પાટીદાર ગ્લોબલ સમિટ એટલે માત્ર વિકાસવાદ

સરથાણા સરદારધામ પબ્લીક ટ્રસ્ટના ઉદ્દેશોને સુસંગત રીતે સમસ્ત પાટીદાર સમાજની સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રમાં રાખીને થઈ રહેલી કામગીરી ખાસ કરીને લક્ષ્યબિંદુઓ સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથી ભવન અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. સરદારધામ દ્વારા વર્ષ 2018થી શરૂ કરીને પ્રતિ 2 વર્ષે 2026 સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કર્યું છે. જાન્યુઆરી-2020માં ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ બિઝનેસ સમિટના પ્રિ-લોન્ચીંગ કાર્યક્રમ-6નું આજે સરથાણા સ્થિત હરિક્રિષ્ના કેમ્પસ ખાતે સમાજના અગ્રણીઓની હાજરીમાં દબદબાભેર શુભારંભ થયો.

પાટીદાર ઉદ્યોગપતિ ભામાશા ગગજીભાઈ સુતરિયાએ પોતાની સંપત્તિનો 34 ટકા હિસ્સો સમાજને અર્પણ કર્યો.

સરદારધામ અમદાવાદ મિશન 2026 અંતર્ગત સરદારધામ દક્ષિણ ગુજરાત આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ-6નું આયોજન સરથાણા સ્થિત હરિક્રિષ્ના કેમ્પસ ખાતે ગોવિંદભાઈ ધોળકિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે 2020માં ઉદ્યોગધંધામાં હરણફાળ ભરતા યુવાનો માટે ખૂબ જ મોટી અને સોનેરી તક છે. સરદારધામ સમાજના વિકાસ અને ઉત્થાન કેમ થાય તે માટે કામ કરે છે. વ્યસનમાં રહેતા યુવાનોને ટકોર કરતા જણાવ્યું હતું કે અમે આખો પાટીદાર સમાજ નિર્વ્યસની જોવા માંગીએ છીએ. કોઈપણ યુવાનો ગુટકા ખાય નહી તેવું ગૌરવ લેવા માંગીએ છીએ. સમગ્ર આયોજનના પ્રણેતા અને સરદારધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે સરદારધામ એ કોઈ સંસ્થા કે એનજીઓ નહી એક વિચારધારા છે. સરદારધામના માધ્યમથી આપણે સમુધ્ધ સમાજ નિર્માણ કરવાની દિશામાં જઈ રહ્યા છીએ.

આવનારા દિવસોમાં 100 યુવાનો અને 100 વડિલોની ટીમ (વિકાસ પાવડી) બનાવીને મિશન 2026 પૂર્ણ કરવાનું છે. મિશન 2026માં દેશ અને દુનિયાની સાથે કદમ મિલાવી શકે તેવા 1 લાખ તાલીમબધ્ધ યુવાનોની ફોજ તૈયાર કરવી છે. નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા અને સાહસ પૂરું પાડવા માટે પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓનું સંગઠન બનાવી એકબીજા સાથે નેટવર્ક જોડી સરદાર સાહેબના સ્વપ્નના સમાજને નિર્માણ કરવાનું આ મિશન છે. હું મારી સંપત્તિનો 34 ટકા હિસ્સો સમાજને અર્પણ કરીશ. જેમાં યુવા ઉદ્યોગકારોને તાલીમ, બી2બી મિટીંગ, આધુનિક રીતે ધંધાના આયોજનો વૈશ્વિક જોડાણ સરકારીની નિતીઓમાં સુધારા વગેરે સમાજ વિકાસના હેતુ સાથે આગળ વધવા માટે સમાજના આગેવાનોએ ઊંડાણપૂર્વકનું ચિંતન મનન કરીને પ્રગતિ અને પરોપકારીતાની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ. અલગ-અલગ ફોટાઓમાં વિભાજીત થયા વિના સરદારના વિચારોને લઈને સમાજના ઉજ્જવળ ભવિષ્યની યોજના છે. અમદાવાદ, વડોદરામાં પછી સુરતમાં 250 કરોડના ખર્ચે સરદારધામ નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

સમિટના પહેલા પડાવમાં 10 હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન બનશે

જાન્યુઆરી 2020માં યોજાનાર પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટના પ્રથમ પડાવમાં 10 હજાર પાટીદાર ઉદ્યોગપતિઓનું સંગઠન બનશે. તેના ભાગરૂપે સુરતમાં દર શનિવારે બી2બી મિટીંગો થાય છે. ઘણા નવા યુવાનોને માર્ગદર્શન મળે છે. સફળ બિઝનેસમેનો નવા યુવાનોને માર્ગદર્શન પુરૂં પાડીને તમામ પ્રકારે આગળ વધવા માટે પ્રેરણા અને સાહસનું સિંચન કરે છે. સફળતા એ જ વ્યક્તિને મળે છે જે સતત પુરૂષાર્થ કરે છે.
મનહરભાઈ સાચપરા – કન્વીનર, પાટીદાર ગ્લોબલ સમિટ, દક્ષિણ ગુજરાત

સમિટમાં અન્ય સમાજને પણ 15 ટકા સ્થાન

સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પાટીદાર સમિટમાં દેશ-વિદેશમાના પાટીદાર વેપારી ઉદ્યોગ સાહસિકો હિસ્સો લેનાર છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુર સવાણીએ જણાવ્યું હતું કે કોઈ વાદ નહીં હોવો જોઈએ. આ સમિટમાં અન્ય સમાજને પણ સ્થાન હોવું જોઈએ. ત્યારબાદ ફરીથી ગગજી સુતરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં માત્ર વિકાસવાદ છે. આ સમિટમાં 15 ટકા સ્ટોલ અન્ય સમાજના વેપારીઓ માટે છે. હું મારી સંપત્તિનો 34 ટકા હિસ્સો સમાજને અર્પણ કરીશ.

જો માવા – ગુટખા ન છોડી શકીએ તો પાટીદાર પાણીદાર નહીં કહેવાય

કાર્યક્રમમાં સવજી ધોળકિયા કહ્યું કે હું દિલથી બોલું છું દિમાગથી બોલતો નથી. અમારે ત્યાં કોઈપણ મહેમાન આવે એટલે એના પેન્ટના ખિસ્સા ચકાસલમાં આવે છે. આજે પણ આ કાર્યક્રમમાં આવતા આમંત્રિતોને ચેક કર્યાં તો ગુટખા-તમાકુની પડીકીઓ નીકળી. આ બધું ભેગું કરીને સવજી ધોળકિયાએ સ્ટેજ પર ફેકી દઈ અને કહ્યું કે જો આપણે માવા-ગુટખા નહીં છોડી શકીએ તો પાટીદાર પાણીદાર નહીં કહેવાય.
સવજી ધોળકિયા – અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ

તંદુરસ્ત સ્પર્ધા માટેની ભૂમિ એટલે સુરત

સુરતની ભૂમિ એક માત્ર એવી ભૂમિ છે. જ્યાં સમાજ સેવા માટે તંદુરસ્ત સ્પર્ધાઓ થાય છે. કોણ સારી સેવા કરે તે માટેની સ્પર્ધાને લીધે સમાજને ખૂબ જ ફાયદો થયો છે. વિઝન, મિશન અને સ્પીરીટ લઈને યુવાનો આગળ વધી રહ્યો છે.
ગણપત ધામેલિયા – અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ

નૈતિક પ્રામાણિકતા જ માણસને સફળતા તરફ લઈ જાય છે.

પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટના મુખ્ય વક્તા પૂજય જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ સારા છે. પરંતુ મહેનત તરફ જવાનું છે. માણસની નૈતિક પ્રામાણિકતા તેને સફળતા તરફ લઈ જાય છે. ઉદ્યોગ ધંધાને વિકાસ તરફ લઈ જવા માટે વ્યક્તિને ઓળખવી તેની સાથે સબંધો રાખવા ખૂબ જરૂરી છે. તમારા ધંધાને ઉપર લઈ જવા માટે કર્મચારીઓનો આદર કરવો જોઈએ. બિઝનેસને એક્સપેન્શન માટે કર્મચારીઓને પરિવારના સભ્યો સમજીને તેની સાથે વ્યવહાર કરવો જોઈએ. 90 ટકા ધંધાનો આધાર તમારા માનનીય સબંધો છે. આગળ વધવા માટેનો સૌથી મોટો એક જ ગુણ કહેવો હોય તો તે માનવીય સબંધો છે. હું પણ જીતું અને તું પણ જીત. હું પણ પ્રગતિ કરું અને તું પણ પ્રગતિ કર. હું પણ કમાઉ અને તું પણ કમાઈ શકે તેવી ભાવના હોવી જોઈએ.
પૂજય જ્ઞાનવત્સલ સ્વામી

 

 

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો