ગાંધીનગરના તારાપુરના પતિએ પત્નીના ત્રાસથી કંટાળી કેનાલમાં પડતું મુક્યું હતું. જોકે, પાણીના વહેણમાં એક કિ.મી સુધી તે તરતો રહ્યો હતો. આ દરમિયાન ફાયરની ટીમ ત્યા પહોંચી દોરડું નાખતાં જ તે પકડીને બહાર આવી ગયો હતો. સવારે વાયદા મુજબ ચાંદીનો શેરો નહીં લાવતાં પત્નીએ માથાકૂટ કરતાં રોજ રોજની કચકચથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પતિએ દારૂ ઢીંચીને નભોઈ કેનાલમાં છલાંગ લગાવી લીધી હતી.
આ દરમિયાન પાણીના વહેણમાં હાથ પગ મારવાની શરૂઆત કરતાં તે એક કિલોમીટર સુધી તરતો તરતો સુઘડ કેનાલ તરફ આવી પહોંચ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડ સ્ટાફે દોરડું નાખતાં જ પકડીને કેનાલની બહાર આવી ગયો હોવાની રમૂજી ઘટના સામે આવી છે.
ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા કેનાલ ડાઈંગ સ્પોટ બની ચૂકી છે. છાશવારે નર્મદા કેનાલમાંથી મૃતદેહો મળતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. કેનાલનું પાણી ઉપરથી શાંત અને નીચે વહેણ સાથે વહેતું હોવાથી ભાગ્યે જ કોઈ બચી શકતું હોય છે. ત્યારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ઘરકંકાસના કારણે ક્ષણિક આવેશમાં કેવી ઘટના ઘટી જાય તેનો પણ અંદાજ લગાવી શકાય છે.
પત્ની ચાંદીની શેરો લઈ આપવા માટે જીદ કરતી હતી
ગાંધીનગરના તારાપુર ગામે રહેતો 33 વર્ષીય પરબત ઠાકોર પાસે છેલ્લા ઘણા દિવસથી તેની પત્ની ચાંદીનો શેરો લઈ આપવા માટે કહ્યા કરતી હતી. જેનાં લીધે દંપતી વચ્ચે નાની નાની તકરારો થવા માંડી હતી. જે થોડા દિવસ શાંત થયા પછી ફરી પાછી પત્ની ચાંદીનો શેરો યાદ કરીને પરબતને ટૉર્ચર કર્યા કરતી હતી. પરંતુ પરબત પાસે પૈસાની સગવડ ન હોવાથી તે પત્નીની ઈચ્છા પૂર્ણ કરી શકતો ન હતો.
પત્નીએ ઉગ્ર ઝગડો કરી ના કહેવાનાં શબ્દો બોલી નાખ્યાં
એક દિવસ દંપતી વચ્ચે ફરી પાછો આજ બાબતે માથાકૂટ થતાં પરબતે તેની પત્નીને આજે 10 મી ડિસેમ્બરનો વાયદો કર્યો હતો. પરંતુ આજે પણ તે ચાંદીની શેરોની ખરીદી કરી શક્યો ન હતો. જેથી પત્નીએ તેની સાથે ઉગ્ર ઝગડો કરી ના કહેવાનાં શબ્દો બોલી નાખ્યાં હતા. આખરે પત્નીના ત્રાસથી કંટાળીને પરબત બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો અને કોઈ જગ્યાએ જઈ દારૂ ઢીંચી લીધો હતો.
એક કલાક સુધી સતત તરતો રહ્યો
ત્યારબાદમાં પત્નીની રોજ રોજની કચકચથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પરબત નભોઈએ નર્મદા કેનાલ છલાંગ લગાવી લીધી હતી. કેનાલમાં પડતાં જ તે ધસમસતા વહેણમાં તણાવા લાગ્યો હતો. એટલે પરબતે હાથ પગ ચલાવવાનું શરૂ કરી દેતાં તે તરવા લાગ્યો હતો. આમને આમ એક કિલોમીટર સુધી તરતો તરતો સુઘડ કેનાલ આવી પહોંચ્યો હતો. એક કલાક સુધી સતત તરતા રહેવાના કારણે પરબતનો દારૂનો નશો પણ ઉતરી ગયો હતો.
દોરડું પકડી લઈને કેનાલની બહાર આવી ગયો
આ દરમિયાન કોઈ રાહદારીએ કેનાલમાં પરબતને તણાતા જોઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ તાબડતોબ કેનાલ પર દોડી ગઈ હતી. ફાયરની ટીમે કેનાલમાં દોરડું નાખ્યું હતું. એ જ ઘડીએ દોરડું પકડી લઈને કેનાલની બહાર આવી ગયો હતો.
આ બનાવની જાણ થતાં પોલીસની પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી. પોલીસે તેની પુછતાછ કરતા પરબતે થોડું થોડું તરતાં આવડતું હોવાની વાત કહેતા જ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં તેના પરિવારજનો પણ દોડી આવ્યાં હતા.
ત્યારબાદ તેને કોબા ચોકી લઈ જવાયો હતો. જ્યાં ચોકીના એએસઆઈ વિનીતભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ એ વધુ પૂછપરછ કરતાં પત્ની ચાંદીની શેરો માટે ત્રાસ આપતી હોવાની પરબતે કબૂલાત કરી હતી. કેનાલમાં એકાદ કિલોમીટર સુધી કેવી રીતે તરતો હતો એવું પૂછતાં તેણે થોડું થોડું તરતા આવડતું હોવાની કબૂલાત કરતાં અહીં પણ રમૂજ પ્રસરી ગઈ હતી. જોકે, પોલીસે તેનું નિવેદન નોંધી કડક સૂચના આપીને પત્નીને પણ ઝગડો નહીં કરવા સમજાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..