રાજકોટના ઉદ્યોગપતિનો આપઘાત: યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં લખ્યું- ઓઝોન ગ્રુપ જવાબદાર, મારી 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ન કર્યા

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાંની સાથે જ તેમનાં મિત્રવર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયાં હતાં અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.

સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ લખી મીડિયાને મોકલી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ લખી હતી, જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે, સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

બનાવની જાણ થતાં ભાજપના આગેવાનો અને મિત્રો દોડી ગયા
બનાવની જાણ થતાં તેમનાં પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે, તેઓ પણ આજે આ બનાવ બનતાં અવાચક થઈ ગયા હતા. મિત્ર મહેન્દ્રભાઈ ક્યારેય આવું પગલું ભરે એવું સ્વપ્ને પણ વિચારી શકાય એમ ન હતું, પરંતુ આજે આ ઘટના બનતાં સૌકોઈ લોકો શોક થઇ ગયા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યાં છે.

પોલીસને ઓરિજનલ સુસાઇડ નોટ મળી નથી
FSLની ટીમ હસ્તક પોલીસે ઓફિસમાંથી મહેન્દ્ર ફળદુનો મોબાઈલ કબ્જે કર્યો છે. તપાસમાં સુસાઇડ નોટ ત્રણ પેજની હોવાની વિગત સામે આવી છે. મૃતકના મોબાઈલમાંથી ત્રણ પેજની સુસાઇડ નોટ મળી આવી છે. કેટલાક લોકોને વોટ્સએપના માધ્યમથી સુસાઇડ મોકલવામાં આવી હતી. મહેન્દ્ર ફળદુએ પ્રથમ દવા પીધી હતી અને બાદમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મહેન્દ્ર ફળદુએ સુસાઇડ નોટના પેજના ફોટા ગઇકાલે મોબાઇલમાં પાડ્યા હતા. પોતાની ઓફિસેથી નહીં પણ અન્ય જગ્યાએથી ફોટો પાડ્યા હતા. જોકે ઓરિજનલ સુસાઇડ નોટ હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. પોલીસે તે અંગે શોધખોળ હાથ ધરી છે. યુનિવર્સિટી પોલીસ મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચી છે. અહીં પોલીસ ઓરિજનલ સુસાઇડ નોટ શોધવા પ્રયતન્ હાથ ધરશે. તેમજ પરિવારજનોના પણ નિવેદન નોંધશે. પરિવારજનો દ્વારા ફરિયાદ આપ્યા બાદ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવશે.

મહેન્દ્ર ફળદુએ ગઈકાલે સાંજે સવારે સ્ટાફને મોડું આવવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલાં જ તેમના લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.

મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગ્રુપ સાથે મળી અમદાવાદ પાસે જમીન ખરીદી હતી
સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટમાં વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ શહેરના આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરના બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’ના નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.

આ પ્રોજેક્ટમાં મહેન્દ્ર કેશવલાલ ફળદુએ પોતાના નામે, તેમનાં સગાં-વહાલાંના નામે આશરે 48000 ચોરસવાર જમીન વર્ષ 2007માં બુક કરી હતી. એ જ રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેના કાકા વિનયકાંત ટી. ફળદુ સહિતના અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફળદુ મા૨ફત બુક કરાવી હતી અને એનું પેમેન્ટ પણ વર્ષ 2007માં જ કરી આપ્યું છે. આ રકમ આશરે ત્રણ કરોડથી વધારે થાય છે. આ ૨કમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવી હતી.

કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદ-વિવાદો હતા
આ બાબતે કંપની, કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદ-વિવાદો ચાલતા હતા, કંપની વતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા, તેમણે રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી રહી એવી રકમ કંપનીને ચૂકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતા હતા, બુકિંગ સમયે કંપનીએ જણાવ્યું હતું કે ડેવલપમેન્ટ સાથેની જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેા ડાયરેક્ટરોને ખૂબ જ વિનંતીઓ કરી હતી, પરંતુ એમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી નહી, કંપનીના ડાયરેક્ટરો સમાધાનને બદલે અવારનવાર ધમકીઓ આપતા હતા, એમ. એમ. પટેલ અને તેમના પુત્ર પક્ષીન મનસુખભાઈ સુરેજા, અતુલભાઈ મહેતાએ આ અંગે ખોટાં કારણો ઊભાં કરીને પોલીસ ફરિયાદો પણ કરી હતી.

મંત્રીઓ અમારા માણસો, અમારું કંઈ નહીં કરે
આમ કરીને બિલ્ડર રોકાણકારો પર પોલીસ મારફત ધમકીઓ આપતા હતા અને કંપનીના ડાયરેક્ટરો વિશેષમાં એવું પણ કહેતા હતાં કે અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે. મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાનો, સંસદસભ્યો અમારી ઓફિસમાં બેસે છે અને તેમનાં કાર્યાલયો પણ અમારી જગ્યામાં છે, તે અમારા માણસો છે. અમારુ કોઈ કંઈ કરી લેશે નહીં. IAS, IPS ઓફિસરો અમારે ત્યાં આવે છે, સારો ઘરોબો છે. સતતને સતત ધમકીઓ આપતા રહે છે. આમ કરીને માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતા હોવાનું જાણવા મળ્યું છે.

ઓઝોન ગ્રુપે આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો
ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટરોએ જમીનના દસ્તાવેજો ન કરી આપવા પડે એ માટે મહેન્દ્ર ફળદુ તથા તેના જેવા રોકાણકારોને ખૂબ જ આર્થિક, શારીરિક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવો જ મુશ્કેલ હતો. કંપનીનાં ડાયેરક્ટોને કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિ બગડી ગઈ છે, મહેન્દ્ર ફળદુ મા૨ફત બુકિંગ કરાવેલા લોકોને કંપની વતી મહેન્દ્ર ફળદુએ નાણાં ચૂકવ્યાં છે તેમ છતાં કંપની અને તેના ડાયરેક્ટરો નીંભર થઈને એ રકમ ચૂકવતા નથી કે કોઈ જવાબ આપતા નથી. કંપની અને તેના ડાયરેક્ટરોના આવા વ્યવહારોને કારણે બુકિંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર વ્યક્તિ અવસાન પામ્યા છે, તેની માટે પણ કંપની અને તેના ડાયરેક્ટરો પાસે પૈસા ચૂકવવા માટે વિનંતી કરી હતી, તેમ છતાં કંપની અને તેના ડાયરેક્ટરોએ રકમ ચૂકવી નહીં કે તેમની અંતિમવિધિમાં પણ રકમ ચૂકવી નહીં. ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફત બુકિંગ કરાવેલું હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુની ઓફિસે આવે છે, મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા ઉપર આવે છે અને ખૂબ જ હેરાન-પરેશાન કરે છે. કંપની અને તેના ડાયરેક્ટરોનાં ગેરયદેસર કૃત્યને કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધાકધમકીઓ, ત્રાસ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો