ઘણીવાર જિંદગીમાં એવા કિસ્સા બની જતા હોય છે જે, આપણને જીવવા માટેનો કોઈ લક્ષ્ય આપી જાય છે. આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરનો રહેવાસી શિવની સ્ટોરી પણ આ વાક્યને મળતી આવે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં શિવના નાના ભાઈનું તળાવમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયું હતું. તે દિવસથી આજદિન સુધી શિવે પાણીમાં કૂદીને આત્મહત્યા કરવા માટે આવતાં 107 લોકો બચાવી ચૂક્યો છે.
સ્થાનિકો માટે બન્યો લાઇફગાર્ડ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન શિવે કહ્યું કે, મારા નિઃસ્વાર્થ સોશિયલ વર્કને લીધે લોકો મારા વખાણ કરે છે. મારો નાનો ભાઈ મહેન્દ્ર મારા દિલની ઘણો નજીક હતો. 12 વર્ષની ઉંમરે મેં પોતાના હાથથી નાના ભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આટલી નાની ઉંમરમાં ભાઈને ખોઈ દેવાનું દુઃખ મારાથી સહન નહોતું થયું, પણ તે દિવસથી મેં નક્કી કર્યું કે, હું જીવીશ ત્યાં સુધી ડૂબતાલોકોને બચાવી લઈશ. ભાઈના મોતે શિવને જીવનમાં એક મિશન સોંપી દીધું. આજની તારીખમાં પણ શિવ લાઇફગાર્ડ બનીને બંડ તળાવની નજીક રહે છે.
107 લોકોને નવજીવન આપ્યું
શિવ આ તળાવમાં આત્મહત્યા કરવા આવતાં લોકોને પ્રેમથી સમજાવીને જીવનનું મુલ્ય સમજાવે છે. આ ઉપરાંત તળાવમાં ન્હાવા પડતાં લોકોનું પણ ખાસ ધ્યાન રાખે છે. અત્યાર સુધી શિવે 107 લોકોના જીવ બચાવી લીધા છે.
બીજાને બચાવવામાં પોતાને ઈજા થઈ
વધુમાં તેણે કહ્યું કે, પોલીસે મારું આ કામ જોઈને મને હોમગાર્ડની નોકરી આપવાનો વાયદો કર્યો હતો, પણ મને હજુ સુધી કોઈ નોકરી મળી નથી. મેં કોઈ સેફ્ટી સાધનો વગર 107 લોકોનો જીવ બચાવ્યો છે. સરકાર મને સેફ્ટી સાધનો આપે તો, હું મારું કામ વધારે સારી રીતે કરી શકું તેમ છું. શિવને તળાવમાં ડૂબતાલોકોનો જીવ બચાવવા જતાં ઘણી વખત ઈજા પહોંચી છે.
ડીસીપીની વિનંતી
ડીસીપી વિશ્વા પ્રસાદે એએનઆઈને કહ્યું કે, શિવ હંમેશાં તળાવમાં ડૂબતાલોકોને બચાવીને અમને મદદ કરે છે. મેં હાલમાં જ તેલંગણાના સોશિયલ વેલ્ફેર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના ચેરમેન પ્રવીણ કુમારને શિવના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મળે તે માટે વિનંતી કરી છે. અમને આશા છે કે, સરકાર શિવની મદદ કરવા માટે ચોક્કસથી આગળ આવશે.