નર્મદા કાંઠે આવેલ સુપ્રસિદ્ઘ યાત્રાધામ પોઈચા ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં એક બાળાનું મોત થયું છે. સ્કૂલ સાથે પિકનિક મનાવવા આવેલી આ બાળાને મંદિર દ્વારા ખુલ્લો મૂકાયેલો ખાળકૂવો ભરખી ગયો હતો. જેને પગલે અન્ય વિદ્યાર્થીનીઓ પણ હેબતાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની થાવર ગામની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પોઈચા ખાતે પિકનિક પર આવ્યા હતા. સ્કૂલ દ્વારા પોઈચા સ્વામીનારાયણ મંદિર અને નર્મદા ડેમનો પ્રયાસ આયોજિત કરાયો હતો. જેને પગલે ગઈકાલે સ્કૂલના બાળકો પોઈચા ખાતે હતા. આ સમયે હેતલ ચૌધરી નામની બાળકીને પેશાબ કરવા જવાનું હોઈ તેણે શિક્ષકને જાણ કરી હતી. જેથી શિક્ષક તેને બાથરૂમ તરફ લઈ ગયા હતા. આ જગ્યાએ એક ખાળકૂવો હતો, જે રાતના અંધારામાં સ્પષ્ટ દેખાઈ શકે તેમ ન હતો. તેમજ તેમાં પાણી પણ ન હતું. જેથી હેતલ તેમાં પડી હતી.
આ બનાવથી પિકનિકમાં ઉહાપોહ મચ્યો હતો. પિકનિકમાં આવેલી અન્ય બાળકીઓ ગભરાઈ ગઈ હતી. હેતલના મૃતદેહને પીએમ અર્થે રાજપીપળાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પોઈચા ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર મધ્ય ગુજરાતનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તથા અહી રોજ મુસાફરોનો ભારે ધસારો જોવા મળે છે. પરંતુ આવા પ્રસિદ્ધ મંદિરમાં મંદિરના તંત્ર દ્વારા ખાળકૂવો ખુલ્લો મૂકાયો હોય તો તે ઘોર બેરદરકારી કહેવાય.