કોરોના મહામારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પોતાનાં વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાંક લોકો નવાં વાહનો ખરીદી રહ્યાં છે, જ્યારે કેટલાક સેકન્ડ હેન્ડ વાહનો ખરીદી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં ઓનલાઈન સેકન્ડ-હેન્ડ વાહનો ખરીદવાના ચક્કરમાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા છે, જો કે, ઘણી વખત લોકલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ વાહન ખરીદતી વખતે પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો તમે પણ સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો, આ રિપોર્ટમાં વાંચો કે કાર ખરીદતી વખતે તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો…
1. મિકેનિક પર વધારે પડતો વિશ્વાસ ન કરો
- ઘણી વાર લોકોએ સાંભળ્યું હશે કે જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો, ગાડી ચેક કરવા માટે પોતાનો જ મિકેનિકને લઈ જવો. લોકો આવું કરે પણ છે અને અહીંથી શરૂ થઈ જાય છે આપણી મુશ્કેલીઓ. યુઝ્ડ કાર ડીલર સૂર્યા યાદવના જણાવ્યા પ્રમાણે, હંમેશાં લોકો સેકન્ડ હેન્ડ કાર પસંદ કરવા આવે છે ત્યારે તેઓ પોતાના મિકેનિકને સાથે લઈને આવે છે. ત્યારબાદ મિકેનિકના કહેવા પર ગ્રાહકો આંખ બંધ કરીને કાર ખરીદી પણ લેતા હોય છે. આ તેમની સૌથી મોટી ભૂલ હોય છે તેઓ મિકેનિક પર વધારે પડતો વિશ્વાસ કરે છે.
- તેમના જણાવ્યા પ્રમાણે, કે મિકેનિક અને ડીલરોને એક બીજાનું કામ પડતું હોય છે, કેમ કે, બંને એકબીજા પર નિર્ભર રહે છે, જ્યારે ગ્રાહકને ક્યારેક જ મિકેનિકનું કામ પડે છે. આવી સ્થિતિમાં કોઈપણ મિકેનિક હોય, દરેકનું કમિશન હોય છે. જો કાર વેચાય, તો મિકેનિકને બેથી ત્રણ હજાર રૂપિયાનું કમિશન મળે છે, અને ગ્રાહકને આ વાતની ખબર પણ નથી હોતી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેથી મિકેનિક પર વધારે પડતો વિશ્વાસ ન કરવો, કારણ કે, તેઓ પોતાના કમિશનના ચક્કરમાં તમારી પાસે જૂઠું બોલે છે, જેથી ડીલર સાથે તેનું કામ ચાલુ રહે.
2. ડીલરના કાર કલેક્શનથી પ્રભાવિત થશો નહીં
- હંમેશાં લોકો યુઝ્ડ કાર ડીલર્સનું કાર કલેક્શન જોઈને ઈમ્પ્રેસ થઈ જાય છે અને એવું વિચારે છે કે, તેની પાસે વધારે ગાડીઓ છે તો તે સારો ડીલર હશે. પરંતુ અહીં પણ ગ્રાહકો છેતરાઈ જાય છે. કેમ કે, આવા ડીલર તમામ પ્રકારની ગાડીઓ લઈ લે છે, પછી ભલે તે સારી હોય કે તેમાં કોઈ ખામી હોય.
- ત્યારબાદ ડીલર ગાડીઓને કલર કરાવે છે અને તેમાં થોડો સુધારો કરીને તેને વેચવા માટે ડિસ્પ્લેમાં મૂકે છે. જો કારમાં કોઈ સમસ્યા આવે છે તો મિકેનિક એવી રીતે વાત કરે છે કે, સામાન્ય વ્યક્તિ માટે તે સમજવું અશક્ય થઈ જાય છે અને ગ્રાહક મોટો સ્ટોક જોઈને તેમના પર વિશ્વાસ કરીને ગાડી ખરીદી લે છે. આ સમસ્યાથી બચવા માટે એવા ડીલર પાસે જવું, જેમની પાસે લિમિટેડ સ્ટોક હોય પરંતુ સારો સ્ટોક હોય.
3. જરૂર કરતાં વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો કંઈક તો ગડબડ છે
- ઘણી વખત ડીલર એક્સિડેન્ટલ ગાડી લઈ લેતા હોય છે અને તેમાં સુધારો કરીને અને સારી રીતે કલર કરીને તેને વેચવા માટે મૂકે છે. ગાડી ફટાફટ વેચાઈ જાય તે માટે ડીલર ગ્રાહકોને 30થી 40 હજાર કે તેનાથી વધારે પણ ડિસ્કાઉન્ટ આપે છે, અને ગ્રાહકો વિચારે છે કે મેં પૈસા બચાવ્યા છે અથવા આ મારા બજેટમાં આવી રહી છે અને ફરીથી તે છેતરાઈ જાય છે.
- જો ડીલર મોટું ડિસ્કાઉન્ટ આપે છે અને ગાડીનાં વખાણ કરે છે તો થોડું સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે, જો કોઈ વસ્તુ સારી હોય તો તેની કિંમત સાથે કોઈપણ કોમ્પ્રોમાઈઝ નહીં કરે પરંતુ કંઈક ખામી હશે તો વધારે ડિસ્કાઉન્ટ આપીને ગાડી વેચવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશે. તેથી જરૂર કરતાં વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો લાલચમાં ન આવો, પરંતુ વિચારો કે ડીલર અચાનક કેમ આટલું મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે.
4. ઓનલાઈન કરતાં ઓફલાઈનને પ્રાધાન્ય આપો
- હાલમાં,ઓનલાઈન છેતરપિંડીના દરરોજ ઘણા કેસ સામે આવી રહ્યા છે, જેમાં છેતરપિંડી કરનારાઓ ડીલરોની કારને પોતાના નામે ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી દે છે અને તે પણ ઓછી કિંમતે, અને પોતાની ઓળખ આર્મીમેન તરીકે જણાવીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી પૈસા લઈ લે છે.
- તેથી ઓનલાઈન પ્લેટફોર્મના ચક્કરમાં ન પડવું અને કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. કારને ફિઝિકલી જોઈને ખરીદવી જેથી આરામથી તમે જોઈ શકો. તેનો ફાયદો એ થશે કે ગાડી અને ગાડીના માલિક બંને તમારી સામે હશે અને તમે યોગ્ય રીતે નિર્ણય લઈ શકશો.
5. ગાડી જોઈને ઉત્સાહિત ન થાવ, તેની ટેસ્ટ ડ્રાઈવ લો
- ઘણા લોકો ગાડીના લુકથી ઉત્સાહિત થઈ જતા હોય છે અને તમારી આ ઉતાવળને લીધે ડીલર તમારો ફાયદો ઉઠાવે છે. ડીલર કારનાં ફીચર્સ ગણાવશે, AC ચાલુ કરશે, સ્પીકર ચાલુ કરશે અને ગાડીની ચમક ગણાવશે અને તમે તેને માની લેશો. ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે તેવી ખાતરી પણ આપશે.
- પરંતુ આટલા માત્રથી તમે ઉત્સાહિત ન થાવ, સમજણથી કામ લો. ગાડીની તપાસ કરો. જો તમે અનુભવી છો તો ગાડી સ્ટાર્ટ કરી કેબિનમાં બેસીને વાઈબ્રેશન ચકાસો. જો કોઈ અનિયમિત સાઉન્ડ અથવા વાઈબ્રેશન હોય આવે, તો તેના વિશે ડીલરને પૂછો. એન્જિનમાં કોઈ ખામી ન હોવી જોઈએ.
- ગાડીની 2થી 3 કિલોમીટર સુધીની ટ્રાયલ-ટેસ્ટ ડ્રાઈવ લો. તેથી તમે એન્જિન અને ગિયરબોક્સ સારી રીતે ચકાસી શકશો. 1થી 2 કિલોમીટર સુધીની ટ્રાયલ લઈ ગાડી સ્ટાર્ટ કરો અને બોનેટ ખોલી ઓઈલ ડિપ બહાર કાઢો. જો તે જગ્યાથી સ્મોક બહાર આવી રહ્યો હોય અથવા ઓઈલના છાંટા આવી રહ્યા છે તો એક વાર કંપની સાથે કન્સલ્ટ કરો. સર્ટિફાઈડ કારની ખરીદી જ કરો.
6. ગાડી એક્સિડેન્ટલ તો નથી ને, તે આ રીતે ચેક કરો
પ્રથમ: સામાન્ય વ્યક્તિ ગાડી એક્સિડેન્ટલ છે કે કેમ તેની ચકાસણી કરી શકતી નથી. એક્સપર્ટ જણાવે છે કે, ડૂમ, પિલર અને ચેસિસ પરથી તેની માહિતી મેળવી શકાય છે. ચેસિસની નીચેની તરફ ચારે બાજુ જુઓ કોઈ બેન્ડ અથવા પ્લેટ લાગેલી છે તો કોઈ ગરબડ હોઈ શકે છે.
બીજો: બોનેટ ખોલીને એન્જિનની પાછળના ભાગે જ્યાં સસ્પેન્શન દેખાય છે તે એરિયા તપાસો. ત્યાં તમને ડૂમ દેખાશે, જેના પર સસ્પેન્શન ટેકવેલું હોય છે. એક્સિડેન્ટ થાય ત્યારે સૌથી પહેલાં આ જ ભાગને નુકસાન પહોંચે છે. તેના પર કંપનીનું પેસ્ટિંગ હોય છે. એક્સિડન્ટ થાય અને એકવાર આ પેસ્ટિંગ નીકળી જાય, તો પછી ફરી પાછું તેને લગાવી શકાતું નથી. કંપની માત્ર નવી ગાડીઓમાં જ આ પેસ્ટિંગ કરી આપે છે, જૂની ગાડીમાં ફરીથી પેસ્ટિંગ નથી કરી આપતી. ડૂમ પર કંપનીનું પેસ્ટિંગ જોઈને નક્કી કરી શકાય છે કે ગાડી એક્સિડન્ટ વેઠી ચૂકી છે કે કેમ.
ત્રીજો: ગાડી એક્સિડેન્ટલ છે કે કેમ તેની તપાસ પિલરથી પણ કરી શકાય છે. દરવાજો ખોલીને પિલર્સ પર લાગેલાં રબર હટાવી જુઓ તો ઘણા બધા ડોટ દેખાશે. જો આ ડોટમાં ક્યાંક ક્રેક અથવા જોઈન્ટ જોવા મળે તો ગાડી એક્સિડેન્ટલ હોઈ શકે છે.
ચોથો: ગાડીને એકદમ સમતલ જગ્યાએ ઊભી રાખો. હેચબેક ગાડી છે તો 6થી 7 ફૂટ અને SUV છે તો 9થી 10 ફૂટ દૂર જઈને સેન્ટરમાં ઉભા રહો. ગાડીની બનાવટને ધ્યાનથી જુઓ. ગાડીની બેક સાઈડ પણ ચેક કરો. જો તમને બંને તરફથી ગાડીની બનાવટમાં કોઈ ફેરફાર જોવા મળે અર્થાત કોઈ ભાગ નમેલો અથવા ઉપસેલો લાગે, તો ગાડી એક્સિડેન્ટલ હોઈ શકે છે. તેની પુષ્ટિ કરવા માટે તે બાજુનાં રબર ખોલીને પિલર્સનું પેસ્ટિંગ ચેક કરો. કેમ કે, એક વખત આ પેસ્ટિંગ નીકળી જાય, પછી કંપની જેવા જ ફીનિશિંગની તેવું પેસ્ટિંગ કરવું અઘરું હોય છે.
7. જ્યાં સુધી બધાં પેપર ન મળે ત્યાં સુધી કાર ન ખરીદો
ડીલર્સ પાસે કાર ઘણી બધી જગ્યાએથી આવે છે. મોટેભાગે શોરૂમમાંથી એક્સચેન્જ કરાવેલી કાર હોય છે. આથી, સેકન્ડ હેન્ડ કાર ખરીદો તો આ ડોક્યુમેન્ટ પર ધ્યાન આપો.
રજિસ્ટ્રેશન કાર્ડ (RC):
આ કાર માટે સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ છે, ગાડીની આખી કુંડળી તેના પર નિર્ભર હોય છે. કાર ક્યારે બની, ક્યારે રજિસ્ટર્ડ થઈ, મોડેલ નંબર, ચેસિસ નંબર, કલર, બોડી ટાઈપ આ બધી જ વિગતો કાર્ડ પર હોય છે. સેકન્ડ હેન્ડ કાર ખરીદતાં પહેલાં તેનું રજિસ્ટ્રેશન કાર્ડ ચેક કરો. કાર્ડ પર જુઓ કે ગાડી પર કોઈ લોન તો નથી ને. આ વાતની જાણકારી કાર્ડના નીચેના ભાગમાં હોય છે, કાર જે બેંકમાંથી ફાઈનાન્સ થાય છે તેનું નામ નીચે લખેલું હોય છે. જો રજિસ્ટ્રેશન કાર્ડ પર બેંકનું નામ લખેલું હોય, તો સૌથી પહેલાં કાર વેચનારા પાસેથી બેંકનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) જરૂર લો, નહિ તો કાર ટ્રાન્સફર કરાવવામાં તકલીફ પડે છે. કાર ફાઈનાન્સ થયેલી છે કે નહિ તેની જાણકારી તમે RTOની સાઈટ પર જઈને Hypothicated ઓપ્શન પર ક્લિક કરીને જોઈ શકો છો.
પોલીસ સ્ટેશનમાં જઈને ક્રાઈમ રિપોર્ટ કઢાવો:
RTO પર તમને એડ્રેસ મળી જશે, તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને કારનો ક્રાઈમ રિપોર્ટ કઢાવો. પોલીસ હેડક્વાર્ટરમાંથી પણ તે કઢાવી શકો છો. તેનાથી ખબર પડશે કે તમે જે કાર ખરીદી રહ્યા છો તે કોઈ ક્રાઈમમાં ઉપયોગમાં લેવાઈ છે કે નહિ કે તેની પર કોઈ કેસ ચાલે છે કે નહિ. સાથે જ RTOમાંથી એ પણ ખબર પડશે કે કાર પર કોઈ પ્રકારનું ચલણ છે કે નહી. આ માહિતી મેળવવી જરૂરી છે, નહીંતર આગળ જતાં તકલીફ પડી શકે છે.
સેલ લેટરનું મહત્ત્વ સમજો:
કાર વેચી રહ્યા હો કે ખરીદી રહ્યા હો, તો સેલ લેટર ઘણો મહત્ત્વનો દસ્તાવેજ છે. કાર વેચી રહ્યા હો તો RTOમાં જઈને સેલ લેટર પર સાઈન કરવાનું ન ભૂલો, જેથી ભવિષ્યમાં કારનો અકસ્માત થાય તો તેના જવાબદાર તમે ન બનો. જેને કાર વેચો તેની પાસે એક એગ્રીમેન્ટ પણ કરાવી શકો છો. આ જ પ્રકારે કાર ખરીદતી વખતે સેલ લેટરનું મહત્ત્વ સમજો અને ડીલર પાસે પણ સેલ લેટર ચોક્કસ માગો, જેના પર RTOનું સીલ અને સાઈન હોય. આમ કરવાથી કાર તમારા નામે કરાવવામાં કોઈ તકલીફ નહી થાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..