તાજેતરમાં રાજય સરકારે શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે લાયસન્સ લેવુ પડશે તેવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. સરકારના કાયદાના વિરોધમાં જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ તા. 6ને બુધવારે એકઠા થયા હતા. અને કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરીમાં લેખીત રજુઆત કરી આ કાળા કાયદાને દુર કરવા માંગ કરી હતી.
ગુજરાતના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ અને જાહેર સ્થળો પર રખડતા ઢોરની અવરજવર પર પ્રતીબંધ મુકવાના ઉદ્દેશથી રાજય સરકારે વિધાનસભામાં ગત શુક્રવારે એક બીલ પસાર કર્યુ છે. વિપક્ષના વિરોધ વચ્ચે 7 કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ સરકારે બહુમતીના જોરે પસાર કરેલા આ બિલ મુજબ પશુપાલકોને આવા પ્રાણીઓને શહેરમાં રાખવા માટેનું લાયસન્સ લેવુ ફરજીયાત કરાયુ છે. જો પશુપાલકો આવુ લાયસન્સ ન લે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. સમગ્ર રાજયમાં આ બિલનો વીરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકો અને માલધારીઓ તા. 6 એપ્રીલને બુધવારે એકઠા થયા હતા. દુધઈ મંદીરના રામબાલકદાસબાપુ, કમીઝળાના કેહુબાપુ, ગેડીયાના મુળદાસબાપુ, દુધરેજ વડવાળા મંદીરના પ્રતીનીધી બાપુ સાથે જિલ્લાના પશુપાલકો અને માલધારીઓએ કાળા કાયદાને દુર કરવા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પશુપાલકો સતીશ ગમારા, સુખાભાઈ ઝાંપડા, બળદેવભાઈ માંગુડા સહીતનાઓએ રજુઆત કરતા જણાવ્યુ કે, ગાયને પુંછડે ભાજપ સરકારે સત્તા મેળવી છે. ત્યારે સત્તા મળ્યા બાદ સરકાર ગાયને જ ભુલી ગઈ છે. આવા કાળા કાયદાથી ફરી ઈન્સપેકટર રાજ આવશે અને પશુપાલકો અને માલધારીઓની હેરાનગતી થશે. કોરોના કાળમાં જીવના જોખમે ઘરે ઘેર દુધ પહોંચાડવાનું કામ માલધારીઓએ કર્યુ છે. જયારે જિલ્લા અને રાજયમાં આવેલ શ્વેતક્રાંતીમાં માલધારીઓ અને પશુપાલકોનો મહત્વનો ફાળો રહેલો છે. માલધારી સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે. ત્યારે વર્ષોથી ભાજપ તરફી રહેવા છતાં પણ સરકાર પાસે આવા કાળા કાયદાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય. આથી પશુ લાયસન્સના કાળા કાયદાને તાત્કાલીક મુલતવી રાખવા રજુઆતના અંતે માંગ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..