પાડોશી સાથેની દુશ્મનીમાં ક્રૂરતાની હદ વટાવી: વડોદરાના દશરથમાં પશુપાલકે વાડામાં ઘૂસી આવેલી પડોશીની ગાયના બે પગ કાપી નાખ્યા

વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં એક પશુપાલકના વાડામાં પડોશીની ગાય ઘૂસી આવતા તેણે ધારીયાના ઝટકા મારી ગાયના બંને પગ કાપી નાંખ્યા હતા. પાડોશી પશુપાલક સાથેની દુશ્મની ગાય ઉપર કાઢનાર પશુપાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગાયના પગ કાપી નાખતા 1962 એનિમલ સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરવામાં આવી હતી.

છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામના ઈન્દિરાનગરી ભરવાડ વાસમાં રહેતા જયેશ જગુભાઈ ભરવાડ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે તેમને ત્યાં વાહનમાં શેરડીનો જથ્થો આવ્યો હોવાથી તેઓ પોતાની ગાયને ઘર પાસે છૂટ્ટી મુકી હતી અને ત્યારબાદ તેઓ માતાને ગાય આવે એટલે બાંધી દેજો તેમ કહી નોકરી ઉપર ગયા હતા.

બંને પગ પર તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા
દરમિયાન મધરાતે તેઓ નોકરી પર હતા, ત્યારે પડોશમાં રહેતા દિપકભાઈએ તેઓને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની ગાય દુકાન પાસે લોહીલુહાણ હાલતમાં પડી છે, જેથી તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારે તેમની ગાયના પાછળના બંને પગ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું અને તે ઉભી થઇ નહી શકતી હોવાનું જણાયું આવ્યું હતું. ત્યારબાદ તેઓએ તપાસ કરતા ગોવિંદભાઈ ભરવાડે તેમની ગાય પર હુમલો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો
તેમની ગાય અગાઉ પણ વાડામાં ગઇ હતી, ત્યારે લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી આ વખતે પણ તેમણે હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે 1962 એનિમલ ઇમરજન્સી પર ફોન કરી ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરાવી હતી. તેમજ સમગ્ર બનાવ અંગે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાય ઉપર હુમલો કરનાર ગોવિંદભાઇ જીવણભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો