પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે.

સૈનિકોને સખાવત

ગુજરાતની જનતાએ આપ્યું કરોડોનું દાન
શહીદ જવાનોના પરિવારની વ્હારે સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ પણ સામે આવી છે. સુમુલ ડેરી સહિતની મંડળીઓ દ્વારા દરેક શહીદ જવાનના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એટલે કે 4 કરોડ 81 લાખ રૂપિયા તમામ મંડળીઓ દ્વારા સહાય આપવામાં આવશે. તો બીજી તરફ સર્વશિક્ષા અભિયાનમાં કાર્ય કરતા કેટલાક કર્મચારીઓએ પણ પોતાના ઈન્ક્રિમેન્ટનો હિસ્સો શહીદોના પરિવાર જનો માટે અર્પણ કર્યો હતો.

ઓરપેટ ગૃપ દ્વારા 44 લાખની અપાશે સહાય
આ તરફ મોરબીના ઓરપેટ ગૃપ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. અંદાજીત 3 હજાર જેટલા કર્મચારીઓ અને ઉદ્યોગકારોએ કાળી પટ્ટી ધારણ કરી રેલી યોજી હતી. સાથે જ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ઓરપેટ ગૃપ દ્વારા શહીદ જવાનોના પરિવારો માટે 44 લાખની સહાય આપવામાં આવી છે.

ઓરપેટ ગૃપના કર્મચારીઓ 15 લાખની આપશે સહાય
તો ઓરપેટ ગૃપના ચમામ કર્મચારીઓએ પણ પોતાનું એક દિવસનું વેતન અંદાજીત 15 લાખ રૂપિયા શહીદોના પરિવારોને આપવાની જાહેરાત કરી છે.

સિરામિક એસો.દ્વારા 2 કરોડ શહીદોના પરિવારોને અપાશે
બીજી તરફ મોરબી સીરામીક એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે 2 કરોડ રૂપિયાનો ફાળો ઉઘરાવવામાં આવ્યો છે. જે આગામી તમામ શહીદોના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે.

ક્વોરી એસો. દ્વારા 11 લાખની અપાશે સહાય
આ તરફ નવસારી અને કચ્છ જિલ્લામાંથી પણ શહીદ પરિવારો માટે મદદની મહેર જોવા મળી. નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા પણ વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સાથે-સાથે શહીદોના પરિવારજનો માટે 11 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

દેશના ખુણે-ખુણેથી ખોબલે ને ખોબલે શહીદ જવાનોના પરિવાર માટે મદદ આવી રહી છે. આજે હિંદુસ્તાન એક થઈને ઊભું છે. એક જ માગ છે કે હવે બસ કોઈ મંત્રણા નહીં કોઈ પુરાવા નહીં બસ હવે સીધો જવાબ આપો. સરકારે પણ આ હુમલાનો કરારો જવાબ આપવાનું વચન આપ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સેના અને સરકાર ક્યારે પાકિસ્તાનને તેની ઔકાત બતાવે છે.

કોણે કેવી રીતે મદદ કરી?
પુલવામાં આતંકી હુમલામાં એક સાથે 44 જવાનોની શહીદીનો ઘા દેશવાસીઓ માટે યુદ્ધથી કાંઈ કમ નથી. લોકોમાં ક્રોધ છે, પાકિસ્તાન વિરુદ્ધ નફરત છે. પરંતુ સાથે-સાથે 44 જવાનોના પરિવારના આંશુને જોતાં દુઃખી પણ છે. આજે આખો દેશ એક થઈને આતંક વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે. સાથે-સાથે શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યો છે. ગુજરાતમાંથી પણ શહીદ જવાનોના પરિવારની મદદ માટે કરોડો રૂપિયાનું દાન થયું છે. જેમાં નેતાઓથી લઇને સામાન્ય નાગરીક અને ઉદ્યોગકારો પણ આગળ આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના ધારાસભ્યો એક કરોડની મદદ કરશે. જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર એટલે કે, એક-એક લાખ રૂપિયાની સહાય કરશે.

સંસ્કારપીઠ દ્વારા 16 લાખની સહાય
આ તરફ ગાંધીનગરમાં આવેલ તપોવન સંસ્કારપીઠ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે જ શહીદ જવાનો માટે સંસ્કારપીઠ દ્વારા 16 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવી છે.

ડભોડા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 11.11 લાખની સહાય
તો બીજી તરફ ડભોડા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શહીર જવાનોના પરિવારની મદદ માટે 11.11 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો