કાર સર્વિસમાં આપતી વખતે લોકોનાં મનમાં કાયમ એ સવાલ ઊભો થતો રહે છે કે સર્વિસ સેન્ટર પર કરાવવી કે લોકલ મિકેનિક પાસે. ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ આ કન્ફ્યુઝન ઓર વધે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સર્વિસિંગ વખતે જાતભાતનાં કારણો આપીને તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે છે. અમે કેટલાક ઓટો એક્સપર્ટ્સનો સંપર્ક સાધ્યો, જેમણે નામ ન આપવાની શરતે બહુ મહત્ત્વની વાતો કહી છે. આપ પણ જાણી લો…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પહેલું બહાનુંઃ ઓઈલ કાળું પડી ગયું છે, ચેન્જ કરવું પડશે
સર્વિસ સેન્ટર કે ગેરેજવાળા કારનું ઓઈલ કાળું પડી ગયું હોવાનું કહીને નવું નખાવડાવે છે, પરંતુ આ વાત સદંતર ખોટી છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે ગમે તેટલું સારું ઓઈલ પણ એન્જિનમાં ગયા બાદ કાળું પડી જ જાય છે. ડીઝલ ગાડીઓમાં તો થોડા સમયમાં જ તે કાળું પડી જાય છે. જો તમને થોડોઘણો અનુભવ હોય તો ઓઈલ ડિપની મદદથી તેની વિસ્કોસિટી, ક્વોલિટી, ટેક્સચર વગેરે જોઈને તેની ક્વોલિટી અને બદલવાની જરૂર છે કે કેમ તેનું અનુમાન લગાવી શકો છો.
જો આવો કોઈ અનુભવ ન હોય તો બેસ્ટ એ જ છે કે તમારા સર્વિસ રેકોર્ડને આધારે જ ઓઈલ ચેન્જ કરાવો. એક વર્ષ અથવા તો દસ હજાર કિલોમીટર, બેમાંથી જે પૂરું થાય એટલે તરત જ કારની સર્વિસ કરાવી દો. તેમાં સાથોસાથ ઓઈલ પણ બદલાવી નાખો. સેમી સિન્થેટિક ઓઈલની નોર્મલ લાઈફ દસ હજાર કિલોમીટર હોય છે. મિનરલ ઓઈલની લાઈફ તો તેના કરતાં પણ ઓછી હોય છે. ફુલ સિન્થેટિક ઓઈલ 15 હજાર કિલોમીટર ચાલે છે, પણ તેમાં 10 હજાર કિલોમીટર થયા પછી ટોપઅપનું ચેકિંગ કરાવી લેશો. કેમ કે, ગરમ થયા પછી થોડું ઓઈલ ઊડી જાય છે. લોકલ મિકેનિક હોય કે ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર, ઓઈલ તમારી નજર સામે જ ચેક કરાવશો તો વધુ યોગ્ય રહેશે.
બીજું બહાનુંઃ ફુલ સિન્થેટિક ઓઈલ નંખાવી લો, ગાડીની લાઈફ વધી જશે
ફુલ સિન્થેટિક ઓઈલથી એન્જિનની લાઈફ વધે છે એ સાચું, પણ તે નખાવવું કે કેમ તેનો આધાર કારના રનિંગ પર છે. સિન્થેટિક ઓઈલ નોર્મલ ઓઈલ કરતાં ત્રણ ગણું મોંઘું હોય છે. બધાને તે નખાવવું જરૂરી નથી હોતું, પણ મિકેનિક વધુ પૈસા કમાવાની લાલચમાં તમને તે જ નખાવવાનો આગ્રહ કરે છે. તમારી કાર ટેક્સી તરીકે ચાલતી હોય કે રનિંગ બહુ વધારે હોય તો જ ફુલ સિન્થેટિક ઓઈલ નખાવો.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર સેમી સિન્થેટિક અને ફુલ સિન્થેટિક ઓઈલની સીધી અસર કારના એન્જિન, રનિંગ અને વિઅર એન્ડ ટિઅર પર પડે છે. વધુ ચાલતી કારમાં સિન્થેટિક ઓઈલથી વિઅર એન્ડ ટિઅર ઓછું થાય છે.
ફુલ સિન્થેટિક ઓઈલથી એન્જિનનું પર્ફોર્મન્સ સારું મળશે. ઠંડીની સિઝનમાં પણ આ ઓઈલ એન્જિનમાં ફટાફટ ફેલાઈ જાય છે અને જામતું નથી. જો તમે બહુ ઠંડા પ્રદેશમાં રહેતા હો અને તમારી કારનું રનિંગ ઠીકઠાક હોય તો કમ સે કમ સેમી સિન્થેટિક ઓઈલ નખાવવું.
ત્રીજું બહાનુંઃ વ્હીલ એલાઈનમેન્ટ-બેલેન્સિંગ કરવું પડશે
બિલ વધારવા માટે તમારી પાસે નાહકનું વ્હીલ એલાઈનમેન્ટ અને બેલેન્સિંગ કરાવવાનું કહેવામાં આવી શકે છે. પરંતુ તમે ટાયરની સ્થિતિ જોઈને તેની જરૂર છે કે કેમ તે જાણી શકો છો. જો આગળનાં ટાયર અનિયમિત રીતે ઘસાઈ ગયાં હોય, જેમ કે, અંદરની બાજુએ ગ્રિપ હોય અને બહારની બાજુએ ઘસાઈ ગયાં હોય અથવા તો તેનાથી ઊંધું હોય, તો સમજવું કે વ્હીલ અલાઈનમેન્ટની જરૂર છે.
