ઉનાળાની ગરમીની અસર છોડ પર પણ પડે છે. સામાન્ય રીતે આ સીઝનમાં છોડને પાણી આપવા છતાંય છોડ મૂરઝાઈ જાય છે અથવા તો સૂકાઈને પાંદડા ખરી પડે છે. જો તમે ઘરમાં માવજતથી વાવેલા છોડની આવી હાલત જોઈને જીવ બળતો હોય તો આજે અમે તમને એક એવા જુગાડ વિષે જણાવવા જઈ રહ્યા છે જે તમારા છોડને ઉનાળામાં પણ મૂરઝાતા બચાવી લેશે. આ માટે તમારે ખાસ કશું જ કરવાનું નથી.
પાણીની બોટલનો ઉપાયઃ
તમારા કૂંડામા છોડના મૂળિયાથી 2-3 ઈંચ દૂર એક ખાડો કરો. કૂંડાની સપાટીથી બે ત્રણ ઈંચ ઊપર સુધી માટી રહે તે રીતે ખાડો કરો.
પાણીની બોટલમાં બે કે ત્રણ કાણા પાડોઃ
હવે એક નાની પ્લાસ્ટિકની બોટલ લો. તેમાં મોટા સોયાથી બે કે ત્રણ જેટલા કાણા પાડો, વધારે નહિ. આ બોટલને કૂંડામાં જે ખાડો ખોદ્યો છે તેમાં ગોઠવી દો. ગોઠવતી વખતે કાણા કૂંડાના મૂળિયા તરફ રહે એ ધ્યાન રાખો. બોટલનું મુખ ખુલ્લુ રાખીને આસપાસના વિસ્તારમાં માટી નાંખી કવર કરી દો.
ઉનાળામાં આ રીતે સૂકાશે નહિ છોડઃ
આટલું કર્યા બાદ બોટલના ઢાંકણામાંથી પાણી રેડી આખી બોટલ પાણીથી ભરી દો. આમ કરવાથી ઉનાળામાં પણ છોડને મૂળિયા સુધી પાણી મળતુ રહેશે જેથી તમારો છોડ સૂકાશે નહિ. આ ટ્રિકથી ઉનાળામાં વારંવાર છોડને પાણી આપવાની જરૂર પણ નહિ પડે અને છોડ સૂકાશે પણ નહિ.