સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાનું પેપર લીક થતાં યુવાનોનું ભાવિ ધૂંધળુ થાય, ત્યારે કોંગ્રેસની સરકાર કૌભાંડીઓ સામે કેવી કઠોર બને છે અને ભાજપની સરકાર કૌભાંડીઓને કેવી રીતે છાવરે છે? તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત અને રાજસ્થાનમાં સામે આવ્યું છે.
રાજસ્થાનમાં રીટ પેપર લીક થયું તો ગેહલોત સરકારે તેના માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષને પાણીચું પકડાવી દીધું અને સચિવને સસ્પેન્ડ કરી દીધા. જ્યારે ગુજરાતમાં પરીક્ષાના પેપર લીક થયા તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ગૌણ સેવા પસંદગી મંડળની અધ્યક્ષ અસિત વોરાને અભયવચન આપીને છાવરી રહી છે.
તાજેતરમાં રાજસ્થાનમાં રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામિનેશન ફોર ટીચર (રીટ) પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના ઘટી છે. આ ઘટનાને રાજસ્થાનની કોંગ્રેસની અશોક ગેહલોત સરકારે ખુબ જ ગંભીરતાથી લીધી છે. આ ઘટનામાં સંડોવાયેલા કોઈપણ દોષિતોને ન બક્ષવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આદેશ આપ્યો છે. એટલું જ નહીં તેમની સરકારના જ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડી.પી.જારૌલીને આજે શનિવારે પાણીચું પકડાવી દેવાયું છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડના સચિવ અરવિંદ કુમાર સેંગવાને પણ આજે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.
બીજી તરફ ગુજરાત સરકાર છે. જે ત્રણ- ત્રણ પરીક્ષાઓના પેપર લીક થવા છતાં તેના મુખ્ય જવાબદારોને છાવરી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા છતાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને હજુ સુધી છાવરી રહી છે.
આ મામલામાં નાની નાની માછલીઓને નિશાન બનાવી, દોષનો ટોપલો તેના પર ઢોળી સમગ્ર પ્રકરણ ભીનું સંકેલવાના પ્રયત્ન કરાઈ રહ્યાં છે. બે વર્ષ પૂર્વે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ ફૂટયું હતું. તે વખતે પણ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા હતા. આમ અસિત વોરાના અધ્યક્ષપદે બે પરીક્ષાના પેપર લીક થતાં લાખો યુવાનોનું ભાવિ ધૂંધળું બન્યું છે. આમ છતાં ગુજરાતની ભાજપ સરકારને યુવાના ભાવિના બદલે અસિત વોરાના ભાવિની વધુ ચિંતા હોય તેમ વોરા સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..