જો હાઈ સ્પીડ (લગભગ 80 કિમી પ્રતિ કલાક) પર સ્ટિયરિંગમાં જર્ક કે વાઈબ્રેશન આવતાં હોય તો બેલેન્સિંગની જરૂર છે. જો આમાંથી કોઈ તકલીફ અનુભવાતી ન હોય તો નાહકના પૈસા ખર્ચવાની જરૂર નથી. બાકી દર પાંચ હજાર કિલોમીટરે વ્હીલ બેલેન્સિંગ અને એલાઈનમેન્ટ કરાવી લેવું જોઈએ અને 10 હજાર કિલોમીટર પર વ્હીલ રોટેશન કરવું જોઈએ.
ચોથું બહાનુંઃ કૂલિંગ નથી થઈ રહ્યું, એસી ફિલ્ટર બદલાવો
એસી ફિલ્ટર ક્યારે ચેન્જ કરાવવું જોઈએ તે વાતની મોટા ભાગના લોકોને ખબર હોતી નથી અને તેનો જ ફાયદો મિકેનિક ઉઠાવે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે દર 20 હજાર કિલોમીટર ગાડી ચાલે એ પછી એસી ફિલ્ટર ચેન્જ કરવું જોઈએ.
ગરમીની સિઝન શરૂ થાય તે પહેલાં એક વાર એસી ચેક કરાવી લેવું. આનાથી કારમાં કૂલિંગ બરાબર ન આવવાની અને ફિલ્ટરમાં ફ્રેશ એર જામ થઈ જવાની ફરિયાદનો નિકાલ થઈ જશે.
પાંચમું બહાનુંઃ બેટરી ચેન્જ કરવી પડશે, ખરાબ થઈ ગઈ છે
બગડી ગયેલી બેટરીનું બહાનું કાઢીને મિકેનિક લોકો તેનો પણ ખર્ચો કરાવે છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે બેટરી લેવલ મેન્ટેન રહે અને ગાડી પ્રોપર ચાલતી રહે તો બેટરીમાં લાંબા સમય સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. વર્ષે એકાદ બે વખત બેટરીનું પાણી ચેક કરાવી લો.
જો બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો નજીવા ખર્ચમાં તેને રિચાર્જ કરાવી શકાય છે. અલ્ટિનેટર ખરાબ હોય તોય બેટરી ડ્રેઈન થવાના ચાન્સ રહે છે. એટલે તે પણ ચેક કરાવી લેવું. આમ છતાં બેટરીમાં પ્રોબ્લેમ આવતો હોય તો પછી નવી બેટરી નખાવવા વિશે વિચારી શકાય.
છઠ્ઠું બહાનુંઃ એર ઓઈલ ફિલ્ટર ખરાબ થઈ ગયું છે, બદલવું પડશે
આ કારણ આગળ ધરવામાં આવે ત્યારે ગ્રાહક પાસે હા પાડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. આ મુદ્દે લોકલ મિકેનિક ઘણી વાર ઝોલઝાલ કરે છે. ઓરિજિનલ કહીને લોકલ ફિલ્ટર પણ નાખી દે છે અને આપણને તે વિશે કોઈ માહિતી ન હોવાને લીધે આપણને તેની ખબર સુદ્ધાં પડતી નથી. આથી જ આ ફિલ્ટર ચેન્જ કરવાની જરૂર પડે તો ઓથોરાઈઝ્ડ સેન્ટર પર જ ચેન્જ કરાવવું.
સાતમું બહાનુંઃ એસીનો ગેસ લીક થયો છે, ભરાવવો પડશે
એસીનું કૂલિંગ ઘટે એટલે ગેસ ભરવાના નામે આપણી પાસેથી સારી એવી રકમ પડાવી લેવામાં આવે છે. એક્સપર્ટોના મતે આ કારણ આગળ ધરીને ગ્રાહકોને સૌથી વધુ છેતરવામાં આવે છે. દરેક કંપની કૂલિંગ માટે અલગ અલગ ગેસ વાપરે છે. જ્યાં સુધી લીક ન થાય ત્યાં સુધી તે લાઈફટાઈમ માટે ચાલતો રહે છે.
પરંતુ સામાન્ય ગ્રાહક પાસે એસીમાં ગેસ છે કે લીક થઈ ગયો છે તે ક્રોસ ચેક કરવાનો કોઈ રસ્તો હોતો નથી. ગાડીની સાઈઝ પ્રમાણે તેમાં 250 ગ્રામથી લઈને 600 ગ્રામ સુધીનો ગેસ હોય છે. જો તેનાથી ઓછો ગેસ હોય તો તે પ્રોપર કૂલિંગ નહીં આપે. આ વિષયમાં પણ યોગ્ય જગ્યાએ અને પ્રોપર માહિતી લઈને જ આગળ વધવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..