સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઇનડેડ થયેલ મહિલાના હ્રદય અને ફેંફસાને મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા, છ લોકોને મળશે નવું જીવન

ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિરણબેનના કિડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.

ઘરમાં જ પડી જતાં બેહોશ થયા હતાં

કિરણબેનને ૧૫-૨૦ દિવસથી માથામાં દુ:ખાવાની ફરિયાદ હતી. સોમવાર તા. 17 જુનના રોજ મળસ્કે પોણા ચાર વાગ્યે પડી જતાં તેઓ બેહોશ થઈ ગયા હતા અને ત્યારબાદ ખેંચ આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ન્યૂરોફિજીશિયન ડો. રવિ વૈત્યાની ની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન અને CT એન્જિયો કરાવતાં મગજની નસ ફુલીને ફાટી જવાને કારણે બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. ન્યૂરોસર્જન ડો. કિરીટ શાહ અને ડો. આશિત દેસાઇએ મગજની નસ ફુલીને ફાટી ગઈ હતી તેને ક્લિપિંગ મારીને બંધ કરી ક્રેનિયોટોમી કરી હતી. ગુરુવાર તા.20 જુન ના રોજ ન્યૂરોસર્જન ડો. કિરીટ શાહ, ન્યૂરોફિજીશિયન ડો. રવિ વૈત્યાની, ફિજીશિયન ડો. પરસોત્તમ કોરડીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચેતન મહેતાએ કિરણબેનને બ્રેનડેડ જાહેર કર્યા.

પરિવારની સંમતિ મળતા કિરણબેનના હ્રદય અને ફેંફસાનું દાન કરાયું હતું.

પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો

સુરતમાં રહેતા કિરણબેન કલ્પેશભાઈ લાકડાવાલા(ઉ.વ.આ.54)ને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. કિરણબેનની સારવાર બીએપીએસ પ્રમુખ સ્વામિ હોસ્પિટલમાં ચાલતી હતી. આ દરમિયાન પરિવારે કિરણબેનના અંગોનું દાન કરવાનું પતિ કલ્પેશભાઈ, પુત્ર કર્ણ અને પુત્રી ક્રિષ્ણાએ નક્કી કર્યું હતું. જેથી તેમના હ્રદય અને ફેંફસાને મુંબઈના મુલુંડની હોસ્પિટલમાં રહેલા દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

સુરતથી મુંબઈનું 269 કિ. મી નું અંતર 85 મીનીટમાં કાપીને હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બારામતી સ્થિત મહારાષ્ટ્રની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. ગુજરાતમાંથી દાનમાં મોકલવામાં આવેલા હ્રદય અને ફેફસાં એક જ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્ર બારામતીના રહેવાસી સામાન્ય પરિવારની કુ.રૂપાલી ઔતી (ઉ.વ ૨૫)માં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરતમાંથી આ 23માં હ્રદયનું દાન

સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું હતું તેના થોડા જ દિવસો બાદ કિરણબેનના ફેંફસા અને હ્રદયનું દાન કરાયું છે. જેથી સુરતમાંથી કુલ બીજી વખત ફેંફસાનું અને 23માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. આ સહિત કિડની, લિવર અને આંખોના દાન પણ શહેરના લોકો દ્વારા કરીને જરૂરીયાતમંદોને નવજીવન આપવામાં આવી રહ્યાં છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો