સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા વિશ્વજીત મહેતાને 2014માં લિવરની સમસ્યા વિશે જાણ થઇ, ત્યાર બાદ 2016માં લિવર ખુબ જ ડેમેજ થતાં ડોક્ટરે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. વિશ્વજીતભાઇની દીકરી ભાવીને આ બાબતની જાણ થતાં લિવર ડોનેટ કરવાની તૈયારી બતાવી, પરિણામે 12 મે 2016ના રોજ એટલે કે પિતાના જન્મ દિવસે જ દીકરીનું લિવર પિતામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ફાધર્સ ડે નિમિતે કેનેડા રહેતી દીકરી અને હાલ ડાયમંડની એક કંપનીમાંથી મેનેજર તરીકે રિટાયર્ડ થયેલા ભાવીના પિતા વિશ્વજીત મહેતા એ ઘટનાની વિડંબનાઓ, સંઘર્ષ અને સિદ્ધી સુધીની વાત જણાવી હતી.
દીકરીના લગ્ન કરાવવાની તૈયારી કરતા પિતાને જીવવા માટે દીકરીનું જ લિવર મળે છે ત્યારે એ પિતાની જીભમાંથી શબ્દો સરી પડે છે કે ‘મારે દુનિયામાં બે માતા છે. મને જન્મ આપનારી માતા અને બીજી મને લિવર આપનારી મારી દીકરી. 2014માં મને ખ્યાલ આવ્યો કે મને લિવરની સમસ્યા છે અને વર્ષ બાદ મને જણાવવામાં આવ્યું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર વિકલ્પ છે. જેથી ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. 10 સભ્યો ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર હોવા છતાં મારી દીકરી ભાવીએ લિવર ડોનેટ કરવાની જીદ્દ પકડી અને કહ્યુ કે ઓપરેશનના દિવસે જ તમારો બર્થ ડે છે અને હું તમને લિવર આપીને જીંદગીની સૌથી યાદગાર ગીફ્ટ આપવા માંગુ છું.’
મારી બે માતા છે એક જન્મ આપનારી અને લીવર આપનારી દીકરી
આ ઘટના વિશે વાત કરતા વિશ્વજીત મહેતાએ જણાવ્યુ હતું કે ‘જ્યારે મને લિવરની બિમારી વિશે ખબર પડી ત્યારે મારા મૃત્યુ પહેલા હું પરિવારને સિંગાપોરની ટુર કરાવવાનું ઇચ્છતો હતો. જો કે જવાના 25 દિવસ પહેલા હું બિમાર થઇ ગયો અને હોસ્પિટલમાં દાખલ થયો. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું. પણ હું માન્યો નહીં અને રિસ્ક લઇને પરિવાર સાથે સિંગાપોર ગયો. પરત આવીને ઓપરેશન કરવાનું નક્કી કર્યું. 10 લોકો તૈયાર હતાં પણ મારી દીકરી જ મને લિવર આપવા ઇચ્છતી હતી. આ સાંભળીને મારા મિત્રો કહેતા કે તારી દીકરીની જીંદગી શું કામ ખરાબ કરે છે.? તેમ છતાં કોઇની પણ વાત માન્યા વગર મારી દીકરીએ જ મને લિવર આપ્યું.
મેં નક્કી કર્યું કે લગ્ન કરીશ તો ભાવી સાથે જ : તેજસ
હાલ કેનેડામાં રહેતા અને ભાવી મહેતાના પતિ તેજસ ત્રિવેદી એ જણાવ્યુ હતું કે ‘એ સમયે હું લગ્ન માટે કેનેડાથી સુરત આવ્યો હતો. થોડા નામો નક્કી હતાં. 10 છોકરીઓ જોઇ હતી અને તમામ પરિવાર પોઝિટીવ હતાં. એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું હતું કે આપણા જ સમાજની એક છોકરીએ પિતાને લિવર ડોનેટ કર્યુ છે. મેં એ છોકરીને મળવાનું નક્કી કર્યું. પરિવારના સભ્યો મને કહી દીધુ કે ભાવીએ લિવર ડોનેટ કર્યું કે અને એના નિશાન પણ છે. પણ મેં કોઇની પણ ચિંતા કર્યા વગર લગ્ન માટે હા પાડી દીધી અને આજે અમે કેનેડામાં ખુબ જ શાંતિથી રહીએ છીએ અને 11 મહિનાની બેબી પણ છે.’
ઋણ ચુકવવાનો મોકો જવા દેવા માંગતી ન હતી : ભાવી
ઓપરેશનના એક દીવસ પહેલા હું ખુબ જ નર્વસ હતી. એ દિવસે બીજી એક દીકરી પણ તેના પિતાને લિવર ડોનેટ કરવા જઇ રહી હતી. હું એને મળવા ગઇ ત્યારે એ છોકરીએ મને કહ્યુ કે ‘તમે લકી છો કેમ કે પિતાનું ઋણ ચુકવવાનો મોકો તમને મળ્યો છે. દરેક લોકો આટલા લકી નથી હોતા. તમે ચિંતા છોડો અને પિતાની પડખે ઉભા રહો. બધુ જ સારું થઇ જશે.’ આ સાંભળીને હું ખુબ જ મોટિવેટ થઇ હતી. પછી મારો ડર જતો રહ્યો. એ સમયે મારી જીંદગીમાં મારા માતા-પિતા અને સંબંધીઓ સિવાય કોઇ ન હતું. મારા ભવિષ્યમાં આવનાર વ્યક્તિ માટે આટલી ચિંતા કરું છું એના કરતાં જન્મ આપનારની વધારે ચિંતા કરવી જોઈએ.’ – ભાવી મહેતા, પિતાને લિવર આપનારી દીકરી