આમીર ખાનની ફિલ્મ દંગલમાં ફોગટ સિસ્ટર્સ પિતા મહાવીરસિંહ ફોગટને સન્માન અપાવ્યું હતું. આવો જ કિસ્સો સાબરકાંઠાના હાપા ગામે સામે આવ્યો છે. હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ 2 દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ચા વેચનારની દીકરીઓએ પિતાને સન્માન અપાવ્યું છે. સરકારે પણ આ પરિવારને પ્રતિ માસ 5000 રૂપિયા મદદ આપી રહી છે. દીકરીઓએ નેશનલ લેવલે સિલ્વર મેડલ જીત્યો છે.
મકવાણા સિસ્ટર્સ ગુજરાતની અન્ય દીકરીઓ માટે રોલ મોડલ
હિંમતનગર પાસેના હાપા ગામે ચા વેચીને ગુજરાન ચલાવતા પિતા ગજેન્દ્રસિંહ મકવાણાએ પોતાની દીકરીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષાએએ રમતી કરી છે. દીકરીઓ પણ સાબરકાંઠા સહિત રાજ્યની અન્ય દીકરીઓ માટે રોલ મોડલ બની છે. ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરીઓ દંગલ ફિ્લ્મની ગીતા અને બબીતા જેવો જોમ, જુસ્સો અને પોતાના પર ભરોસો ધરાવે છે અને પિતામાં પણ ગર્વ દેખાઈ આવે છે. હિંમતનગર નજીક આવેલા હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં કરાટેમાં પોતાનુ કૌવત બતાવી હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ મેળવી જીતી ચૂકી છે.
મોટી દીકરીએ કરાટેમાં ઝંપલાવ્યું બાદ બીજી બે દીકરીએ
હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરીવારમાં સૌથી પહેલા કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી અને પરિવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણાં જોમ અને જુસ્સાથી તેને 6 વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવી શરૂ કરી હતી. આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટેમાં કિસ્મત અજમાવવા નિર્ધાર કર્યો હતો. બે બેનોના પગલે પગલે છેલ્લે બિજલે પણ કરાટેમાં જોડાવાનું પસંદ કર્યુ હતું.
દીકરીઓનું લક્ષ્યાંક ઈન્ટરનેશનલ ગેમ્સ
મોટી પુત્રી તોરલ મકવાણા કહે છે કે, અમે પરિવારમાં 5 બહેનો છીએ અને જેમાં અમે ત્રણ બહેનો કરાટે શીખ્યાં છીએ અને અમે નેશનલ સુધી બે બહેનો પહોંચી છીએ. અમારો આગામી ટાર્ગેટ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લેવાનો છે. બીજી સફળ પુત્રી માયા મકવાણા કહે છે કે, અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઇએ છીએ. નિયમિત રીતે તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છીએ.
તોરલ બ્લેક બેલ્ટ અને માયા બ્રાઉન બેલ્ટ
સૌથી મોટી દીકરી તોરલ હાલમાં 13 વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે તો બીજી પુત્રી માયા હાલમાં અગિયાર વર્ષની છે અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે. સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના કદમ પર ચાલીને ઓરેન્જ બેલ્ટ હાંસલ કર્યો છે. હવે તેનો ઈરાદો બ્લેક બેલ્ટ મેળવવાનો છે.
ચાની દુકાન ચલાવી દીકરીઓને કરાટેમાં ચેમ્પિયન બનાવી
ગજેન્દ્રસિંહ મકવાણા હોસ્પિટલ સામે ચાની નાનકડી દુકાન ધરાવે છે અને ચાની દુકાનથી સાંજ પડે થતી ત્રણ આંકડાની આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પરિવારના ગુજરાન ચલાવવાની સાથે દીકરીઓને કરાટેની તાલીમ આપવા અને તે માટે કરવો પડતો ખર્ચ એ તેમના માટે જાણે કે આભને સાંધવા જેવું હતું. આમ છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા અને એ જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કૂલ ગેમ્સમાં સફળતા મેળવી ચુકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે.
પાંચેય દીકરીઓને દીકરા માનતા પિતા
ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા સમાન છે અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનું સાબિત કરી બતાવ્યું છે. હવે તેઓ પિતા હોવા છતાં પણ હવે તેમની ઓળખ દીકરીઓની સફળતાના નામ થાય છે. કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે 5 હજાર રૂપિયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઇ છે.
હવે દીકરીઓના નામે પિતાની ઓળખ
સફળ દીકરીઓના પિતા ગજેન્દ્રસિંહ મકવાણા કહે છે કે, મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ રીતે જ તેમને આગળ વધારી છે. ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવું છું પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે. કરાટેના પ્રશિક્ષક જુજારસિંહ વાઘેલા કહે છે કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઇ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરૂ કરી છે. બંનેને તૈયાર કરવા માટે તેના પિતા ચાની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તેઓએ સંઘર્ષ કરી દીકરીઓને મંજીલ સુધી પહોંચાડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..