બિનવારસી વાહનમાં દારુ મળે તો પોલીસ નહીં કરે કેસ, પોલીસ પર થતા ભ્રષ્ટાચારના આરોપ બાદ DGPએ લીધો નિર્ણય

બિનવારસી કારમાં દારૂ મળ્યો તો પોલીસ કોઈ કેસ નહીં કરે. પોલીસ કર્મચારીઓ પર ખોટો કેસ કર્યો હોવાનો આરોપ થતાં રાજ્યના પોલીસવડાએ આદેશ જાહેર કર્યા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય બેફામ રીતે દારૂનો ધંધો ધમધમે છે, જેના કારણે પોલીસનાં ખિસ્સાં ગરમ થાય છે. આવી સ્થિ‌તિમાં બુટલેગર્સને મોજ પડી જાય તેવો નિયમ સામે આવ્યો છે, જેમાં ‌બિનવારસી દારૂનો જથ્થો કાર કે વાહનમાં પડ્યો હશે તો પોલીસ તેમાં કોઇ પણ કેસ નહીં કરે. રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ પર થતા ભ્રષ્ટાચારના આરોપ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પોલીસ પાસે ચોક્કસ બાતમી હોય કે ‌બિનવારસી વાહનમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પડ્યો છે તો પણ તે કેસ નહીં કરી શકે તેની પાછળનું કારણ પોલીસ પર લાગતા ભ્રષ્ટાચારના આરોપ છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ, સ્ટેટ મો‌નિટરીંગ સેલ અને પીસીબીએ પહેલાં ‌બિનવારસી વાહનમાં દારૂનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે, જેમાં તેમના પર આરોપ થયા છે કે અંગત અદાવત રાખીને પોલીસે ખોટો કેસ કરી દીધો છે.

બિનવારસી વાહનમાં દારૂનો જથ્થો મળી આવે તો કેસ કરવો નહીંઃ DGP
બુટલેગર તેમજ માથાભારે તત્ત્વો આરોપ કરે નહીં તે મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભા‌ટિયાએ એવો નિર્ણય લીધો છે કે હવે ‌બિનવારસી વાહનમાં જ્યારે પણ દારૂનો જથ્થો મળી આવે ત્યારે કોઇ પણ પોલીસ કર્મચારીએ કેસ કરવો નહીં. સામાન્ય રીતે દારૂની બાતમી હોય ત્યારે પોલીસ રેડ કરવા જતી હોય છે, પરંતુ જ્યારે ‌બિનવારસી વાહનમાં દારૂનો જથ્થો હોય તો પોલીસને દસ વખત વિચાર કરવો પડે છે.

બુટલેગર્સને ખોટા કેસમાં ફસાવી દેવાના અનેક કિસ્સા હાઇકોર્ટ તેમજ પોલીસમાં સામે આવ્યા છે, જેના કારણે હવે કોઇ બુટલેગર ખોટા કેસમાં ફસાય નહીં અને પોલીસ પણ તેની દુશ્મનાવટ કાઢે નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. કુખ્યાત બુટલેગર રાજુ ગેંડ્ડી હાલ જેલમાં બંધ છે, પરંતુ જ્યારે તેના પર પોલીસે હત્યાનું કાવતરું ઘડવાનો કેસ કર્યો ત્યારે દારૂના કેસ પણ કર્યા હતા. આ ઘટના બાદ આરોપ થયા હતા કે પોલીસે તેની કારમાં દારૂનો જથ્થો મૂકીને કેસ કર્યો હતો.

એક બુટલેગરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે જ્યારે કોઇ પણ ‌બિનવારસી કારમાં દારૂનો જથ્થો મળશે તો પોલીસ કેસ નહીં કરે. જ્યાં સુધી વાહન લેનાર કોઇ આવશે નહીં ત્યાં સુધી તેના ઉપર વોચ રાખવામાં આવશે.

પોલીસ પાસે પણ દારૂનો સ્ટોક હોય છે, જેનો દુરુપયોગ કરવામાં આવે છે
જ્યારે પોલીસ દારૂનો જથ્થો પકડી પાડે છે ત્યારે તે કેટલીક દારૂની પેટીઓ કાઢી દેતા હોય છે, જેનો ઉપયોગ તે પાર્ટી માટે કે પછી વેચી દેવા માટે પણ કરતા હોય છે. આ સિવાય દારૂની પેટીનો ઉપયોગ કોઇને ખોટા કેસમાં ફસાવી દેવા માટે પણ થતો હોય છે. જ્યારે પોલીસને કોઇ બુટલેગરને ફસાવવો હોય તો તેની કારમાં અથવા તો તેના ઘરમાં ચોરીછૂપી દારૂની બોટલો મૂકી દેતા હોય છે અને ત્યારબાદ કેસ કરતા હોય છે તો બીજી તરફ લાખો રૂપિયાની કટકી કરવા માટે પણ પોલીસ નિર્દોષ લોકોને બુટલેગર બનાવી દેતા હોય છે. તાજેતરમાં વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે દારૂની જનતા રેડ કરી ત્યારબાદ બુટલેગર્સ જનતા રેડથી ડરીને હાલ પૂરતા ભૂગર્ભમાં ઊતરી ગયા છે, જ્યારે જનતા રેડનો મામલો શાંત થશે ત્યારે ફરી બુટલેગર સક્રિય થાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો