અદિતિ ગુપ્તા નામની લેખિકાએ તાજેતરમાં જ એક પુસ્તક રીલીઝ કર્યું છે, “મેજિક ઑફ હનુમાન ચાલીસા.” હનુમાન ચાલીસા એ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તુતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપણામાં શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદભૂત ફાયદા થાય છે.
આંતરિક શક્તિ અને પાવરઃ
રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવનસુત નામા
આ ચોપાઈનો જાપ કરતા કરતા શક્તિશાળી હનુમાનજીની કલ્પના કરો. આમ કરવાથી તમારામાં શક્તિનો સંચાર થશે અને શારીરિક નબળાઈ દૂર થશે.
પોઝિટિવ વિચારો અને ઉર્જા માટેઃ
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી
આ ચોપાઈના જાપથી આપણને બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. તેનાથી મગજમાં ચાલતા નેગેટિવ વિચારો દૂર થાય છે અને તમે હકારાત્મક ઉર્જાથી તરબતર થઈ જાવ છો.
બુદ્ધિ અને ડહાપણઃ
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર
આ ચોપાઈમાં હનુમાનજીની બુદ્ધિ, ડહાપણ અને સારા ગુણોના વખાણ કરાયા છે. તેના જાપથી તમારી બુદ્ધિક્ષમતા અને ડહાપણમાં ગજબ વધારો થાય છે અને તમને જીવનના દરેક ક્ષેત્રે સફળતા નસીબ થાય છે.
દુશ્મનો દૂર કરવા અને કામ પાર પાડવાઃ
ભીમ રૂપ ધરી અસૂર સંહારે, રામ ચંદ્રજી કે કાજ સંવારે
આ ચોપાઈથી તમે શત્રુ પર જીત મેળવી શકશો અને તમારા ધાર્યા કામ પાર પાડી શકશો. આ ચોપાઈમાં હનુમાનજીની અદભૂત શક્તિઓની પ્રશંસા કરાઈ છે.
દુઃખ દૂર કરવાઃ
લાયે સંજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે
જે રીતે હનુમાનજીએ સંજીવની લાવીને લક્ષ્મણનો જીવ બચાવ્યો, તમે પણ હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જાપ કરીને તમારી જાતને કોઈપણ જાતની બીમારીમાંથી તારી શકો છો. હનુમાનજીમાં ભલભલા દુઃખ-બીમારી દૂર કરવાની ક્ષમતા છે.
પીડા મુક્તિ માટેઃ
નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમત બીરા
હનુમાનજીના નામના જાપથી ગમે તેવી પીડા, દુઃખ દૂર થઈ જાય છે.
મુશ્કેલીમાંથી બહાર આવવાઃ
સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે
આ એવો પાવરફૂલ મંત્ર છે જેનાથી તમે જીવનના દરેક કષ્ટ, તકલીફોમાંથી બહાર આવી શકશો. આ મંત્રમાં મુસીબતોને તમારાથી જોજનો દૂર રાખવાની શક્તિ છે.
સબ સુખ લાયે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના
આ મંત્ર પોઝિટિવ એનર્જીથી છલોથલ છે. તેનો વારંવાર જાપ કરવાથી ખુશીની પ્રાપ્તિ થાય છે, તમામ પ્રકારનો ડર દૂર થાય છે. આમ તો ચાલીસાનો જાપ કોઈપણ પ્રકારના ચમત્કારની અપેક્ષા વિના જ કરવો જોઈએ પરંતુ આ ચોપાઈઓ ખરેખર શુભફળ પ્રદાન કરનારી છે.