હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓલપાડમાં 12, ખંભાતમાં 13.5 અને ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના વરસાદના આંકડા મુજબ, આજે સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં 301 મિમિ એટલે કે 12 ઈંચ, આણંદના ખંભાતમાં 337 મિમિ એટલે કે 13.5 ઈંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં 210 મિમિ એટલે કે 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં ખંભાતમાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ 179 મિમિ એટલે કે બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના ઓલપાડમાં સવારના 8થી 10 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ 209 મિમિ એટલે કે 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.
ખંભાતમાં 9 કલાકમાં સાડા તેર ઇંચ વરસાદ
ખંભાત શહેરમાં સવારથી મેધરાજ પધરામણી સવારથી સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું,બપોરના 12 થી 3માં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન સાડાતેર ઇંચ વરસાદ વરસ્યો છે.જેના પગલે સાલવા,જહાંગીરપુર,રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા.ભારે વરસાદના પગલે નગરજનો ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.તેની સામે 9 કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબકતા સીઝન વરસાદની ખોટ ભાગી નાંખી હતી. તેમજ નગરજનો વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે.
ઓલપાડમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ
ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 12ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કીમ નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં ઓલપાડ અને કીમ નદીની આસપાસના ગામડાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.ઓલપાડનો હાથીસા રોડ સંપર્ક વિહોણો થઈ ગયો છે તેના પરથી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
આ ઉપરાંત ધરમપુરમાં 137 મિમિ, વઘઈ, 133 મિમિ, હાંસોટ 125 મિમિ, વાપી 120 મિમિ, માંગરોળમાં 116 મિમિ, કામરેજમાં 115 મિમિ, કપરાડામાં 115 મિમિ, સુરત શહેરમાં 114 મિમિ અને કપડવંજમાં 101 મિમિ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 52 ટકાથી વધુ વરસાદ, 4 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યના જળ સંપત્તિ વિભાગ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 52 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 70 થી 100 ટકા તેમજ 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે.
કયા જળાશયમાં કેટલું પાણી આવ્યું
રાજ્યમાં હાલમાં 1,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 24,438, દમણગંગામાં 1,65,945, ઉકાઇમાં 44,937, શેત્રુંજીમાં 18,828, કરજણમાં 5,850, ઓઝત-વીઅર(વંથલી)માં 5,043, ઓઝત-વીઅરમાં 3,990, કડાણામાં 1,715, ઝુજમાં 1,567, વણાકબોરીમાં 1,500, વેર-2 માં 1,450, આજી-2માં 1,449, ઓઝત-2માં 1,288 અને આજી-3માં 1,194 ક્યુસેકનો સમાવેશ થાય છે.
કયા જળાશયમાં કેટલા ટકા પાણી
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 15.78 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.28 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.84 ટકા, કચ્છના 20જળાશયોમાં 18.88 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 18.95 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 31.57 ટકા એટલે 1,75,769.82 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.