તાજેતરમાં જ આવેલી દક્ષિણ ભારતીય ફિલ્મ `જય ભીમ’માં દર્શાવવામાં આવેલુ કે સમાજના નીચલા વર્ગના સમુદાયના લોકોને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવીને કેવો અમાનુષી ત્રાસ અપાય છે. આ જ ફિલ્મની કથાવસ્તુ જેવી જ દર્દનાક ઘટના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જોવા મળી છે. જેમાં, ધંધુકા પોલીસના અમાનુષી ત્રાસનો ભયાવહ ચહેરો નજરે પડ્યો છે.
આ કેસમાં, હાઈકોર્ટના સિંગલ જજે આદેશ કર્યો છે કે, `અમદાવાદ રેંજના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ( આઈજી) જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તપાસ કરાવીને રિપોર્ટ રજૂ કરે. આ કેસની તપાસ એસપી કક્ષાના અધિકારી દ્વારા કરાવવામાં આવે. આ રિપોર્ટ રજૂ થયા બાદ, કોર્ટ સરકારને સાંભળ્યા પછી નિર્ણય લેશે કે આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સામે શું પગલા લેવા ?’ આ ઉપરાંત, હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, ‘ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જણાવે કે પોલીસના અમાનુષી ત્રાસનો ભોગ બનેલા આ ચાર પિડીતોને વળતર શા માટે ચુકવવુ જોઈએ નહીં ?’
પોલીસે અમાનુષી ત્રાસ ગુજાર્યો
હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, `આ કેસમાં પ્રાથમિક ધોરણે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચારેય પિડીતોને પોલીસ દ્વારા ખોટી રીતે કેસમાં ફસાવી દેવામાં આવેલા છે. ખોટી રીતે ગુનો કબુલવા માટે પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાં માર્યા છે અને અમાનુષી ત્રાસ ગુજાર્યો છે. ‘
ડીવાએસપી- એસપીએ તપાસમાં ઉદાસીનતા દાખવી
હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે, `વિરમગામના તત્કાલીન ડીવાયએસપી અને અમદાવાદ રૂરલના તત્કાલીન એસપીએ જવાબદાર પોલીસ કર્મચારીઓને બચાવવા માટે તપાસમાં ઉદાસીન વલણ દાખવી, અર્ધહદયી (half hearted) રિપોર્ટ કોર્ટમાં રજૂ કરેલો છે. ડીવાયએસપી અને એસપી સ્તરના ઉચ્ચઅધિકારીઓના આ વલણને ક્યારેય સ્વીકારી શકાય નહીં.’
અરજદારના વકીલની રજૂઆત
હાઈકોર્ટમાં અરજદારના વકીલ હાર્દિક જાનીની રજૂઆત હતી કે, `વર્ષ 2015માં ધંધુકા પોલીસના કર્મચારીઓએ પ્રમોશન મેળવવાની લાલચમાં દેવીપૂજક સમાજના ગર્ભવતી મહિલા સહિત ચાર નિર્દોષ લોકોને વર્ષ 2013-14ના વણઉકેલ્યા પાંચ કેસ (ધંધુકાના બે, બરવાળાના બે અને ધોલેરાના એક કેસ) માં સંડોવી દીધેલા. ધંધુકા પોલીસે આ નિર્દોષ લોકોને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારીને અને અમાનુષી ત્રાસ આપીને ખોટી રીતે ગુનો કબુલાવેલો. ધંધુકા પોલીસે જ્યારે તેમને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ફરિયાદીએ જ નિવેદન આપેલુ કે, ધંધુકા પોલીસે પકડેલા આ લોકો સાચા આરોપી નથી. જેથી, ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ છોડેલા.’
બરવાળા પોલીસની તપાસમાં ધંધુકા પોલીસનુ જૂઠ પકડાયુ
અરજદારના વકીલની એ પણ રજૂઆત હતી કે, `બરવાળા પોલીસ સ્ટેશનના કેસમાં પણ ફરિયાદીનુ નિવેદન હતુ કે ધંધુકા પોલીસે પકડેલા આ લોકો સાચા આરોપી નથી. આ પછી, બરવાળા પોલીસે આ અંગે તપાસ કરી તો બહાર આવ્યુ કે, આ લોકોને ધંધુકા પોલીસે કેસમાં ખોટી રીતે સંડોવ્યા છે. જેનો રિપોર્ટ બરવાળા કોર્ટના જજ સમક્ષ રજૂ કરાયેલો, જેથી, ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ છોડેલા. આ કેસમાં બરવાળા પોલીસે બરવાળાના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરનુ સર્ટીફિકેટ પણ રજૂ કરેલુ છે. આ મેડિકલ સર્ટીફિકેટ મુજબ ધંધુકા પોલીસના ઢોર મારના લીધે પિડીતોના શરીર પર ઈજાના અનેક નિશાન રહેલા છે.’
અરજદારની માગ
ધંધુકા પોલીસના આ અમાનુષી ત્રાસ સામે પિડીતોએ ન્યાય માટે હાઈકોર્ટમાં અરજી કરેલી. અરજદારોની માગ છે કે,` જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલા લો અને રાજ્ય સરકાર તેમને વળતર ચુકવે.’
કેસની વિગત
અરજદારના વકીલના મતે, `આ ચારેય પિડીતો ખેત મજૂર છે. તેઓ ઈમાનદારી અને મહેનત સાથે તેમની રોજગારી મેળવતા હતા. તેઓ સમાજના નીચલા વર્ગના સમુદાયના હોવાથી ધંધુકા પોલીસે તેમને ખોટા કેસમાં ફસાવેલા. પોલીસની આ ખોટી હેરાનગતિના લીધે તેમનુ જીવન નર્કથી પણ બદતર બની ગયુ હતુ.’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..