતાં.

આ આખું રેસ્ક્યુ ઓપરેશન પ્રતિકૂળ હવામાનના લીધે જોખમી હતું. પરંતુ જોખમ અને બચાવથી સંપૂર્ણ વાકેફ એવાં ભારતીય હવાઇ દળનાં મહિલા પાઇલટ સુરભિ સક્સેનાએ કોઠાસૂઝથી આ બંને અધિકારીને ઊગારી લેવાનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાથી પાર પાડ્યું હતું. તેમની સાથે મહિલા અધિકારી અન્વી લવાસા પણ જોડાયાં હતાં.

આ ઘાટીમાં હેલિકોપ્ટરને ઉતારવામાં પણ જોખમ હતું જેના કારણે લેન્ડિંગનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ પણ રહ્યો હતો. જો કે, પોતાની ધીરજ અને કુનેહનો પરિચય આપીને સુરભિએ બીજા પ્રયત્નમાં સફળ લેન્ડિંગ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો